ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, કોન્સ્ટેબલ જીડી પરીક્ષા હવે 15 ભાષાઓમાં લેવાશે
Police exam : કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPFs)માં કોન્સ્ટેબલમાં ખાલી પદો પર ભરતી ચાલી રહી છે, જેના માટે પરીક્ષાનું આયોજન 20 ફેબ્રુઆરી 2024થી 7 માર્ચ 2024 સુધી દેશભરમાં નક્કી પરીક્ષા કેન્દ્ર પર કરાશે. હવે આ પરીક્ષાને લઈને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેયર્સ (ગૃહ મંત્રાલય) તરફથી મોટો નિર્ણય લેવાયો છે.
આ વખતે સીઆરપીએફ કોન્સ્ટેબલ (જીડી) પરીક્ષા અંગ્રેજી અને હિન્દી સિવાય 13 પ્રાદેશિક ભાષાઓમાં આયોજિત કરાશે. આ પરીક્ષામાં આ વર્ષે અંદાજિત 48 લાખ સ્ટુડેન્ટ્સ ભાગ લેવા જઈ રહ્યા છે. પરીક્ષા દેશભરના 128 શહેરોમાં આયોજિત કરાશે.
હિન્દી અને અંગ્રેજી સિવાય આ ભાષાઓમાં હશે પેપર
CRPF કોન્સ્ટેબલ (સામાન્ય ડ્યૂટી) પરીક્ષાના પ્રશ્ન પત્ર હવે હિન્દી અને અંગ્રેજી સિવાય અસમિયા, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, કન્નડ, તમિલ, તેલુગુ, ઉડિયા, ઉર્દુ, પંજાબી, મણિપુરી અને કોંકણી સહિત 13 ભાષાઓમાં તૈયાર કરાશે.
SSCએ બહાર પાડ્યું જાહેરનામું
કોન્સ્ટેબલ જીડી પરીક્ષા સ્ટાફ સિલેક્શન કમીશન (SSC) દ્વારા આયોજિત મુખ્ય પરીક્ષાઓમાંથી એક છે, જેમાં દેશભરમાંથી લાખો ઉમેદવારો ભાગ લે છે. દેશભરમાં આ પરીક્ષાને લઈને હવે ગૃહ મંત્રાલય અને સ્ટાફ સિલેક્શન કમીશને હિન્દી અને અંગ્રેજી સિવાય 13 પ્રાદેશિક ભાષાઓમાં પરીક્ષા આયોજિત કરવાની સુવિધા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેને લઈને હવે સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)એ 2024માં કોન્સ્ટેબલ (જીડી) પરીક્ષા અંગ્રેજી અને હિન્દી સિવાય 13 અન્ય પ્રાદેશિક ભાષાઓમાં આયોજિત કરવા માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.