બિહારમાં રાજદના ધારાસભ્ય સહિત અન્યના પરિસરોમાં ઇડીના દરોડા
- સહાકરી બેંકમાં 85 કરોડની ઉચાપતના કેસમાં કાર્યવાહી
- બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના લગભગ 18 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા
પટણા : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક સહકારી બેંકમાં કથિત ઉચાપતથી જોડાયેલ મની લોન્ડરિંગ તપાસ હેઠળ શુક્રવારે બિહારના મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના એક ધારાસભ્ય સહિત અન્યના પરિસરોમાં દરોડા પાડયા હતાં.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના લગભગ ૧૮ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે જે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે તેમાં રાજદ ધારાસભ્ય અને બિહારના પૂર્વ પ્રધાન આલોક કુમાર મહેતાથી સંબધિત પરિસર સામેલ છે. મહેતા બિહાર સ્થિત વૈશાલી શહેરી વિકાસ (વીએસવી) સહકારી બેંકના પ્રમોટર છે.
તેમણે જણાવ્યું હતું કે રાજ્ય પોલીસ દ્વારા બેંક અને તેના પદાધિકારીઓની વિરુદ્ધ લગભગ ૮૫ કરોડ રૂપિયાની ઉચાપત અને મની લોન્ડરિંગથી જોડાયેલ આ કેસ અંગે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.
મહેતા બિહારના ઉજિયારપુર બેઠકના ધારાસભ્ય છે અને લાલુ પ્રસાદના નેતૃત્ત્વવાળી રાજદના વરિષ્ઠ નેતા છે. તે આ અગાઉ રાજ્યમાં મહેસૂલ અને જમીન સુધાર મંત્રી પણ હતાં.
આ કેસમાં તેમની પાર્ટી કે તેમના તરફથી કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી નથી.