એક હૈ તો સેફ હૈ નો મતલબ મોદી છે ત્યાં સુધી અદાણી સેફ છે : રાહુલ
- રાહુલે તિજોરી લાવી તેમાંથી મોદી અને અદાણીનું પોસ્ટર કાઢી મજાક ઉડાવી
- કોંગ્રેસ સત્તા પર આવશે તો 50 ટકાની અનામતની મર્યાદા દૂર કરશે અને જાતિ આધારિત વસતી ગણતરી કરશે
મુંબઈ : રાહુલે એક હૈ તો સેફ હૈનો ભાજપનો નારો માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમના ઉદ્યોગપતિ મિત્રોને જ લાગુ પડે છે તેમ કહી મજાક ઉડાવી હતી. તેમણે કહ્યું હતું કે મોદી છે ત્યાં સુધી અદાણી સેફ છે. બાકી મહારાષ્ટ્રની પ્રજા અનસેફ છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર આજે સાંજે બંધ થયો એ પહેલાં મુંબઈમાં કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી કે અમે સત્તા પર આવશું તો આરક્ષણની ૫૦ ટકાની ટોચ મર્યાદા દૂર કરશું અને મહારાષ્ટ્રમાં જાતિ જનગણના હાથ ધરશું.
ભાજપના એક હૈ તો સેફ હૈ સૂત્રની મજાક ઉડાડતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી અને ઉદ્યોગપતિઓ એક છે ત્યાં સુધી તેઓ પોતે સેફ છે. અંગ્રેજીમાં તિજોરીને સેફ કહે છે એટલે રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં નાનાકડી સેફ ખોલી એમાંથી વડા પ્રધાન અને ગૌતમ અદાણીનું પોસ્ટર કાઢ્યું હતું અને આ સૂત્રની મજાક ઉડાવી હતી. તેમણે કહ્યુ ંહતું કે ભાજપ એક હૈ તો સેફ હૈ નો નારો આપે છે પણ કોણ કોનાથી સેફ છે, કોણ કોની સાથે સેફ છે એ છૂપાવે છે. જુઓ અમે એ પ્રગટ કરીએ છીએ કે ભાજપ છે ત્યાં સુધી, મોદી છે ત્યાં સુધી અમિત શાહ છે ત્યાં સુધી અદાણી સેફ છે. આ સૂત્રનો અર્થ છે કે મોદી સાથે હોય તો તેમના ઉદ્યોગપતિ દોસ્તો સેફ છે. પરંતુ, ત્યાં સુધી મહારાષ્ટ્રન જનતા અનસેફ છે.
મુંબઈમાં પત્રકાર પરિષદને સંબોધતા લોકસભાના વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે ફોક્સકોન અને એરબસ સહિત ૭ લાખ કરોડના પ્રોજેકટ મહારાષ્ટ્રમાંથી ગુજરાત ધસડી જવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના યુવાનો રોજગારી ગુમાવી રહ્યાં છે. મુંબઈની વાત કરીએ ગૌતમ અદાણીના હાથમાં ધારાવી રિડવેલપમેન્ટ પ્રોજેકટ આપે એ માટે આખી સરકારી યંત્રણા કામે લાગી ગઈ હતી. આમ સત્તાધારી સરકારી રાજ્યના લોકોનું હિત જોખમાવી ઉદ્યોગપતિઓના હિતની રક્ષા કરે છે. એટલે જ અમારા માટે વિધાનસભાની ચૂંટણી વિચારધારાની લડાઈ છે, મુઠ્ઠીભર અબજોપતિઓ સામે ગરીબોને રક્ષણ આપવા અમે મેદાનમાં ઉતર્યા છીએ. મહાવિકાસ આઘાડીના કોંગ્રેસ સહિતના ઘટક પક્ષોનું મહારાષ્ટ્રના હિતોની રક્ષા કરવાનું લક્ષ્ય ધરાવે છે એમ તેમણે કહ્યું હતું.
રાહુલ ગાંધી છોટા પોપટ : ભાજપ
રાહુલ ગાંધીએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક હૈ તો સેફ હૈ સૂત્રની મજાક ઉડાડતા ભારતીય જનતા પક્ષે વળતો પ્રહાર કરી તેમને છોટા-પોપટ ગણાવ્યા હતા. ભાજપના પ્રવક્તા સંમ્બિત પાત્રાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને છોટા પોપટ નામ શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેએ આપ્યું હતું. બાળાસાહેબ કહેતા કે 'છોટા પોપટને કિયા હૈ કોંગ્રેસ કો ચૌપટ.' રાહુલે 'સેફ'નો અર્થ તિજોરી કર્યો એ સંદર્ભમાં પાત્રાએ કહ્યું હતું કે ગાંધી-નહેરુ પરિવારે વર્ષો સુધી દેશની તિજોરી લૂંટી છે અનેક કૌભાંડો આચરી તેમણે આ તિજોરી તળિયાઝાટક કરી નાખી હતી.