લોન ફ્રોડમાં રૂ. 30 કરોડની એસેટ ઇડીએ બેન્કને પરત કરી
સ્ટેટ બેન્કને કૌભાંડથી રૂ. ૧૩૬ કરોડની ખોટ
શીતલ રિફાઇનરીઝનાં રુ. ૧૯૦ કરોડના ફ્રોડમાં રુ. ૫૨.૭૭ કરોડની એસેટ જપ્ત
આ લોન ફ્રોડ શીતલ રીફાઇનરીઝ લિમિટેડ નામની કંપની અને અન્ય સંલગ્ન એકમોએ કર્યો હતો. ઇડીની હૈદરાબાદ ઝોનલ ઓફિસે શીતલ રિફાઇનરીઝ લિમિટેડ અને અન્યના કેસમાં ટાંચમાં લીધેલી રુ. ૩૦.૭૧ કરોડની રકમની પ્રોપર્ટીઝ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને સુપ્રદ કરવાની પ્રક્રિયા પૂરી કરવામાં સફળતા મેળવી છે. કંપનીએ એસબીઆઈ અને પંજાબ નેશનલ બેન્કની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમ પાસેથી ક્રેડિટ ફેસિલિટીઝનો લાભ લીધો હતો, તેના પછી આ ક્રેડિટ ફેસિલિટીઝ નોન પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીેએ)માં પરિવર્તીત થઈ હતી. ફર્મે બનાવટી અને નકલી ઇનવોઇસીસના આધારે આ બેન્કો પાસેથી છેતરપિંડીપૂર્વક ૨૧ લેટર્સ ઓફ ક્રેડિટ મેળવ્યા હતા. કંપનીઓ કોઈપણ પ્રકારનો કાયદેસરનો પુરવઠો પૂરો પાડયા વગર કે ધંધાકીય વ્યવહાર વગર આ પ્રકારના ઇનવોઈસ બનાવ્યા હોવાનો આક્ષેપ છે. એસઆરએલના પ્રમોટરોએ છેતરપિંડીપૂર્વક મેળવેલા લેટર્સ ઓફ ક્રેડિટ ની રકમ એસઆરએલના બેન્ક ખાતાની સાથે તેમના પોતાના ખાતામાં અને કુટુંબના સભ્યોના ખાતામાં જમા કરાવી હતી. આ કૌભાંડના લીધે એસબીઆઇને રુ. ૧૩૬.૨૮ કરડ અને પીએનબીને રુ. ૫૩.૮૨ કરોડની ખોટ ગઈ હતી. ઇડીએ આ કેસમાં અગાઉ ૨૦૧૬ અને ૨૦૨૨માં જુદા-જુદા આદેશમાં રુ. ૫૨.૭૭ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હતી.