10 જ દિવસમાં 7600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું: દિલ્હીથી લઈને મુંબઈ સુધી તાબડતોબ દરોડા
Delhi Drugs Case : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ને દિલ્હી ડ્રગ્સ કેસની તપાસ સોંપવામાં આવી છે. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ 7600 કરોડ રૂપિયાના ડ્રગ્સની વસૂલાતમાં PMLA કાયદા હેઠળ કેસ નોંધ્યો હતો. કેસ નોંધાયા બાદ દિલ્હી એનસીઆર અને મુંબઈમાં ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.
EDની ટીમે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા
હાલમાં EDની ટીમ દિલ્લીના વસંત વિહારમાં આરોપી અને RTI સેલ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ તુષાર ગોયલના ઘરે અને રાજૌરી ગાર્ડનમાં તેના અને તેની પત્નીના ઘર, તેમજ પ્રેમ નગરમાં આરોપી હિમાંશુના ઘર, મુંબઈના નાલાસોપારામાં ભારત કુમારના ઘર અને આ સિવાય દિલ્હીના ઝંડેવાલનમાં તુષાર બુક પબ્લિકેશનની ઓફિસ અને ગુરુગ્રામમાં એબીએન બિલ્ડટેક પ્રાઇવેટ લિમિટેડ પર દરોડા પાડી રહી છે.
દિલ્હી પોલીસે 7600 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કર્યું
કાલે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રમેશ નગર વિસ્તારમાં દરોડા પાડીને 2000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. અગાઉ 1 ઓક્ટોબરે સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં દરોડા પાડીને 5600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. અત્યાર સુધીમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરીને તેના ઠેકાણાઓમાંથી 7600 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
બ્રિટીશ નાગરિક સહિત 6 લોકો સામે લુકઆઉટ સર્ક્યુલર
દિલ્લી પોલીસે આ સિવાય 7000 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સની વસુલાત કરી 6 લોકોને લુકઆઉટ સર્ક્યુલર પણ પાઠવ્યું છે. જેમાં ભારતીય મૂળના એક બ્રિટીશ નાગરિક પણ સામેલ છે, જે પશ્ચિમ દિલ્હીમાંથી 208 કિલો ડ્રગ્સની વસુલાત પહેલા દેશ છોડીને ભાગી ગયો હતો.
દક્ષિણ અમેરિકાથી ડ્રગ્સ લાવવામાં આવતું!
પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર, તે બ્રિટીશ નાગરિકનું નામ સવિન્દર સિંહ છે. જે ગયા મહીને 208 કિલોના કન્સાઇનમેન્ટની ડિલિવરીની દેખરેખ રાખવા માટે ભારત આવ્યો હતો. જે તે દક્ષિણ અમેરિકાના દેશોમાંથી લાવ્યો હોવાની શંકા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સિન્ડિકેટના પહેલા ચાર સભ્યોની ધરપકડ બાદ સવિન્દર યુકે ભાગી ગયો હતો. પરંતુ તે પહેલાં સવિંદર દિલ્હીમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ લગભગ 25 દિવસ રહ્યો હતો.
વિદેશી નાગરિકો સિન્ડિકેટમાં સામેલ
આ રેકેટમાં સામેલ સવિન્દર સિંહ સહિત અડધા ડઝનથી વધારે વિદેશી નાગરિકો સામે એલઓસી (Look Out Circular) જારી કરવામાં આવ્યું છે. અગાઉ વિદેશમાં હાજર વીરેન્દ્ર બસોયા સામે એલઓસી જારી કરવામાં આવ્યું હતું. જેણે ભારતમાં કોકેઈન સપ્લાય કરવા માટે બે લોકોને મોકલ્યા હતા. વિદેશમાં રહેતો વીરેન્દ્ર બસોયા દિલ્હીના તુષાર ગોયલ અને યુકેના જિતેન્દ્ર ગિલ ઉર્ફે જસ્સી અને યુકેના નાગરિક સવિન્દર સિંહ સાથે મળીને ડ્રગ સિન્ડિકેટ ચલાવતો હતો.
નાસ્તાના પેકેટમાં કોકેઈનને છુપાવ્યું
જિતેન્દ્ર ગિલ અને તુષાર ગોયલની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. અને પોલીસ વીરેન્દ્ર બસોયા અને સવિન્દર સિંહની શોધ કરી રહી છે. જો કે બંને હાલમાં વિદેશમાં છે. આ ઉપરાંત રમેશ નગરમાં જે વેરહાઉસમાં સવિંદરે 204 કિલો ડ્રગ્સ રાખ્યું હતું. તેના માલિક અને પ્રોપર્ટી ડીલરની પોલીસે પૂછપરછ કરી છે. આ વેરહાઉસને 5000 રૂપિયામાં ભાડે લેવામાં આવ્યું હતું. અને કોકેઈનને નાસ્તાના પેકેટમાં છુપાવીને બોક્સમાં પેક કરીને રાખવામાં આવ્યું હતું.
ડ્રગ્સની ડીલ માટે એપનો ઉપયોગ
પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, એક સિન્ડિકેટ બીજા સાથે વાત કરતું નથી. તેઓ સોશિયલ મીડિયા પર કોડ વર્ડ્સ દ્વારા એકબીજાનો સંપર્ક કરે છે. આ સિવાય ડ્રગ્સની ડીલ માટે threema એપનો ઉપયોગ કરવામાં આવે છે. ડીલ દરમિયાન ફાટેલી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી ડિલિવરી સુરક્ષિત હાથમાં થઇ છે કે નહી તેની ખાતરી કરી શકાય.