યુપીએ શાસનની સરખામણીમાં NDA શાસન દરમિયાન ઇડીની રેડ 27 ગણી વધી

યુપીએ શાસનની સરખામણીએ NDAના 8 વર્ષના શાસનમાં ED દ્વારા 27 ગણા વધુ દરોડા પાડવામાં આવ્યા

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
યુપીએ શાસનની સરખામણીમાં NDA શાસન દરમિયાન ઇડીની રેડ 27 ગણી વધી 1 - image
Image ED

તા. 6 ઓક્ટોબર 2023, શુક્રવાર

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને કોર્ટે પાંચ દિવસ સુધી ઈડીની રિમાન્ડમાં મોકલી દીધા છે. તેમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. સંજય સિંહ પર શરાબ કૌભાંડનો આરોપ છે.  બીજી તરફ વિપક્ષે આરોપ લગાવતા જણાવ્યું હતું કે ચુંટણી નજીક આવતા જ ઈડી,સીબીઆઈ અને આઈટીની મદદ લઈને વિરોધી નેતાઓને દબાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે.

લીકર કૌભાંડમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરાઈ હતી. તે 221 દિવસથી જેલમાં છે. તેમની જામીન અરજી પર 12 ઓક્ટોમ્બરના રોજ સુનાવણી થશે. શરાબ કૌભાંડના આરોપમાં સંજય સિંહને પણ દિલ્હી કોર્ટે દસ ઓક્ટોબર સુધી ઇડીના રિમાન્ડમાં મોકલી લીધા છે.

કોર્ટમાં હાજર થતી વખતે સંજય સિંહે ચૂંટણી પહેલા ભાજપની હારના ડરથી તેમની ધરપકડને હતાશા ગણાવી હતી. બીજી તરફ શરાબ કૌભાંડમાં મનીષ સિસોદિયાના જેલમાં ગયા બાદ અરવિંદ કેજરીવાલ સંજય સિંહના ઘરે પહોંચ્યા હતા. ઘરમાંથી આવીને તેમણે કહ્યું હતું કે કાણી પાઈ પણ મળી પરંતુ તેમ છતાં ધરપકડ પર ધરપકડ થઇ રહી છે.

એક તરફ વિપક્ષી નેતાઓના સરકાર પર ભ્રષ્ટાચાર, કૌભાંડ અને તપાસના આક્ષેપો છે. ધરપકડ અને રિમાન્ડ થઇ રહ્યા છે. બીજી તરફ વિપક્ષનો સવાલ છે, રાજકારણ છે. ચૂંટણીના ડરથી EDનો દુરુપયોગ કરવાનો આરોપ છે. તપાસ એજન્સી ED વિપક્ષના નિશાના પર રહે છે.વિપક્ષી નેતાઓનો આરોપ છે કે ED સરકારના ઈશારે માત્ર વિપક્ષી રાજકારણીઓને જ નિશાન બનાવે છે.

થોડા દિવસ અગાઉ ED દ્વારા કહેવામાં આવ્યું હતું કે 2005થી જાન્યુઆરી 2023 સુધીમાં, EDએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 5906 કેસ નોંધ્યા છે, જેમાંથી માત્ર 2.98 ટકા કેસ ભૂતપૂર્વ સાંસદો, ધારાસભ્યો અને અન્ય નેતાઓ વિરુદ્ધ છે. વિપક્ષનો આરોપ છે કે ઈડીના દરોડા દ્વારા વિપક્ષી નેતાઓને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. EDએ તેની તરફેણમાં કહ્યું છે કે EDએ કુલ કેસમાંથી માત્ર 9 ટકા જ દરોડા પાડ્યા છે, જેમાંથી 3 ટકાથી પણ ઓછા કેસમાં રાજકારણીઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા છે.

વિપક્ષનો આરોપ છે કે EDની તપાસ બાદ દોષિત ઠેરવવાનો દર ઘણો ઓછો છે.   જેના જવાબમાં ઇડીએ દાવો કરતા જણાવ્યું હતું કે ટ્રાયલ પૂર્ણ થયા બાદ જ દોષિત ઠરાવી શકાશે. આવી સ્થિતિમાં ED દ્વારા માત્ર 25 કેસોમાં તપાસ કર્યા પછી ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી છે અને 24 કેસોમાં દોષિત ઠરાવવામાં આવ્યો છે. તેથી EDનો દોષિત ઠેરવવાનો દર 94 ટકા છે.

યુપીએ શાસન દરમિયાનની કાર્યવાહી વિરુદ્ધ એનડીએ શાસન દરમિયાનની કાર્યવાહી

યુપીએ(UPA) શાસનની સરખામણીએ NDAના 8 વર્ષના શાસનમાં ED દ્વારા 27 ગણા વધુ દરોડા પાડવામાં આવ્યા છે. યુપીએ શાસનની તુલનામાં એનડીએ શાસનમાં નેતાઓ સામે 4 ગણા વધુ કેસ છે.   UPAના શાસન દરમિયાન 2 પૂર્વ મુખ્યમંત્રીઓ રડારમાં આવ્યા હતા, જ્યારે NDAના શાસનમાં એક મુખ્યમંત્રી અને 14 પૂર્વ મુખ્યમંત્રી EDની તપાસના રડારમાં આવ્યા હતા.

યુપીએ શાસનમાં EDએ ત્રણ મંત્રીઓની તપાસ જ્યારે NDA શાસનમાં 19 મંત્રીઓની તપાસ હાથ ધરાઈ હતી.યુપીએના શાસનમાં 3 સાંસદ અને એનડીએના શાસનમાં 24 સાંસદો તપાસ હેઠળ આવ્યા.યુપીએના શાસનમાં એક પણ ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદ નહોતા, પરંતુ એનડીએના શાસનમાં 21 ધારાસભ્યો, 11 પૂર્વ ધારાસભ્યો અને 7 પૂર્વ સાંસદો પર EDની તપાસ ચાલુ છે.

વિપક્ષના કયા નેતાઓ EDના રડાર પર છે?

આ સ્થિતિમાં ઇડીના રડારમાં બીજું કોણ આગળ છે તે પ્રશ્ન છે.   કેટલાક તાજેતરના કૌભાંડોના આરોપો પર નજર કરીએ, તો શું મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની શાળા ભરતી કૌભાંડના આરોપમાં ધરપકડ થઈ શકે છે? શું રેલવેમાં ભરતીના બદલામાં જમીન કૌભાંડના આરોપમાં તેજસ્વી યાદવની પણ વધુ ધરપકડ થઈ શકે છે? શું દારૂ કૌભાંડના આરોપમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ થઇ શકે છે ? કારણ કે સીબીઆઈએ એપ્રિલમાં અરવિંદ કેજરીવાલની દારૂ કૌભાંડના આરોપમાં પૂછપરછ કરી હતી.

ફારુક અબ્દુલ્લા, ઓમર અને મહેબૂબાની પણ થઇ શકે તપાસ 

જમ્મુ-કાશ્મીર દેશના ઉત્તરમાં છે, અહીં વિપક્ષના ત્રણ નેતાઓ છે. ફારૂક અબ્દુલ્લાની જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસો. ભંડોળમાં ગેરરીતિ અંગે ED દ્વારા તેની તપાસ ચાલી રહી છે. તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાની  પણ મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર બેંક કેસમાં ED મહેબૂબા મુફ્તી સામે તપાસ કરી રહી છે.

આ ઉપરાંત રાહુલ ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ થઇ રહી છે. અખિલેશ યાદવ,લાલુ યાદવ અને તેજસ્વી વિરુદ્ધ પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અભિષેક બેનર્જી અને હેમંત સોરેન પણ ઇડીના રડારમાં છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના કદાવર નેતાઓ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની પણ ઇડી તપાસ કરી રહી છે.

યુપીએ શાસનની સરખામણીમાં NDA શાસન દરમિયાન ઇડીની રેડ 27 ગણી વધી 2 - image



Google NewsGoogle News