Get The App

કેજરીવાલનું વજન ઘટ્યું નથી, એક કિલો વધી ગયું: EDનો કોર્ટમાં દાવો

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
કેજરીવાલનું વજન ઘટ્યું નથી, એક કિલો વધી ગયું: EDનો કોર્ટમાં દાવો 1 - image


Image Source: Twitter

Enforcement Directorate: તિહાડ જેલમાં 2 જૂન રવિવારના રોજ આત્મસમર્પણ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીનની માગ પર રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કેજરીવાલે પોતાની ખરાબ તબિયત અને મેડિકલ ટેસ્ટનો હવાલો આપતા 7 દિવસ વધુ વચગાળાના જામીન લંબાવવા માટે વિનંતી કરી છે.

કેજરીવાલ માટે એન હરિહરન અને તપાસ એજન્સી ED માટે ASG એસવી રાજુ કોર્ટમાં હાજર થયા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ ઓનલાઈન સુનાવણીમાં જોડાયા હતા. તેમણે દલીલ આપી કે, ગઈકાલે શુક્રવારે કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તેઓ 2 જૂને આત્મસમર્પણ કરશે. તેમણે એવું નહોતું કહ્યું કે તેઓ કોર્ટના આદેશની રાહ જોશે. આવા નિવેદનો આપીને તેઓ કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે. 

કોર્ટને મિસલીડ કરી રહ્યા કેજરીવાલ

હરિહરને કહ્યું કે, જે નિવેદન કેજરીવાલે આપ્યું તેના વિશે મને જાણ નથી. હું રાજકીય વ્યક્તિ નથી. તુષાર મહેતાએ કહ્યું કે, કેજરીવાલ કોર્ટને મિસલીડ કરી રહ્યા છે અને તથ્યો છુપાવી રહ્યા છે. આરોગ્યની સ્થિતિઓ સહિત અનેક તથ્યો છુપાવવામાં આવ્યા છે.

ASG રાજુએ દલીલની શરૂઆત કરતા કહ્યું કે, આ વચગાળાના જામીન માત્ર ચૂંટણી પ્રચાર માટે હતા. તેમણે 2 જૂનના રોજ આત્મસમર્પણ કરવાનું છે. સુપ્રીમ કોર્ટે તેના અગાઉના આદેશમાં ક્યાંય એવું નથી કહ્યું કે, અરવિંદ પોતાના વચગાળાના જામીન લંબાવવાની માંગ કરતી અરજી દાખલ કરી શકે છે.

અરજી સ્વીકારવી ન જોઈએ

ASG રાજુએ આગળ કહ્યું કે કેજરીવાલની આ અરજી સ્વીકારવી ન જોઈએ. તેને ફગાવી દેવી જોઈએ. જ્યાં સુધી નિયમિત જામીનનો સવાલ છે તો તેમણે કસ્ટડીમાં હોવું જોઈએ. આજની તારીખે તેઓ કસ્ટડીમાં નથી.

રાજુએ કહ્યું કે કેજરીવાલને વચગાળાની જામીન એટલા માટે મળ્યા છે કારણ કે સુપ્રીમ કોર્ટે તેમને જામીન પર ચૂંટણી પ્રચાર કરવા માટે મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. તેઓ અહીં સુપ્રીમ કોર્ટના આદેશને લંબાવવાની માંગ કરી રહ્યા છે. કેજરીવાલને વચગાળાના જામીન રાઉઝ એવન્યુ કોર્ટમાંથી નથી મળ્યા, તેમને વચગાળાના જામીન સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા છે તો તેઓ આ કોર્ટ પાસેથી વચગાળાના જામીન લંબાવવાની માંગ કેવી રીતે કરી શકે.

વચગાળાના જામીનની માગ સુનાવણી લાયક નથી

તેમણે કહ્યું કે, SC તરફથી તેમને માત્ર એ છૂટ મળી હતી કે, તેઓ નિયમિત જામીન માટે નીચલી કોર્ટમાં જઈ શકે છે. પરંતુ એનો અર્થ એવો નથી કે તેઓ અહીં વચગાળાના જામીન લંબાવવાની માગણી કરવા લાગે. સાત દિવસના વચગાળાના જામીનની તેમની માગ સુનાવણી યોગ્ય નથી.

કેજરીવાલે કોર્ટથી તથ્યો છુપાવ્યા

ASG રાજુએ કહ્યું કે, PMLAની કલમ 45 હેઠળ જામીનની બેવડી શરતની જોગવાઈ વચગાળાના જામીન પર પણ લાગુ પડે છે. અહીં પણ જામીન આપતા પહેલા કોર્ટને એ વાતથી સંતુષ્ટ થવું પડશે કે કેજરીવાલ વિરુદ્ધ કેસ બનતો જ નથી. અરવિંદે પોતાની અરજીમાં આ કોર્ટથી એ વાત છુપાવી છે કે, તેણે અગાઉ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરંતુ રજિસ્ટ્રાર જનરલે તેમને વહેલી સુનાવણી માટે સૂચિબદ્ધ કરવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે આ તથ્ય કોર્ટથી છુપાવ્યું છે. 

શું આ કોર્ટ સુપ્રીમ કોર્ટના નિર્ણયને મોડીફાઈ કરી શકે છે?

ASG રાજુએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ જે ટેસ્ટ માટે વચગાળાના જામીન 7 દિવસ વધારવાની માગ કરી રહ્યા છે તે માત્ર એક ઢાલ છે. હકીકતમાં તેના દ્વારા તેઓ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તુષાર મહેતાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે અરવિંદ કેજરીવાલે 2 જૂનના રોજ તિહાડ જેલમાં આત્મસમર્પણ કરવાનું છે. શું આ કોર્ટ સુપ્રીમ કોર્ટના નિર્ણયને મોડીફાઈ કરી શકે છે? મારી જાણકારી પ્રમાણે તો ન કરી શકે. માત્ર સુપ્રીમ કોર્ટ જ તેમાં કોઈ ફેરફાર કે સુધારો કરી શકે છે.

કેજરીવાલનું વજન ઘટ્યું નથી, એક કિલો વધી ગયું

તેમણે કહ્યું કે, જ્યારે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા ત્યારે પણ તેમની તરફથી તારીખ લંબાવવાની માંગ કરવામાં આવી હતી. તેઓ 5 જૂન કહી રહ્યા હતા. પરંતુ કોર્ટે ઈનકાર કરી દીધો હતો. અરવિંદે ગઈ કાલે શુક્રવારે પણ લોકોને કહ્યું હતું કે, તેઓ 2 જૂને આત્મસમર્પણ કરશે. આ વાત તેમણે પોતાના વકીલથી પણ છુપાવી.

મહેતાએ આગળ દલીલ આપી કે, મેડિકલ ટેસ્ટ કરાવવાને બદલે અરવિંદ કેજરીવાલ સતત રેલીઓ અને રોડ શો કરી રહ્યા હતા. આનો અર્થ એ છે કે તેઓ બીમાર નથી. 7 કિલો વજન ઘટાડવાનો દાવો ખોટો છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, આ દરમિયાન અરવિંદ કેજરીવાલનું વજન એક કિલો વધી ગયું હતું.



Google NewsGoogle News