મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના: ખંડવામાં કૂવાની સફાઈ કરવા ઉથરેલા 8 લોકોના મોત, જાણો શું બની હતી ઘટના
Madhya Pradesh News: મધ્યપ્રદેશના ખંડવાના કોંડાવત ગામમાં ગંગૌર માતા વિસર્જન કરવા માટે કૂવાની સફાઈનું કામ ચાલી રહ્યું હતું, આ દરમિયાન મોટી દુર્ઘટના બની ગઈ. ગુરૂવારે કૂવામાં ઝેરી મિથેન ગેસ લિકેજ થવાથી 8 લોકોના મોત થયા હતા. સાંજે 8:30 વાગ્યા સુધી તમામ 8 લોકોના મૃતદેહ કૂવાથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક એક જ પરિવારના હોવાનું જાણવા મળી રહ્યું છે.
કેવી રીતે બની દુર્ઘટના?
ગંગૌર વિસર્જન માટે કૂવાની સફાઈ માટે બે લોકો નીચે ઉતર્યા હતા. બંનેને ગૂંગળામણ થતાં તેને બચાવવા માટે એક બાદ એક છ લોકો કૂવામાં ઉતરી ગયા. આ રીતે 8 લોકો કૂવામાં ઝેરી ગેસની ઝપેટમાં આવી ગયા. દુર્ઘટનાની માહિતી મળતા જ સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો. મોટી સંખ્યામાં ગ્રામ્ય કૂવાની પાસે એકઠા થઈ ગયા. ઘટનાની માહિતી મળતા જ છૈગાંવામાખન અને પંધાના પોલીસ સ્ટેશનની ટીમ SDERFના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.
કૂવામાં ઝેરી ગેસ હોવાના કારણે બચાવ કાર્યમાં વધુ મુશ્કેલી પડી હતી. ઓક્સિજન માસ્ક પહેરીને કૂવામાં ઉતરેલા SDERF કર્મીઓને પહેલા 4 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા. ત્યારબાદ બાકીના 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે કુણબી પટેલ સમુદાયની દેવી માતાનું વિસર્જન અહીં થાય છે. ગુરુવારે, વિસર્જન પહેલાં હંમેશની જેમ લોકો કૂવામાં સફાઈ કરવા માટે નીચે ઉતર્યા હતા. ઘટનાની માહિતી મળતાં પોલીસ અધિક્ષક મનોજ કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી મોહન યાદવે કર્યું દુઃખ વ્યક્ત, 4-4 લાખની સહાય કરી જાહેર
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ખંડવામાં બનેલી ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે, દરેક પીડિતના આશ્રિતોને ચાર લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે. મુખ્યમંત્રી યાદવે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, 'કોંડાવત ગામમાં બનેલી એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ગંગૌર વિસર્જન માટે કૂવા સાફ કરવા ગયેલો એક વ્યક્તિ કાદવમાં ફસાઈ ગયો અને તેને બચાવવાના પ્રયાસમાં એક પછી એક કૂવામાં ઉતરેલા સાત વધુ વ્યક્તિઓ પણ અંદર ફસાઈ ગયા હતા. કૂવામાં ઝેરી ગેસના કારણે ગૂંગળામણ થવાથી આઠેય લોકોના મોત થયાના દુઃખદ સમાચાર મળ્યા છે.'
તેમણે કહ્યું હતું કે, 'ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ, વહીવટીતંત્ર, હોમગાર્ડ્સ અને 'SDERF' ટીમ દ્વારા સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દુઃખની ઘડીમાં તેઓ તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. તેમણે વહીવટીતંત્રને મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે.'