કેજરીવાલ બહાના કાઢીને હાજર ના રહ્યા તે જ આરોપી હોવાનો સંકેત, સુપ્રીમ કોર્ટમાં ઈડીની રજૂઆત
Delhi Liquor Scam : દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે આજે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવી અને ઈડીના વકીલની દલીલો સાંભળ્યા બાદ આગામી સુનાવણી આવતીકાલે બપોરે 2.30 કલાકે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલે ઈડી 15 મિનિટ અને સિંઘવી 45 મિનિટ સુધી દલીલ કરશે.
સુપ્રીમ કોર્ટે સિંઘવી અને ઈડીને શું કહ્યું?
અભિષેક મનુ સિંઘવીએ આજે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, ઈડીએ 100 કરોડ રૂપિયાની વિવિધ રકમમાંથી માત્ર બે રકમનો જ હિસાબ આપ્યો છે, ત્યારે ન્યાયાધીશ સંજીવ ખન્નાએ એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એસ.વી.રાજૂને પૂછ્યું કે, શું તમે આ રકમને ઘટાડીને 45 કરોડ કરી દીધી છે? તો રાજૂએ જવાબ આપ્યો કે, અમે કહ્યું હતું કે, 45 કરોડ રૂપિયાની તપાસ કરવામાં આવી છે.
એજન્સી કોઈ રાજકીય દબાણથી ચાલી રહી નથી : ED
ન્યાયાધીશે પૂછ્યું કે, તમે અગાઉ દલીલ કરી હતી કે, પ્રારંભિક જપ્તી ફરજિયાત નથી. તો રાજૂએ જવાબ આપ્યો કે, અમારી દલીલ હતી કે, જપ્તી જરૂરી નથી, તેના વગર પણ દોષ સિદ્ધ થઈ શકે છે. જો અમે શરત રેડ્ડી પર દબાણ કર્યું હોત તો, તેમણે જુદુ જ નિવેદન આપ્યું હોત. શરત રેડ્ડીએ માત્ર એટલું કહ્યું કે, તેણમે કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. તેઓ એમ પણ કહી શકતા હતા કે, કેજરીવાલે 100 કરોડ રૂપિયા માંગ્યા હતા. તપાસ એજન્સી સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરી રહી છે. અમારી પાસે જરૂરી પુરાવા છે. એજન્સી કોઈપણ રાજકીય દબાણથી ચાલી રહી નથી.
કેજરીવાલે ખોટા બહાનાઓ કરી સમન્સની અવગણના કરી : ED
રાજૂએ દલીલ કરી કે, કેજરીવાલ બહાના કાઢીને હાજર ના રહ્યા તે જ આરોપી હોવાનો સંકેત છે. અમારી પાસે પુરાવા છે કે, વિજય નાયર લિકર પોલિસીમાં સંપૂર્ણ સામેલ છે. નાયરને મંત્રીઓ માટે ફાળવવામાં આવેલા બંગલા સાથે કોઈ લેવા-દેવા નથી, તેમ છતાં ત્યાં રહેતો હતો.
ઘણા લોકો ઘણા મંત્રીઓના ઘરમાં રહેતા હોય છે : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે કહ્યું કે, ઘણા લોકો ઘણા મંત્રીઓના ઘરોમાં રહેતા હશે. તમે એવું ન કહી શકો કે, તેઓ ત્યાં કેમ રહે છે? તે ઘરમાં રહેવા માટે મંજૂરી આપનારના નિવેદનોની વિશ્વસનીયતાના માપદંડ જુદા છે. જો મંજૂરી આપનારને કબૂલાતનો લાભ મળતો હોય તો તેની પુષ્ટી થવી જોઈએ. તો રાજૂએ જવાબ આપ્યો કે, જ્યારે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી ત્યારે મેજિસ્ટ્રેટે પણ તથ્યોની તપાસ કરી હતી. મેજિસ્ટ્રેટ PMLAની કલમ 19 લાગુ કરવા માટે સંતુષ્ટ હતા. ત્યારબાદ કોર્ટે કહ્યું કે, તમારે દલીલ કરવા માટે કેટલો સમય જોઈએ? તો ઈડીએ 15 મિનિટની અને સિંઘવીએ 45 મિનિટની માંગ કરી. ન્યાયાધીશે કહ્યું કે, આ કેસની આગામી સુનાવણી આવતીકાલે શુક્રવારે બપોરે 2.30 કલાકે હાથ ધરાશે.
કેજરીવાલને 10 મેથી બીજી જૂન સુધી વચગાળાના જામીન
ઉલ્લેખનીય છે કે, દિલ્હીની લિકર પોલિસી (Delhi Liquor Scam)માં કથિત મની લોન્ડ્રિંગના કેસમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટો તેમને લોકસભા ચૂંટણીનો પ્રચાર કરવા માટે એક જૂન સુધીના વચગાળાના જામીન આપ્યા છે. ત્યારબાદ કેજરીવાલે બીજી જૂને આત્મસમર્પણ કરવાનું રહેશે અને ફરી જેલમાં જવું પડશે. લોકસભા ચૂંટણીનું સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પહેલી જૂને યોજાવાનું છે, જ્યારે ચોથી જૂને પરિણામો જાહેર થશે.