ઇડી છેતરપિંડીના પીડિતોને રૂ. 15000 કરોડની સંપત્તિ પરત કરશે
- ઇડીએ અત્યાર સુધી રૂ. 31,951 કરોડની સંપત્તિ પરત કરી છે
- આ સંપત્તિ સમગ્ર દેશમાં રિયલ એસ્ટેટ, પોન્ઝી અને અન્ય નાણાકીય છેતરપિંડીના શિકાર લોકોને પરત કરાશે
નવી દિલ્હી : ઇડીએ લગભગ ૧૫૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં રિયલ એસ્ટેટ, પોંઝી અને અન્ય છેતરપિંડીના શિકાર લોકોને પરત કરવામાં આવશે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે સંઘીય તપાસ એજન્સીએ મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ ઉપલબ્ધ સંપત્તિઓને પરત કરવાની આ જોગવાઇને ગયા વર્ષથી અમલમાં મુકવાનંએ શરૂ કરી દીધું છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે નાણાકીય અપરાધમાં છેતરપિંડીનો શિકાર થયેલ કાયદેસરના માલિકો અને યોગ્ય દાવેદારોને તેમનો હક પરત મળે.
અત્યાર સુધી આ જોગવાઇ હેઠળ કુલ ૩૧,૯૫૧ કરોડ રૂપિયાની સંપત્તિ ૨૦૧૯-૨૧ની વચ્ચે ભાગેડુ આર્થિક અપરાધી વિજય માલ્યા અને નીરવ મોદીથી સંબધિત ત્રણ મની લોન્ડરિંગ કેસો તથા નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઇએલ) કેસમાં છેતરપિંડીના શિકાર લોકોને પરત કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે જૂનમાં ઇડી ડાયરેક્ટર રાહુલ નવીને મની લોન્ડરિંગના એ તમામ કેસોની વ્યાપક સમીક્ષા કરી હતી જ્યાં છેતરપિંડીના શિકાર લોકોને તેમની સંપત્તિ પરત કરવામાં આવી શકે છે.
આંકડા અનુસાર ઓગસ્ટ, ૨૦૨૪થી એપ્રિલ, ૨૦૨૫ સુધી ઇડીએ ૧૫,૨૬૧.૧૫ કરોડ રૂપિયા (નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫) અને ચાલુ નાણાકીય વર્ષ (૨૦૨૫-૨૬) દરમિયાન ૧૪૮૮ કરોડ રૂપિયાની સંપત્તિ બહાલ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇડી પ્રમુખે તાજેતરમાં એજન્સીના તમામ ક્ષેત્રીય કાર્યાલયોને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૫૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિની બહાલી માટે ચિહ્નિત કેસો પર સક્રિય રીતે કામ કરવા માટેના નિર્દેશ જારી કર્યા છે.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની વર્તમાન યોજના હેઠળ કોઇ પણ કેસમાં સુનાવણી પૂર્ણ થાય તે પહેલા સક્ષમ કોર્ટ દ્વારા નિર્દોષ રોકાણકારોની સંપત્તિને પરત કરવાની પ્રક્રિયાનો આદેશ આપવામાં આવી શકે છે.