Get The App

ખનીજ માફિયાની રૂ. 4440 કરોડની સંપત્તિ જપ્ત: એક સમયે હતો દબદબો, હવે દુબઈમાં છુપાઈને બેઠો છે હાજી ઈકબાલ

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
ખનીજ માફિયાની રૂ. 4440 કરોડની સંપત્તિ જપ્ત: એક સમયે હતો દબદબો, હવે દુબઈમાં છુપાઈને બેઠો છે હાજી ઈકબાલ 1 - image


Mining Mafia Haji Iqbal: ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી (BSP) બસપા સરકારના સમયમાં ખનીજ માફિયા હાજી ઈકબાલ ઉર્ફે બાલાનો દબદબો હતો. ખાણ-ખનીજ વ્યવસાયમાં હાજી ઈકબાલ સાથે જોડાયેલા લોકોને કરોડપતિ બનાવી રહ્યા હતા. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ હાજી ઇકબાલની 4440 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. હાજી ઇકબાલની સંપત્તિ અગાઉ પણ જપ્ત કરવામાં આવી છે. તેની સામે 40થી વધુ કેસ નોંધાયેલા છે.

હાજી ઈકબાલ ઉત્તર પ્રદેશનો સૌથી મોટો ખનીજ માફિયા

સપા અને બસપા સરકારના કાર્યકાળ દરમિયાન હાજી ઈકબાલ પશ્ચિમ ઉત્તર પ્રદેશનો સૌથી મોટો ખનીજ માફિયા હતો. તેણે કરોડોનો ગેરકાયદે કારોબાર ફેલાવ્યો હતો અને આ ધંધામાં ગેરકાયદે સંપત્તિ બનાવી હતી. વર્ષ 2022માં સહારનપુર પોલીસે હાજી ઈકબાલના નજીકના સંબંધીઓની 170 કરોડ રૂપિયાની 123 સંપત્તિઓ જપ્ત કરી હતી. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે હાજી ઈકબાલ અને તેની ગેંગના નામે કુલ 123 સંપત્તિ નોંધવામાં આવી હતી, જેની કિંમત 36 કરોડથી વધુ હતી. 

યુપી સરકાર કાર્યવાહી કરવામાં અચકાતી!

ઉત્તર પ્રદેશમાં ખનીજ માફિયા હાજી ઈકબાલનો એવો દબદબો હતો કે સરકાર પણ તેની કાર્યવાહી કરવામાં અચકાતી હતી. હાજી ઈકબાલે બસપા સરકારમાં  ખાણ-ખનીજના વ્યવસાયથી લઈને સુગરની મિલોને નકામા ભાવે ખરીદવા સુધીની મોટી ભૂમિકા ભજવી હતી, જેના કારણે તેમણે અબજોની સંપત્તિ બનાવી હતી. 

ઈડીએ 2021માં કાર્યવાહી કરી હતી

માર્ચ 2021માં ઈડીએ ઉત્તર પ્રદેશના સુગર મિલ કૌભાંડમાં પૂર્વ હાજી ઈકબાલ સામે કાર્યવાહી કરી હતી. ત્યારે ઈડીએ 1000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી. આ કાર્યવાહી ઈડીની લખનઉ ઝોનની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ મામલો પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના કાર્યકાળનો છે. યુપીમાં વર્ષ 2010 અને 2011ની વચ્ચે હાજી ઈકબાલે લગભગ 11 સુગર મિલને નીચા ભાવે વેચાણ કર્યું હતું. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ ડીલને કારણે રાજ્ય અને કેન્દ્ર સરકારોને લગભગ 1,179 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 

ઉત્તર પ્રદેશમાં વર્ષ 2007થી 2012 વચ્ચે માયાવતીનું શાસન હતું. આ જ કેસમાં BSPના પૂર્વ MLC હાજી ઈકબાલ અને તેમના પરિવારની 1097 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે સીબીઆઈ તપાસ માટે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો. ત્યારબાદ સીબીઆઈએ પણ તપાસ શરૂ કરી. સીબીઆઈની ફરિયાદના આધારે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.

ઈડીએ આ કાર્યવાહી અંગે શું કહ્યું?

હાજી ઈકબાલની આ વખતે ઈડી દ્વારા જપ્ત કરવામાં આવેલી મિલકતમાં એવું કહેવામાં આવ્યું છે કે, 'હાજી ઈકબાલે ગેરકાયદે માઈનિંગથી કમાયેલા 500 કરોડ રૂપિયાથી વધુનો ઉપયોગ જમીન ખરીદવા અને યુનિવર્સિટીની ઈમારતો બાંધવામાં કર્યો છે. જમીન અને મકાન સહિત આ મિલકતની વર્તમાન બજાર કિંમત 4,439 કરોડ રૂપિયા છે. હાજી ઈકબાલ ફરાર છે, એવું માનવામાં આવે છે કે તે દુબઈમાં છે.' ઉલ્લેખનીય છે કે, હાજી ઈકબાલના ચાર પુત્રો અને ભાઈઓ અનેક કેસમાં જેલમાં છે.


Google NewsGoogle News