ઝારખંડમાં એક કરોડના ઇનામી સહિત આઠ નક્સલીઓનો સફાયો કરાયો
- છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓના વિસ્ફોટમાં એક જવાન શહીદ
- અન્ય બે નક્સલીઓ પર 25 અને 10 લાખનું ઇનામ જાહેર કરાયું હતું, એકે-47, આઠ દેશી બંદુકો સહિતના હથિયારો જપ્ત
રાંચી/બીજાપુર : ઝારખંડમાં સીઆરપીએફના કોબરા કમાન્ડો દ્વારા નક્સલીઓ સામે ઓપરેશન શરૂ કરાયું છે, આ ઓપરેશનમાં બોકારો જિલ્લામાં સુરક્ષાદળોએ આઠ નક્સલીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા નક્સલીઓમાં એક ખુંખાર નક્સલીનો પણ સમાવેશ થાય છે કે જેના પર એક કરોડનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. બોકારોના જંગલ વિસ્તારમાં વહેલી સવારે ૫.૩૦ વાગ્યે આ ઓપરેશન શરૂ થયું હતું જે કલાકો સુધી ચાલ્યું હતું.
સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે કોબરા કમાન્ડો અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં કુલ આઠ નક્સલીઓ માર્યા ગયા હતા, ઓપરેશન સ્થળેથી એક એકે ૪૭ રાઇફલ, ત્રણ ઇન્સાસ રાઇફલ, એક સેલ્ફ લોડિંગ રાઇફલ, આઠ દેશી બંદુકો, એક પિસ્તોલ જપ્ત કરવામાં આવ્યા હતા. જે પણ નક્સલીઓ માર્યા ગયા છે તેમાં નક્સલી સંગઠનના સેન્ટ્રલ કમિટીનો સભ્ય પ્રયાગ માંઝી ઉર્ફે વિવેક, સ્પેશિયલ એરિયા કમિટી સભ્ય અરવિંદ યાદવ, ઝોનલ કમિટી સભ્ય સાહેબ્રામ માંઝી, મહેશ માંઝી, રંજુ માંઝી વગેરેનો સમાવેશ થાય છે. જેમાંથી વિવેક પર એક કરોડ રૂપિયાનું જ્યારે અરવિંદ યાદવ પર ૨૫ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું. જ્યારે સાહેબ્રામ પર પણ ૧૦ લાખનું ઇનામ હતું.
ઝારખંડના ડીજીપી અનુરાગ ગુપ્તાએ કહ્યું હતું કે આ એન્કાઉન્ટર સાથે જ અહીંના છોટાનાગપુર વિસ્તારના નક્સલીઓના આખા સ્કોડને જ ખતમ કરી નાખવામાં આવી છે. હાલમાં સમગ્ર ઝારખંડમાંથી નક્સલીઓનો સફાયો થઇ રહ્યો છે. હાલમાં તેઓ માત્ર ચાઇબાસા વિસ્તારમાં જ સક્રિય છે. તેમના પણ સફાયા માટે સુરક્ષાદળો દ્વારા પુરતા પ્રયાસો ચાલી રહ્યા છે. સીઆરપીએફની કોબરા બટાલિયન જંગલોમાં વિશેષ ઓપરેશન માટે જાણીતી છે. તેને જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામેના અભિયાનમાં પણ તૈનાત કરવામાં આવી છે. આ વર્ષે જ છત્તીસગઢમાં નક્સલવાદ વિરોધી અભિયાનમાં ૧૪૦ નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે. છત્તીસગઢના બીજાપુરમાં સોમવારે નક્સલીઓ વિરોધી અભિયાન દરમિયાન છત્તીસગઢ આર્મ્ડ ફોર્સનો એક જવાન શહીદ થયો હતો. નક્સલીઓ દ્વારા કરાયેલા આઇઇડી વિસ્ફોટમાં તેનું મોત નિપજ્યું હતું. હાલમાં બીજાપુરમાં મોટા પાયે નક્સલીઓની શોધખોળ માટે અભિયાન ચલાવાઇ રહ્યું છે.