Get The App

ઇડીનું વલણ મનસ્વી, હરિયાણાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડ ગેરકાયદે : સુપ્રીમ

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
ઇડીનું વલણ મનસ્વી, હરિયાણાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડ ગેરકાયદે : સુપ્રીમ 1 - image


- સુપ્રીમે સુરેન્દ્ર પંવારને મોટી રાહત આપી ઇડીની ટીકા કરી 

- ઇડી અધિકારીઓની વર્તણૂક અમાનવીય છે કારણકે આ કેસ કોઇ આતંકવાદી પ્રવત્તિઓ સાથે નહીં પણ રેતીના ગેરકાયદે ખાણકામ સાથે સંકળાયેલ 

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે હરિયાણાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય સુરેન્દ્ર પંવારથી લગભગ ૧૫ કલાકની પૂછપરછ દરમિયાન ઇડીના વલણને મનસ્વી અને અમાનવીય ગણાવ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસ નેતાની ધરપકડને ગેરકાયદે ગણાવતા ચુકાદાને યોગ્ય ગણાવ્યો છે.

ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને ન્યાયમૂર્તિ ઓગસ્ટીન જયોર્જ મસીહની ખંડપીઠે જણાવ્યું હતું કે ઇડી અધિકારીઓની વર્તણૂક અમાનવીય છે કારણકે આ કેસ કોઇ આતંકવાદી ગતિવિધિઓ સાથે સંબધિત નથી પણ રેતીના ગેરકાયદે ખાણકામ સાથે સંકળાયેલ છે. 

ખંડપીઠે જણાવ્યું હતું કે આ પ્રકારના કેસમાં લોકોની સાથે આવો વ્યવહાર કરવો જોઇએ નહીં. તમે એક વ્યકિતને નિવેદન આપવા માટે મજબૂર કરી છે. 

ખંડપીઠે સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધ ઇડીની અરજીને ફગાવતા જણાવ્યું હતું કે  અમે હાઇકોર્ટના એ આદેશમાં હસ્તક્ષેપ કરવા માંગતા નથી જેમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રતિવાદીની ધરપકડ ગેરકાયદેસર છે. 

ખંડપીઠે જણાવ્યું હતું કે હાઇકોર્ટનો નિષ્કર્ષ ફક્ત એ નક્કી કરવા માટે હતું કે પંવારની ધરપકડ ગેરકાયદેસર હતી કે નહીં. 

ખંડપીઠે બે ડિસેમ્બરના પોતાના આદેશમાં જણાવ્યું હતું કે આ ચુકાદો પીએમએલએ, ૨૦૦૨ની કલમ ૪૪ હેઠળ વિલંબિત ફરિયાદના ગુણ-દોષને અસર કરશે નહીં.

કોર્ટે જણાવ્યું હતું કે તપાસમાં ઇડીનું વલણ ચોંકાવનારુ છે જે હેઠળ એક વ્યકિતને નિવેદન આપવા માટે મજબૂર કરવામાં આવી હતી. 

ઇડીના વકીલ જોહેબ હુસેને જણાવ્યું હતું કે હઇકોર્ટે ખોટો નિષ્કર્ષ કાઢયો હતો કે પંવાર સાથે સતત ૧૪ કલાક ૪૦ મિનિટ સુધી પૂછપરછ કરી હતી. તેમણે પૂછપરછ દરમિયાન રાત્રિ ભોજનના બ્રેકની તરફ ઇશારો કર્યો હતો.


Google NewsGoogle News