ચંદ્રાબાબુની ચીમકીની અસર, આંધ્રમાં 70 હજાર કરોડની રીફાઇનરી મંજૂર
- રીફાઇનરી માટે ત્રણ શહેરોના નામ સૂચવાયા
- આંધ્રનું વિભાજન કરવામાં આવ્યા પછી દસ વર્ષ સુધી કોઈ પગલાં ન લેવાતા ટીડીપીના વડાનું આક્રમક વલણ
નવી દિલ્હી : આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ મોદી સરકારનું નાક દબાવીને આંધ્ર પ્રદેશમાં ૭૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચે ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ હબ સ્થાપવાની માગણી સ્વીકારવાની ફરજ પાડી છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ નરેન્દ્ર મોદી અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીને મળ્યા હતા. એ વખતે તેમણે આંધ્ર પ્રદેશમાં રિફાઈનરીની મંજૂરી આપવા રજૂઆત કરી હતી પણ મોદીએ હકારાત્મક પ્રતિસાદ ના આપતાં ચંદ્રાબાબુએ તેના રાજકીય પરિણામો ભોગવવાં પડશે એવી ગર્ભિત ચીમકી આપી હોવાનું કહેવાય છે.
આ ચીમકીની ચમત્કારિક અસર થઈ છે અને પાંચ દિવસમા તો રીફાઈનરીને મંજૂરી મળી ગઈ છે. નાયડુના ૧૬ સાંસદો ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર માટે ખૂબ જ જરૂરી હોવાથી મોદી સરકારે નાયડુ સામે ઝૂકવું પડયું છે.
કેન્દ્ર સરકાર આ મુદ્દે ચૂપ છે પણ ચંદ્રાબાબુએ ટ્વિટ કરીને પોતે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ના અધિકારીઓને મળ્યા હોવાની જાહેરાત કરી છે. ચંદ્રાબાબુએ ૯૦ દિવસમાં ફિઝિબિલિટી રીપોર્ટ આવી જશે અને ૫૦૦૦ એકર જમીનનું સંપાદન કરાશે એવી જાહેરાત પણ કરી છે.
આંધ્ર પ્રદેશનું વિભાજન કરીને ૨૦૧૪માં નવા તેલંગાણા રાજ્યની રચના કરાઈ ત્યારે રીફાઈનરીની સ્થાપનાનું વચન વિભાજનને લગતા કાયદામાં અપાયેલું પણ મોદી સરકારે દસ વર્ષમાં કોઈ પગલાં ન લેતાં નાયડુ આક્રમક બન્યા છે.
આંધ્રપ્રદેશમાં રૂપિયા ૬૦,૦૦૦ કરોડથી ૭૦ હજાર કરોડના રોકાણ સાથે સ્થપાનારી આ રિફાઈનરી અને પેટ્રોકેમિકલ હબ અંગેની ઔપચારિક જાહેરાત ૨૩ જુલાઈએ નિર્મલા સીતારામન દ્વારા રજૂ થનારા બજેટમાં કરાશે એવો સૂત્રોનો દાવો છે.
ચંદ્રાબાબુએ રીફાઈનરી માટે શ્રીકાકુલમ, માછલીપટ્ટનમ અને રામાયપટ્ટનમ એમ ત્રણ શહેરોના વિકલ્પ સૂચવ્યા છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (મ્ઁભન્)ના અધિકારીઓ ફિઝિબિલિટી રીપોર્ટ તૈયાર કરાવીને ક્યાં રીફાઈનરી સ્થાપવી તે અંગે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરશે. આ પ્રક્રિયામાં બે મહિના લાગી જશે તેથી બજેટમાં ક્યાં રીફાઈનરી સ્થપાશે તેની જાહેરાત નહીં કરાય પણ આંધ્રમાં રીફાઈનરીની જાહેરાત કરાશે.