કોલ્ડ પ્લે, દિલજિતના કન્સર્ટની ટિકિટ કૌભાંડમાં ઈડીના દરોડા
- બોગસ ટિકિટો ઊંચી કિંમતે વેચવાનો પ્રયાસ
- પાંચ રાજ્યોમાં દરોડા પાડીને ટિકિટના વેચાણ સાથે સંકળાયેલ મોબાઈલ, લેપટોપ અને સિમ કાર્ડ જપ્ત કરાયા
- લોકપ્રિય કન્સર્ટ માટે ચાહકોમાં ટિકિટની જોરદાર માગનો ગેરલાભ લઈને તેમને બોગસ ટિકિટો વેચવામાં આવી
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ તાજેતરમાં ભારતમાં યોજાઈ રહેલા બે મુખ્ય કન્સર્ટ માટે ટિકિટોના કથિત કાળા બજાર સાથે સંકળાયેલી મહત્વની અનિયમિતતા ખુલ્લી પાડી છે. મની લોન્ડરીંગ કેસમાં દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં ૧૩ સ્થળોએ શુક્રવારે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ મુખ્યત્વે નવી મુંબઈમાં આગામી વર્ષે જાન્યુઆરીમાં આયોજિત થનાર બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેની કન્સર્ટ અને હાલ દિલ્હીમાં આયોજિત એક્ટર-ગાયક દિલજીત દોસંજના કાર્યક્રમ માટેની ટિકિટોના વેચાણ બાબતે કરાઈ હતી.
વ્યાપક છેતરપિંડીના અહેવાલ પછી ઈડીએ બોગસ અથવા વધુ મૂલ્યની ટિકિટો દ્વારા ચાહકોની ગેરદોરવણી અને ઠગાઈ થઈ હોવાના દાવાની ચકાસણી શરૂ કરી હતી. એજન્સીએ શંકાસ્પદ વેચાણ પદ્ધતિ પ્રકાશમાં લાવનાર સત્તાવાર ટિકિટીંગ પાર્ટનર બૂકમાયશો તરફથી કરાયેલી એકથી વધુ પોલીસ એફઆઈઆર અને ફરિયાદો ધ્યાનમાં લીધી હતી. એમાં વધુ માગનો લાભ લઈને બનાવટી ટિકિટોનું વેચાણ અને વધુ પડતી કિંમત સામેલ હતા, જેના કારણે ખરા ચાહકોને ખરાબ અનુભવ થયો હતો.
દરોડામાં બનાવટી ટિકિટોના વેચાણ માટે ઉપયોગમાં લેવાયા હોવાના શંકાસ્પદ મોબાઈલ ફોન, લેપટોપ અને સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. ઈડીએ જાણકારી આપી કે નિર્દોષ ખરીદદારોને ટાર્ગેટ કરવા સામાન્યપણે ઉપયોગમાં લેવાતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરાયો હતો.
હવે એજન્સી આવા ગેરકાયદે ટિકિટ વેચાણમાંથી મળેલી રકમનું પગેરુ મેળવવા અને તેમાં સામેલ થયેલાની ઓળખ કરવાની કાર્યવાહી કરી રહી છે.
દરમ્યાન દિલ્હી હાઈ કોર્ટ કન્સર્ટની ટિકિટોના પુન:વેચાણ માટે નિયમનકારી પગલા લેવાની યોજના બનાવી રહી છે. આ બાબતે સંબંધિત મંત્રાલય તેમજ ટિકિટીંગ કંપનીઓ પાસેથી પ્રતિસાદ સાથે સરકારી દેખરેખની વિનંતી કરતી અરજી પણ દાખલ કરવામાં આવી હતી.