ઈડી ગમે ત્યારે મારા પર દરોડા પાડશે : રાહુલ
- સંસદમાં ચક્રવ્યૂહવાળુ મારું ભાષણ કેટલાક લોકોને પસંદ નથી આવ્યું : કોંગ્રેસ નેતાએ રાત્રે 1.52 મિનિટે ટ્વીટ કરી
- બજેટસત્રના ભાષણમાં કોંગ્રેસ નેતાએ ચક્રવ્યૂહનો ઉલ્લેખ કરતાં હાલ છ લોકો દેશનું નિયંત્રણ કરતા હોવાનો દાવો કર્યો હતો
- હાથ ફેલાવી ઈડી અધિકારીઓનું સ્વાગત કરું છું, ચા-બિસ્કિટ મારા તરફથી : રાહુલ ગાંધી
નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે વહેલી સવારે તેમના ઘરે રેડ પાડવાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ યોજના બનાવી રહી હોવાનો દાવો કરીને રાજકીય ક્ષેત્રમાં ભારે હોબાળો મચાવી દીધો હતો. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે સંસદના બજેટ સત્રમાં તેમના ચક્રવ્યૂહવાળા ભાષણ પછી ઈડી રેડ પાડવાની યોજના કરી રહી છે. રાહુલ ગાંધીના આ દાવા સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કોંગ્રેસ નેતાની ધરપકડ કરશે કે કેમ તે અંગેની અટકળો તીવ્ર થઈ ગઈ છે.
રાહુલ ગાંધીએ શુક્રવારે વહેલી સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, સ્વાભાવિક છે કે બેમાંથી એકને મારું ચક્રવ્યૂહવાળુ ભાષણ સારું લાગ્યું નથી. ઈડીના આંતરિક સૂત્રોએ મને કહ્યું છે કે રેડ પાડવાની તૈયારી થઈ રહી છે. હું ખુલ્લા હાથે ઈડીની રાહ જોઈ રહ્યો છું. ઈડીના અધિકારીઓને ચા અને બિસ્કિટ મારા તરફથી.
રાહુલ ગાંધીએ આ પોસ્ટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સત્તાવારા એક્સ હેન્ડલને ટેગ પણ કર્યું છે. રાહુલ ગાંધીની આ પોસ્ટ પછી એવી અટકળો પણ થવા લાગી છે કે શું રાહુલ ગાંધીના નિવાસ પર ઈડી દરોડો પાડશે? શું રાહુલ ગાંધીની ધરપકડ થઈ શકે છે.
રાહુલ ગાંધીએ સંસદમાં વિપક્ષના નેતા તરીકેના ભાષણમાં 'મહાભારતના ચક્રવ્યૂહ'નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે બજેટ સત્રમાં ગૃહમાં કહ્યું હતું કે હજારો વર્ષ પહેલાં કુરુક્ષેત્રમાં ૬ લોકોએ અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને માર્યા હતા. મેં થોડું સંશોધન કર્યું તો જાણવા મળ્યું કે, ચક્રવ્યૂહને પદ્મવ્યૂહ પણ કહેવાય છે, જેનો અર્થ કમળ જેવું નિર્માણ થાય છે અને તે પણ કમળ આકારમાં. વડાપ્રધાન આ ચિહ્નને તેમના હૃદય સાથે લગાવી રાખે છે.
રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, જે અભિમન્યુ સાતે થયું હતું, તે ભારત સાથે થઈ રહ્યું છે. યુવાનો, ખેડૂતો, મહિલાઓ, નાના અને મધ્યમ વેપારીઓ સાથે કરાઈ રહ્યું છે. અભિમન્યુને છ લોકોએ માર્યો હતો. આજે પણ ચક્રવ્યૂહના કેન્દ્રમાં છ લોકો છે. ૬ લોકો આજે ભારતને નિયંત્રિત કરે છે. રાહુલ ગાંધીએ આ છ લોકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંઘ પ્રમુખ મોહન ભાગવત, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ઉદ્યોગપતિઓ અંબાણી અને અદાણીનું નામ લીધું હતું.
રાહુલ ગાંધીના ઈડીના દરોડાની આશંકા વ્યક્ત કરવાના નિવેદન પર ભાજપે વળતો હુમલો કર્યો હતો. ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે, તેઓ વાયનાડની દુર્ઘટનાથી દેશનું ધ્યાન ભટકાવવા માગે છે. વાયનાડમાં કોંગ્રેસની નીતિઓ અને કાર્યકરો નિષ્ફળ ગયા છે અને તેઓ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા માગે છે. રાહુલ ગાંધીએ કોઈ ભ્રષ્ટાચાર ના કર્યો હોય તો ઈડી દરોડા નહીં પાડે. ઈડી ભ્રષ્ટાચારીઓ પર દરોડા પાડે છે. તેમણે ભ્રષ્ટાચાર કર્યો હશે તો ઈડી દરોડો પાડશે. કેરળમાં ઈન્ડિ ગઠબંધનની સરકાર છે. ત્યાં કોંગ્રેસના કાર્યકર અને નીતિઓ નિષ્ફળ સાબિત થઈ છે.
ઈડીનો રાજકીય હિતો સાધવામાં દુરુપયોગ વધુ થયો
મોદી સરકારે ચાલાકીથી મની બિલ લાવી ઈડીની તાકત વધારી દીધી
- 2014થી 2022ના મોદી સરકારના આઠ વર્ષમાં 121 મોટા નેતાઓ વિરુદ્ધ ઈડીની તપાસ
નવી દિલ્હી : ભાજપે વર્ષ ૨૦૧૯માં રાજ્યસભામાં બહુમત નહોતો ત્યારે મની બિલ તરીકે પીએમએલએ કાયદામાં ફેરફાર કરીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તાકાત વધારી દીધી છે. પીએમએલએના નિયમોમાં ફેરફાર થયા પછી વિપક્ષના નેતાઓને નિશાન બનાવીને કાર્યવાહી કરવાના ઈડી પર આક્ષેપો થઈ રહ્યા છે.
ભાજપે વર્ષ ૨૦૧૯માં મની બિલ મારફત પીએમએલએ કાયદામાં સુધારાનું બિલ રજૂ કર્યું હતું. મની બિલ લાવવાથી તેને રાજ્યસભામાં પસાર કરાવવાની જરૂર ના પડી જ્યારે લોકસભામાં ભાજપના નેતૃત્વમાં એનડીએની જંગી બહુમતી હોવાથી કોઈપણ અવરોધ વિના આ બિલ પસાર થઈ ગયું, જેથી તે કાયદો બની ગઈ. એનડીએના આ નિર્ણયને વિપક્ષે સુપ્રીમમાં પડકાર્યો હતો, પરંતુ સુપ્રીમે કાયદામાં કરાયેલા સુધારાને યોગ્ય ગણઆવ્યો હતો.
જોકે, ઈડીના છેલ્લા ૧૦ વર્ષની કાર્યવાહી જોતાં તેનો રાજકીય રીતે દુરુપયોગ થયો હોવાનું સ્પષ્ટપણે જોવા મળે છે. માર્ચ ૨૦૨૩માં લોકસભામાં નાણામંત્રાલયે જણાવ્યું હતું કે, ૨૦૦૪થી ૨૦૧૪ સુધીમાં ઈડીએ ૧૧૨ જગ્યાએ દરોડા પાડીને રૂ. ૫,૩૪૬ કરોડની સંપત્તિ જપ્ત કરી જ્યારે ૨૦૧૪થી ૨૦૨૨ના આઠ વર્ષમાં ૩,૦૧૦ દરોડા પાડીને અંદાજે રૂ. ૧ લાખ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હતી. સમીક્ષા હેઠળના આ આઠ વર્ષમાં રાજકીય નેતાઓની ધરપકડના કેસોમાં ચાર ગણો વધારો થયો. ૨૦૧૪થી ૨૦૨૨ વચ્ચે ૧૨૧ મોટા નેતાઓ વિરુદ્ધ ઈડી તપાસ કરી રહી છે.
મોદી સરકારે પીએમએલએમાં ગંભીર ફેરફાર કરી તેનો દાયરો વધારીને તેને વધુ કડક બનાવી દીધો. આ કાયદાની કલમ ૪૫માં ઉમેરવામાં આવ્યું કે, ઈડીના અધિકારી કોઈપણ વ્યક્તિની વોરંટ વિના ધરપકડ કરી શકે છે. ઈડીને કાયદા હેઠળ આવાસ પર દરોડા પાડવા, સર્ચ અને ધરપકડ કરવાની શક્તિ આપી. વધુમાં ઈડીને એવી પણ તાકત અપાઈ કે પૂછપરછમાં ઈડીના અધિકારીઓ સમક્ષ આરોપી દ્વારા અપાયેલું નિવેદન કોર્ટમાં પુરાવા રૂપે રજૂ કરી શકાશે. આ સિવાય મની લોન્ડરિંગના કેસમાં આરોપ થતાં એફઆઈઆરની નકલ પીડિતને આપવાની કોઈ જોગવાઈ નથી. આરોપી ઈડી પાસેથી એફઆઈઆર માગી શકતો નથી.
અમે કૃષ્ણને, તેઓ શકુનીને યાદ રાખે છે : શિવરાજ
નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બજેટ સત્રમાં ચક્રવ્યૂહનો ઉલ્લેખ કરીને પીએમ મોદી સહિત ભાજપની ઝાટકણી કાઢી હતી.
તેનો જવાબ કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શુક્રવારે રાજ્યસભામાં આપ્યો હતો. શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું કે, લોકસભામાં મહાભારતનો ઉલ્લેખ કરાયો. પરંતુ તેમણે મહાભારતની વાત કરી તો પણ તેમને અધર્મ જ દેખાયો. તેમને શકુનિ, ચૌસર અને ચક્રવ્યૂહ યાદ આવ્યા. આ બધાનો સંબંધ અધર્મ સાથે છે. શકુની તો છેતરપિંડીના પ્રતીક હતા.
ચૌસરમાં છેતરપિંડીથી પાંડવોને હરાવ્યા અને ચક્રવ્યૂહનો અર્થ ઘેરીને મારવું. કોંગ્રેસને આ બધું કેમ યાદ આવે છે? શિવરાજે ઉમેર્યું કે, અમે મહાભારત કાળને યાદ કરીએ છીએ ત્યારે અમને ભગવાન શ્રીકૃષ્ણ યાદ આવે છે. જ્યારે-જ્યારે ધર્મની હાની થશે ત્યારે-ત્યારે હું આવીશ, એમ ભગવાને કહ્યું હતું. શિવરાજ સિંહે જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધીની પણ ટીકા કરી હતી.