Get The App

ઇડી નાગરિકોના મૂળભૂત અધિકારોનું પણ ધ્યાન રાખે : સુપ્રીમની સલાહ

Updated: Apr 12th, 2025

GS TEAM


Google News
Google News
ઇડી નાગરિકોના મૂળભૂત અધિકારોનું પણ ધ્યાન રાખે : સુપ્રીમની સલાહ 1 - image


- ઇડીએ આર્ટિકલ 32 હેઠળ અરજી દાખલ કરતા સુપ્રીમ આશ્ચર્યમાં

- ઇડી પાસે અધિકારો હોય તો નાગરિકો પાસે પણ છે, એજન્સીએ તેનું પણ પાલન કરવું જોઇએ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીને સલાહ આપતા કહ્યું હતું કે કાયદાકીય કાર્યવાહી દરમિયાન ઇડી લોકોના મૂળભૂત અધિકારોનું પણ ધ્યાન રાખે. જો ઇડીના મૂળભૂત અધિકારો હોય તો એજન્સીએ અન્યોના મૂળભૂત અધિકારોનું પણ ધ્યાન રાખવું પડશે. છત્તીસગઢના નાગરિક આપુર્તિ નિગમ (એનએએન) કૌભાંડના મામલાને દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની ઇડીની માગણી પર સુપ્રીમ કોર્ટે આ સલાહ આપી હતી. 

ઇડીએ આ સમગ્ર મામલાને છત્તીસગઢથી દિલ્હી ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં બંધારણના આર્ટિકલ ૩૨ હેઠળ અપીલ દાખલ કરી હતી જે સામાન્ય રીતે વ્યક્તિગત અધિકારો સાથે જોડાયેલો આર્ટિકલ છે. આ આર્ટિકલ હેઠળ નાગરિક પોતાના અધિકારોના રક્ષણ માટે સીધા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. ઇડીની આ આર્ટિકલ હેઠળ અપીલને લઇને આશ્ચર્ય વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો ઇડીને એમ લાગતુ હોય કે તેના મૂળભૂત અધિકારો છે તો ઇડીએ નાગરિકોના મૂળભૂત અધિકારોનું પણ ધ્યાન રાખવું પડશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય એસ ઓકા અને ન્યાયાધીશ ઉજ્જલ ભુયાનની બેંચે આર્ટિકલ ૩૨ હેઠળ અપીલ બદલ ઇડી પર સવાલો ઉઠાવ્યા હતા. 

બેંચે હળવા મૂડમાં કહ્યું હતું કે જો ઇડી પાસે મૂળભૂત અધિકારો હોય તો નાગરિકો પાસે પણ આ અધિકારો છે જેનું ઇડીએ પણ ધ્યાન રાખવું પડશે. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી બાદ એડિશનલ સોલિસિટર જનરલ એસ વી રાજુએ કહ્યું હતું કે ઇડી પાસે પણ મૂળભૂત અધિકારો છે, આ સાથે જ તેમણે ઇડીની આ અપીલને પાછી લેવા માટે વિનંતી કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે મંજૂર રાખી હતી તેથી ઇડીએ આર્ટિકલ ૩૨ હેઠળ દાખલ આ અપીલને પરત લઇ લીધી હતી. આ પહેલા ઇડીએ ગયા વર્ષે દાવો કર્યો હતો કે સમગ્ર મામલામાં પૂર્વ આઇએએસ અધિકારી અનીલ ટુટેજાને મળેલા જામીનનો તેઓ દુરુપયોગ કરી રહ્યા છે. છત્તીસગઢ પોલીસની ફરિયાદના આધારે આ સમગ્ર મામલે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે અને તેની કાર્યવાહી છત્તીસગઢમાં ચાલી રહી છે જેને દિલ્હી ટ્રાન્સફર કરવાની માગ એજન્સીએ કરી હતી. આ સમગ્ર મામલો ફેબુ્રઆરી ૨૦૧૫ સાથે જોડાયેલો છે, પીડીએસ સિસ્ટમમાં કેટલાક અધિકારીઓ દ્વારા આ કૌભાંડ આચરાયું હતું, આરોપીઓની પાસેથી ૩.૬૪ કરોડ રૂપિયા મળી આવ્યા હતા.   

Tags :