રાજકીય પક્ષોને સૌથી વધુ ફંડ આપનારા 'લોટરી કિંગ' પર ફરી ED ત્રાટકી, જમાઈ અને પુત્રને પણ બાનમાં લીધા
ED Raids On Martin's Office: એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)એ રાજકીય પક્ષોને સૌથી વધુ ફંડ આપનારા અને લોટરી સ્કીમ મારફત કૌભાંડ આચનારા સેન્ટિયાગો માર્ટિનના ઘરે અને ઓફિસ પર ફરીથી દરોડા પાડ્યા છે. લોટરી કિંગના નામથી પ્રસિદ્ધ સેન્ટિયાગો વિરૂદ્ધ કાર્યવાહી કરવા મદ્રાસ હાઈકોર્ટે મંજૂરી આપતાં ઈડીના છ અધિકારીઓએ તેના કોઈમ્બતુર સ્થિત ઘર અને ઓફિસ ઉપરાંત, તેના પુત્ર ટાયસન અને જમાઈ આધવ અર્જુનાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા છે.
અગાઉ 450 કરોડથી વધુની સંપત્તિ ટાંચમાં
ગતવર્ષે ઈડીએ માર્ટિનની રૂ. 450 કરોડથી વધુની સંપત્તિ ટાંચમાં લીધી હતી. આ વર્ષે માર્ચમાં ઈલેક્ટોરલ બોન્ડની વિગતો જાહેર થતાં માર્ટિનના મની લોન્ડરિંગનો પર્દાફાશ થયો હતો. માર્ટિનની ફ્યુચર ગેમિંગે 1300 કરોડથી વધુ રકમના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી રાજકીય પક્ષોને મોટાપાયે ફંડ પુરૂ પાડ્યું હતું. તમિલનાડુ પોલીસે હાલમાં જ માર્ટિન સહિત અન્ય લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધતાં મદ્રાસ હાઈકોર્ટે ઈડીને તપાસના આદેશ આપ્યા હતા.
7.2 કરોડની બેનામી રોકડ મળી
અગાઈ ઈડીના દરોડામાં માર્ટિનના ચેન્નઈ સ્થિત ઘરમાંથી 7.2 કરોડ રૂપિયાની બેનામી રોકડ મળી આવી હતી. જેમાં ટ્રાયલ કોર્ટે કેસ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ મદ્રાસ હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો આદેશ રદ્દ કરતાં ફરી તપાસના નિર્દેશ આપ્યા છે.
સિક્કિમ સરકાર સાથે 900 કરોડનું સ્કેમ
કેરળમાં લોટરી વેચાણમાં છેતરપિંડી મારફત સિક્કિમ સરકારને 900 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવાના આરોપમાં માર્ટિન વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. ગયા વર્ષે તેની 457 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. કેરળમાં ફ્યુચર ગેમ્સે 2009-10માં સિક્કિમ સરકારને લોટરીમાં ઈનામની ગેરેંટી આપી ખોટા વેચાણો કર્યા હતા.