છત્તીસગઢમાં નક્સલીઓનો વિસ્ફોટ આઠ જવાન શહીદ, ડ્રાઇવરનું મોત
- નક્સલીઓએ બે વર્ષમાં સૌથી મોટા હુમલાને અંજામ આપ્યો
- આઇઇડી વિસ્ફોટથી જવાનોનું વાહન હવામાં ફંગોળાયું જમીનમાં 10 ફૂટનો ખાડો પડી ગયો, સર્ચ ઓપરેશન શરૂ
બિજાપુર : છત્તીસગઢમાં ફરી નક્સલીઓએ મોટો હુમલો કર્યો છે, નક્સલીઓના આ હુમલામાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના આઠ જવાનો શહીદ થયા છે જ્યારે એક ડ્રાઇવરનું પણ મોત નિપજ્યું છે. નક્સલીઓએ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં રોડ પર આઇઇડી છુપાવીને આ વિસ્ફોટને અંજામ આપ્યો હતો, જવાનોનું વાહન આ આઇઇડી પરથી પસાર થતા જ મોટો વિસ્ફોટ થયો હતો. સુરક્ષાદળો પર નક્સલીઓનો બે વર્ષમાં સૌથી મોટો હુમલો અને આ વર્ષનો પ્રથમ મોટો આ હુમલો માનવામાં આવે છે.
બસ્તર રેન્જના આઇજી સુંદરરાજે જણાવ્યું હતું કે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી)ના આઠ જવાનો અને ડ્રાઇવર નક્સલવાદ વિરોધી ઓપરેશન પાર પાડીને સ્કોર્પિયો એસયુવીમાં પરત ફરી રહ્યા હતા, એવામાં બિજાપુરના આમ્બેલી ગામમાં નક્સલીઓએ આઇઇડીથી વિસ્ફોટ કર્યો હતો જેની અડફેટે સ્કોર્પિયો કાર આવી ગઇ હતી. કારમાં બેઠેલા તમામ જવાનો અને ડ્રાઇવરના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડમાં મોટાભાગે સ્થાનિક લોકોની જ ભરતી કરવામાં આવતી હોય છે, આ પોલીસ વિભાગનુ એજ યુનિટ છે. આ હુમલા બાદ મોટી સંખ્યામાં અન્ય સુરક્ષાદળો સ્થળ પર દોડી ગયા હતા અને સમગ્ર વિસ્તારને ઘેરીને હુમલાખોર નક્સલીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી.
આ વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી નક્સલવાદ વિરોધી ઓપરેશન ચલાવાઇ રહ્યું હતું જેમાં પાંચ નક્સલીઓ માર્યા ગયા હતા જ્યારે એક ડીઆરજી હેડ કોન્સ્ટેબલનું પણ અગાઉ મોત નિપજ્યું હતું. તાજેતરના નક્સલી વિસ્ફોટ બાદની સ્થળ પરની તસવીરો પણ સામે આવી છે. આ વિસ્ફોટ એટલો તિવ્ર હતો કે વાહન હવામાં ફંગોળાયુ હતું અને જમીનમાં ૧૦ ફૂટ ઉંડો ખાટો પડી ગયો હતો.
દરમિયાન છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ રાયે જણાવ્યું હતું કે તાજેતરમાં નક્સવાદ પ્રભાવિત વિસ્તારોમાં મોટા પાયે ઓપરેશન ચલાવાઇ રહ્યા છે જેને પગલે નક્સલીઓ રોષે ભરાયા છે અને આ હુમલો કરી રહ્યા છે.
જવાનોની શહાદત એળે નહીં જાય, નક્સવાદના ખાતમા માટેની અમારી લડાઇ વધુ મજબૂતાઇથી આગળ વધારવામાં આવશે.