એકનાથ શિંદેએ હૉસ્પિટલમાં કરાવ્યું ચેકઅપ, સંપૂર્ણ મેડિકલ તપાસ કરાવવા ડૉક્ટરોનું સૂચન
Eknath Shinde: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત લથડી હોવાની વાત સામે આવી હતી. તેમને થાણેની જ્યુપિટર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. શિંદે રવિવારે જ પોતાના વતનથી પરત ફર્યાં હતા. નાદુરસ્ત તબિયતના કારણે તેઓ આરામ કરવા ગામમાં ગયા હતા. પરંતુ મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેમની તબિયત સારી છે.
તાવ અને ગળામાં ઇન્ફેક્શનના કારણે એકનાથ શિંદે પરેશાન
એકનાથ શિંદેની હાલત હજુ પણ સારી ન હોવાથી તેમનો ડેન્ગ્યુ અને મેલેરિયાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો છે. સતત તાવ આવતો હોવાથી એન્ટિબાયોટિક્સ આપવાના કારણે તેમને નબળાઈ આવી ગઈ હતી. આથી જ્યુપિટર હૉસ્પિટલના ડૉકટરોની ટીમે તેમનું હેલ્થ ચેકઅપ કર્યું હતું. સીએમ એકનાથ શિંદે સાથે તેમના પુત્ર શ્રીકાંત શિંદે પણ હાજર છે. સતત તાવ અને ગળામાં ઇન્ફેક્શનના કારણે એકનાથ શિંદે પરેશાન છે.