મહારાષ્ટ્રમાં ઈડીના દરોડા, ઉદ્ધવ જૂથના ધારાસભ્ય અને તેમના સાથીદારોના સાત ઠેકાણે કાર્યવાહી
ધારાસભ્ય રવીન્દ્ર વાયકર સહિત પાંચ સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે
ED raids shiv sena (ubt) MLA : મુંબઈમાં શિવસેના જૂથના નેતા અને ધારાસભ્ય અને તેના ભાગીદારો સાથે જોડાયેલા સાત વિવિધ સ્થળે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા હતા.
મુંબઈમાં વિવિધ સાત સ્થળે દરોડાની કાર્યવાહી કરાઈ
મુંબઈમાં જોગેશ્વરીમાં એક હોટલના નિર્માણના મામલે ઉદ્ધવ જૂથના નેતા અને ધારાસભ્ય રવીન્દ્ર વાયકર (Ravindra Vaykar) અને તેમના સાથીઓના વિવિધ સાત સ્થળે પર ઈડીએ કાર્યવાહી કરી હતી. ઈડીએ આ કાર્યવાહી જોગેશ્વરીમાં જમીનના ઉપયોગની શરતોમાં કથિત રીતે છેડછાડ કરીને હોટલ બનાવવાના મામલે કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરોડામાં વાયકર અને તેના કેટલાક સહયોગીઓ તેમજ અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે રવીન્દ્ર વાયકર શિવસેના (ઉદ્ધવ) જૂથમાંથી શિવસેનાના ધારાસભ્ય છે અને મહારાષ્ટ્ર વિધાનસભામાં જોગેશ્વરી પૂર્વ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.
ગયા વર્ષે ઈડીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો
આ પહેલા ગયા વર્ષે ઈડીએ બૃહદ મુંબઈ સાથેના કરારનું ઉલ્લંઘન કરીને જોગેશ્વરીમાં એક ભવ્ય હોટલના નિર્માણના સંબંધમાં રવિન્દ્ર વાયકર, તેમની પત્ની અને અન્યો વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો. વાયકર અને અન્ય પાંચ સામે મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા કેસ નોંધાયો હતો. ઈડીનો મની લોન્ડરિંગ કેસ તેની જ એફઆઈઆર પર આધારિત હતો.