મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ એવી કઈ ત્રણ શરત મૂકી કે ભાજપ માટે ઊભું થયું મહા સંકટ?
Eknath Shinde Proposals For Maharashtra CM: દિલ્હીમાં બેઠક બાદ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સ ચાલુ છે. અમિત શાહ અને જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ એકનાથ શિંદેએ સારી અને સકારાત્મક બાબતોનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘આગામી મુખ્યમંત્રીને લઈને એક-બે દિવસમાં મુંબઈમાં મહાયુતિ ગઠબંધનની બેઠક મળશે જેમાં તમામ નિર્ણયો લેવામાં આવશે. દિલ્હીમાં બેઠક બાદ શિંદે મુંબઈ આવ્યા હતા પરંતુ શુક્રવારે બપોરે અચાનક તેઓ સતારામાં તેમના ગામ જતા રહ્યા હતા અને મહાયુતિની બેઠકો રદ કરવામાં આવી હતી.
શિંદેએ ભાજપને ત્રણ વિકલ્પો આપ્યા
અમિત શાહ સાથે એકનાથ શિંદેની અંતિમ વાતચીત સામે આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને સમાધાનની ફૉર્મ્યુલા ઑફર કરી છે. જેમાં તેમણે ત્રણ વિકલ્પો આપ્યા હતાં. જેમાંથી ભાજપે એક રસ્તો પસંદ કરવાનો છે.
દિલ્હીમાં બેઠક નિષ્ફળ રહી?
મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 બેઠકમાંથી 230 બેઠક હાંસલ કરનારા એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની સત્તા ફાળવણી પર ચર્ચા કરવા ગુરુવારે રાત્રે દિલ્હીમાં અમિત શાહના નિવાસ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં શુક્રવારે મહાયુતિ બેઠક કરી અંતિમ નિર્ણય જણાવવાની હતી, પરંતુ આ બેઠકો રદ થઈ અને શિંદે પોતાના ગામ જતા રહ્યા. આ તમામ ઘટનાઓ સંકેતો આપે છે કે, દિલ્હીમાં મુખ્યમંત્રી પદ માટે યોજાયેલી બેઠક નિષ્ફળ રહી.
આ પણ વાંચોઃ આ તો જનાદેશનું અપમાન કહેવાય...' મહારાષ્ટ્રમાં સરકાર બનવામાં વિલંબ પર બગડ્યાં શરદ પવાર
એકનાથ શિંદેનો પ્રથમ પ્રસ્તાવ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એકનાથ શિંદેએ અમિત શાહ સમક્ષ પોતાની વાત મૂકી હતી કે, વિધાનસભાની ચૂંટણી તેમના નેતૃત્વમાં લડવામાં આવી હતી. આથી મહિલા મતદારો, મરાઠાઓ અને અન્ય પછાત વર્ગોનો સહકાર મળ્યો. લાડલી બહેન યોજના, અનામતનો નિર્ણય, અને વિવિધ સમુદાયો મટે સહકારી સંસ્થાઓની રચનાના કારણે મહાયુતિની જીત થઈ હતી. જેથી તેમને ફરી મુખ્યમંત્રી બનાવવા જોઈએ.
શિંદેનો બીજો વિકલ્પ
એકનાથ શિંદેએ બીજો વિકલ્પ આપ્યો છે કે, જો તેમને સીએમ બનાવવામાં ન આવે તો તેમને ગૃહ, નાણાં અને મહેસૂલ વિભાગ આપવામાં આવે. જો તેમને આ વિભાગો આપવામાં આવે અને ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં કોઈ વાંધો નથી. અને રાજ્યમાં સત્તાનું સંતુલન પણ જળવાઈ રહેશે. તેમણે કહ્યું કે, તેમને ઉપમુખ્યમંત્રી પસંદ કરવાની સત્તા સોંપવામાં આવે.
ત્રીજી શરત
વધુમાં શિંદેએ ત્રીજી શરત રજૂ કરતાં કહ્યું કે, આ ત્રણેય વિભાગ શિવસેનાને સોંપવામાં નહીં આવે તો તેમનો પક્ષ સરકારનો હિસ્સો નહીં રહે. શિવસેના રાજ્યમાં બહારથી સમર્થન આપશે અને પક્ષના સાત લોકસભા સાંસદ પણ હિન્દુત્વ મુદ્દે નરેન્દ્ર મોદી સરકારને બહારથી સમર્થન આપશે.