એનસીપી પછી હવે શિંદેની શિવસેના નારાજ, કહ્યું- સાત સાંસદ જીત્યા હોવા છતાં એક પણ મંત્રીપદ નહીં
Loksabha Election 2024: મોદી કેબિનેટમાં સ્થાન ન મળવા બદલ અજિત પવારના જૂથના NCPની નારાજગી બાદ હવે એકનાથ શિંદે જૂથની શિવસેનાની નારાજગી પણ સામે આવી રહી છે. પાર્ટીના ચીફ વ્હીપ શ્રીરંગે બારણે જણાવ્યું છે કે, 'એક તરફ ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને એચડી કુમારસ્વામીના પક્ષને ઓછી બેઠકો મળી હોવા છતાં કેબિનેટ મંત્રાલય આપવામાં આવ્યું છે, તો બીજી તરફ તેમના સાત સાંસદો હોવા છતાં એક ને જ રાજ્યકક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે.'
શ્રીરંગ બારણે કહ્યું કે, 'અમે કેબિનેટમાં સ્થાનની અપેક્ષા રાખતા હતા. ચિરાગ પાસવાન પાસે પાંચ સાંસદ છે, માંઝી પાસે એક સાંસદ છે, જેડીએસ પાસે બે સાંસદ છે, તેમ છતાં તેમને કેબિનેટ મંત્રાલય મળ્યું છે. જ્યારે અમે લોકસભામાં સાત બેઠકો અપાવી હોવા છતાં અમને શા માટે બાકાત રાખવામાં આવ્યાં?'
શ્રીરંગ બારણેએ બળાપો કાઢ્યો
શિવસેના (શિંદે જૂથ)ના ચીફ વ્હીપ શ્રીરંગે બારણે કહ્યું, 'અમારી શિવસેનાના સ્ટ્રાઈક રેટને ધ્યાનમાં રાખીને અમને કેબિનેટ મંત્રી પદ આપવું જોઈતું હતું." આમ કહીને શિંદે જૂથના સાંસદ શ્રીરંગ બારણેએ જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
NCP અજીત જૂથ પણ નારાજ
શિવસેના (શિંદે જૂથ)ની નારાજગી પહેલા એનસીપી (અજિત જૂથ)ના પણ મંત્રીપદ ન મળતાં નારાજગી વ્યક્ત કરી હતી. પાર્ટીના નેતા પ્રફુલ પટેલે કહ્યું, 'ગઈ રાત્રે (શપથગ્રહણ પહેલા) અમને કહેવામાં આવ્યું હતું કે અમારી પાર્ટીને સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્યમંત્રી મળશે. હું અગાઉ કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી હતો. અમે ભાજપના નેતૃત્વને જાણ કરી છે અને તેઓએ અમને થોડા દિવસો રાહ જોવાનું કહ્યું છે કે, તેઓ સુધારાત્મક પગલાં લેશે.'
વડાપ્રધાન મોદીએ 30 કેબિનેટ મંત્રી, સ્વતંત્ર હવાલો ધરાવતા પાંચ રાજ્ય મંત્રી અને 36 મંત્રી પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. વડાપ્રધાન મોદી સહિત કુલ 31 કેબિનેટ મંત્રીઓમાંથી પાંચ રાજ્યસભાના સભ્યો છે, જ્યારે ઉપલા ગૃહના અન્ય છ સભ્યોને રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ભાજપના સહયોગી દળોને આ વખતે 5 મંત્રાલયો મળી શકે છે. ભાજપ આ મંત્રાલય પોતાની પાસે રાખવા માંગે છે.