સામનામાં મોટો દાવો- એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ માગતાં અમિત શાહે મૂકી મોટી શરત
Maharashtra CM: મહારાષ્ટ્રનું રાજકારણ ચૂંટણી સમયથી સતત વિવાદિત છે. એવામાં શિવસેના ઉદ્ધવ જૂથના મુખપત્ર સામનામાં દાવો કરાયો છે કે, મહારાષ્ટ્ર સરકારમાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવતાં ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે નારાજ છે. એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી મુખ્યમંત્રી પદ સોંપવા ભલામણ કરી હતી. જો કે, અમિત શાહે તેનો ઈનકાર કર્યો હતો.
ઉદ્ધવ જૂથના મુખપત્ર સામનામાં અહેવાલ આપવામાં આવ્યો છે કે, એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી હતી. તેમજ મુખ્યમંત્રી પદ સોંપવા અપીલ કરી હતી. જો કે, અમિત શાહે તેનો ઈનકાર કર્યો હતો અને કહ્યું કે, તમે ભાજપમાં જોડાઈ જાઓ, ત્યારબાદ મુખ્યમંત્રી પદ પર તમારો દાવો જળવાઈ રહેશે.
શિંદેએ ચાર વાગ્યા સુધી રાહ જોઈ
22 ફેબ્રુઆરીના રોજ અમિત શાહ અને એકનાથ શિંદે વચ્ચે ગુપ્ત બેઠક યોજાઈ હોવાનો દાવો સામનામાં થયો છે. મહારાષ્ટ્રની બાગડોર સંપૂર્પણપણે દિલ્હીના હાથમાં છે. અને મહારાષ્ટ્રના નેતા અમિત શાહને મળવા માટે સાંજના ચાર વાગ્યા સુધી રાહ જોઈને બેઠા હતાં. અમિતશાહ સાથેની બેઠક બાદ શિંદે હોટલમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમના ચહેરા પર સ્પષ્ટપણે નિરાશા દેખાઈ રહી હતી.
શિંદે દિલ્હી દરબાર સામે ઝૂક્યાં
સામનામાં લખ્યું છે કે, મરાઠા અસ્મિતાની સોદાબાજી કરતાં લોકોની ફૌજ ઉભી થઈ છે. શિવાજી મહારાજ અને સંભાજી મહારાજના સમયમાં પણ વતનદારી માટે ગદ્દારોની વાર્તા પ્રચલિત હતી. આજે પણ સત્તાના લોભમાં દિલ્હીને સલામ કરે છે. ઉદ્ધવ ઠાકરે સાથે બળવો કર્યો ત્યારે એકનાથ શિંદેએ કહ્યું હતું કે, આ મરાઠા સ્વાભિમાનની લડાઈ છે. પરંતુ તે પોતે જ દિલ્હી દરબારમાં માથુ ઝૂકાવીને ઉભા છે.
આ વાત થઈ શિંદે અને શાહ વચ્ચે
અમિત શાહઃ શું વાત છે શિંદેજી? સવારના ચાર વાગ્યા છે, આટલી ઉતાવળ કેમ?
શિંદેઃ તમને બધુ જ ખબર છે કે, શું થઈ રહ્યું છે.
અમિત શાહઃ શું થઈ રહ્યું છે.
શિંદેઃ મારી અને મારા સમર્થકોની ઘેરાબંદી થઈ રહી છે. મને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તમે વચન આપ્યું હતું કે, હું જ મુખ્યમંત્રી રહીશ.
અમિત શાહઃ અમારા 125 ધારાસભ્યો ચૂંટાયા છે, તો તમે કેવી રીતે દાવો કરી શકો છો.
શિંદેઃ મારા નેતૃત્વમાં ચૂંટણી લડી હતી
અમિત શાહઃ ના, મોદીજીના ચહેરા પર ચૂંટણી લડી હતી, તમે શું ઈચ્છો છો?
શિંદેઃ મુખ્યમંત્રી પદ
અમિત શાહઃ હવે એમ ના મળી શકે. મુખ્યમંત્રી અમારા પક્ષના જ રહેશે. જો તમારે મુખ્યમંત્રી બનવુ હોય તો તમે ભાજપમાં જોડાઈ જાઓ, પક્ષ બહારનો વ્યક્તિ મહારાષ્ટ્રમાં સીએમ બની શકે નહીં.
શિંદેઃ તો મારા પક્ષનું શું થશે?
અમિત શાહઃ તે અમને સોંપી દો, અમે પક્ષ બનાવ્યો હતો. તમે ચિંતા ન કરો.