ઇડી ઉ.પ્ર.ના ભાગેડું આર્થિક અપરાધીની રૂ.128 કરોડની મિલકતો ટાંચમાં લેશે
- રોકાણકારો સાથે રૂ.1000 કરોડની છેતરપિંડી
- શાઇન સિટી ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રા. લિ.નો સંચાલક રાશિદ નસીમ 2019માં દેશ છોડીને દુબઇ ભાગી ગયો હતો
નવી દિલ્હી : ઇડીએ શાઇન સિટી ગુ્રપના સંચાલક રાશિદ નદીમ અને તેમના સહયોગીઓની ૧૨૭.૯૮ કરોડ રૂપિયાની સ્થિર અને ચાલુ મિલકતો જપ્ત કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
રાશિદને ભાગેડું આર્થિક અપરાધી જાહેર કરવા માટે ઇડીની અરજીને પીએમએલએ (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ)ની સ્પેશિયલ કોર્ટે સ્વીકારી લીધી છે.
ઇડી આ અગાઉ રાશિદ અને તેમના સહયોગીઓની ૧૮૯.૩૯ કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી હતી. ઇડીની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે રાશિદ અને તેના સહયોગીઓએ રોકાણકારો સાથે ૧૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે.
શાઇન સિટી ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડનો સંચાલક રાશિદ નસીમ જૂન ૨૦૧૯માં દેશ છોડીને દુબઇ ભાગી ગયો હતો. તેણે અગાઉથી જ દેશ છોડીને ભાગી જવાની યોજના બનાવી રાખી હતી.
રાશિદે અગાઉથી જ બે પાસપોર્ટ બનાવી રાખ્યા હતાં. જેના કારણે તે વિદેશ ભાગી જવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં પોલીસે તેની અને તેના સહયોગીઓની વિરુદ્ધ ૫૫૪ એફઆઇઆર દાખલ કરી હતી.
ઇડીએ આ એફઆઇઆરને જ આધાર બનાવી તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત આર્થિક અપરાધ શાખાએ પણ તપાસ શરૂ કરી હતી. રાશિદે દુબઇ અને દક્ષિણ આફ્રિકામાં પંજાબ નેશનલ બેંક કૌભાંડના માસ્ટર માઇન્ડ મેહુલ ચોકસી સાથે હીરાનોવેપાર શરૂ કર્યો હતો.