પૂર્વ મુખ્યમંત્રી જગન રેડ્ડીની 800 કરોડની સંપત્તિ જપ્ત, 14 વર્ષ જૂના કેસમાં EDની કાર્યવાહી
ED takes big action against Jagan Reddy: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ મની લોન્ડરિંગના એક જૂના કેસમાં આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીના ડેલ્મિયા સિમેન્ટ્સ (ભારત) લિમિટેડ(DCBL)ના 27.5 કરોડ રૂપિયાના શેર અને 377.2 કરોડ રૂપિયાની જમીનને કામચલાઉ રીતે જપ્ત કરી છે. જોકે, DCBL એ દાવો કર્યો છે કે, જપ્ત કરાયેલી મિલકતની કુલ કિંમત રુપિયા 793.3 કરોડની છે.
2011માં નોંધાયેલા સીબીઆઈ કેસ સાથેનો મામલો
આ કાર્યવાહી વર્ષ 2011 માં નોંધાયેલા સીબીઆઈ કેસ સાથે જોડાયેલી છે. એવો આરોપ છે કે ડેલ્મિયા સિમેન્ટ્સે ભારતી સિમેન્ટ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કર્યું હતું, જે જગન રેડ્ડીનું છે. ED દ્વારા જપ્ત કરાયેલા શેર જગન રેડ્ડીના કાર્મેલ એશિયા હોલ્ડિંગ્સ લિમિટેડ, સરસ્વતી પાવર ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને હર્ષ ફર્મમાં હિસ્સા સાથે સંબંધિત છે.
'DCBLએ રઘુરામ સિમેન્ટ્સ લિમિટેડમાં 95 કરોડ રૂપિયાનું રોકાણ' ED
આ અંગે EDનું કહેવું છે કે, DCBLએ રઘુરામ સિમેન્ટ્સ લિમિટેડમાં 95 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જેનું પ્રતિનિધિત્વ જગન રેડ્ડી કરતા હતા. તેના બદલામાં જગને કથિત રીતે તેમના પિતા અને તત્કાલીન મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીના પ્રભાવનો ઉપયોગ કરીને ડીસીબીએલ માટે કડપ્પા જિલ્લામાં 407 હેક્ટર જમીનની ખાણકામ લીઝ મેળવી હતી.
ED અને CBIના કહેવા પ્રમાણે, YS જગન રેડ્ડી, પૂર્વ સાંસદ વી વિજયા સાઈ રેડ્ડી અને DCBLના પુનિત ડેલમિયા વચ્ચેના કરાર હેઠળ રઘુરામ સિમેન્ટ્સ લિમિટેડના શેર ફ્રેન્ચ કંપની PARFICIMને 135 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા હતા. તેમાથી 55 કરોડ રૂપિયા મે 2010 અને જૂન 2011 વચ્ચે હવાલા દ્વારા જગનને રોકડમાં આપવામાં આવ્યા હતા. આ ચૂકવણીઓની વિગતો દિલ્હી સ્થિત આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરાયેલી સામગ્રીમાં મળી હતી.