દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેમાંથી કોઈ એક દિલ્હી લઈ જવાય તેવી શક્યતા! જાણો કોની શક્યતા વધુ
Devendra Fadnavish vs Eknath Shinde: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ જીત મેળવી છે. જો કે, આ જીત માનીએ તેટલી સરળ નહોતી. મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો જોતા લાગે છે કે, જાણે મહાયુતિની સુનામી આવી ગઈ છે. મહાયુતિની સામે મહાવિકાસ આઘાડીનો સંપૂર્ણ પરાજય થયો હતો. શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધીની આગેવાની હેઠળની MVA 50 બેઠકોમાં જ સમેટાઈ ગઈ હતી. હવે ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થયા છે, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે? આ સવાલ એટલા માટે પણ મહત્ત્વનો છે કારણ કે ભાજપ અને શિવસેના વચ્ચે સીએમ પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપીના મહાગઠબંધનમાંથી આગામી મુખ્યમંત્રી કોણ હશે? તેના પર હાલમાં તો સસ્પેન્સ છે.
હકીકતમાં મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપે જીતેલી બેઠકોને જોઈને ફડણવીસ કેમ્પ સીએમ પદને લઈને સક્રિય થઈ ગયો છે. ભાજપ દ્વારા દેવેન્દ્ર ફડણવીસનું નામ મુખ્યમંત્રી પદ માટે આગળ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ એકનાથ શિંદે પણ સરળતાથી માનવા માટે તૈયાર નથી. શિંદેએ એક નિવેદન આપીને ફરી મુશ્કેલી ઉભી કરી છે. મહારાષ્ટ્રમાં સીએમ અંગેના સવાલ પર એકનાથ શિંદેએ કહ્યું કે, એવું નક્કી નથી થયું કે, જેની વધારે બેઠકો હોય તેમનો મુખ્યમંત્રી બનશે. તેમણે કહ્યું કે મહાયુતિના ત્રણેય દળના પક્ષોના નેતાઓ બેસીને આ અંગે નિર્ણય કરશે. દેવેન્દ્ર ફડણવીસ પણ કંઈક આવું જ કહી રહ્યા છે. તેમનું એમ પણ કહેવું છે કે, સીએમ પદ અંગેનો નિર્ણય સાથે બેસીને લેવામાં આવશે.
મહાયુતિમાં કોની પાસે કેટલી બેઠકો:
ભાજપ: 132
શિવસેના (શિંદે જૂથ): 57
NCP (અજિત જૂથ): 41
ભાજપમાં ફડણવીસની તરફેણમાં વાતાવરણ
જો કે, ચૂંટણી પહેલા અને પરિણામો પછી બંને સંકેતો પરથી સ્પષ્ટ છે કે, દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર છે. મહાયુતિને 220+ બેઠકો મળી છે. ભાજપે એકલા હાથે 125થી વધુ બેઠકો કબજે કરી લીધી છે. ત્યારે દેવેન્દ્ર ફડણવીસ આ વખતે મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે તે લગભગ નક્કી માનવામાં આવે છે. પણ સવાલ એ છે કે, શું એકનાથ શિંદે સહેલાઈથી સહમત થશે? આનો જવાબ આપતા પહેલા એ જાણવું જરૂરી છે કે, ફડણવીસ માટે સીએમ પદની માંગ ભાજપમાં જોર પકડવા લાગી છે. અને આરએસએસ ખુદ પણ ઇચ્છે છે કે, દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને. આ ઉપરાંત અમિત શાહે તાજેતરમાં ચૂંટણી રેલીમાં તેમના નિવેદનમાં પણ આ અંગે ઈશારો કર્યો હતો.
ચૂંટણી પરિણામ ગ્રાફ
ઉમેદવારઃ દેવેન્દ્ર ફડણવીસ (ભાજપ)
વિધાનસભા બેઠક : નાગપુર દક્ષિણ પશ્ચિમ
કેટલા મતથી જીત્યાઃ 39710 મત
ઉમેદવાર: એકનાથ શિંદે (શિવસેના)
વિધાનસભા બેઠક : કોપરી-પાંચપખાડી
કેટલા મતોથી જીત્યાઃ 120717 મત
દેવેન્દ્રની માતાએ આપ્યો સંકેત
ભલે મહાયુતિ અત્યારે સીએમ પદ માટે પત્તા ખોલી રહી હોય. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે, દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેમાંથી કોઈ એકને દિલ્હીની ટિકિટ લેવી પડશે. દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી આવે તેવી શક્યતા ઓછી છે. તેની માતાએ આ અંગે સ્પષ્ટ સંકેત આપ્યો છે. દેવેન્દ્ર ફડણવીસની માતા સરિતાએ કહ્યું કે, તેમનો પુત્ર દિલ્હી જવા માંગતો નથી.
તેમણે કહ્યું, "તેમના પુત્રએ ચૂંટણી માટે 24 કલાક મહેનત કરી છે. તેને પોતાના ખાવા-પીવાની દિનચર્યાની પણ ચિંતા ન હતી. દેવેન્દ્ર માત્ર મુંબઈમાં જ રહેવા ઈચ્છે છે અને દિલ્હી જવા માગતા નથી.' હવે જો ભાજપ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવે તો એકનાથ શિંદે નારાજ થાય તે સ્વાભાવિક છે."
આ પણ વાંચો : મથુરાના પ્રેમ મંદિરવાળા કૃપાલુ મહારાજની 3 દિકરીઓને નડ્યો ગંભીર અકસ્માત, એકનું મોત
દિલ્હીમાં કોની આવવાની શક્યતા વધુ છે?
આ સ્થિતિમાં ભાજપ પાસે પ્લાન બી પણ છે. જો દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બને છે, તો શિવસેના પ્રમુખ એકનાથ શિંદેને દિલ્હી જવું પડશે. એકનાથ શિંદે કોઈપણ ભોગે સીએમમાંથી ડેપ્યુટી સીએમમાં ડિમોશન સ્વીકારશે નહીં. આ ઉપરાંત તેઓ ફડણવીસ કેબિનેટમાં રહેવા માંગતા પણ નથી. આવી સ્થિતિમાં ભાજપ તેમને દિલ્હી આવવાનું આમંત્રણ આપી શકે છે અને એકનાથ શિંદે નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સામેલ થઈ શકે છે.
એ વાતની ખૂબ ઓછી શક્યતા છે કે, એકનાથ શિંદે 2019 ની વાર્તા રિપીટ કરશે, જ્યારે મુખ્યમંત્રી પદના કારણે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે ગઠબંધન તોડીને કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવી હતી. તો ઉદ્ધવની હાલત જોઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં તેમની પાસે દિલ્હી આવવાનો વધુ સારો વિકલ્પ છે.