ઝારખંડમાં મંત્રીના સચિવના ઘરે ઇડીના દરોડા : રૂ. 25 કરોડ જપ્ત
- લોકસભાની ચૂંટણી વચ્ચે ઇડીની મોટી કાર્યવાહી
- નોટોની ગણતરી માટે મશીન મંગાવવા પડયા, આટલી મોટી રકમ નોકર પાસે ક્યાંથી આવી તેની તપાસ શરૂ કરાઇ
રાંચી : ઝારખંડમાં ઇડીએ દરોડા પાડયા હતા, આ દરમિયાન ઝારખંડ સરકારના સચિવના નોકરને ત્યાંથી આશરે ૨૫ કરોડ રૂપિયા મળી આવ્યા છે. સાથે જ કેટલાક દસ્તાવેજોને પણ જપ્ત કરવામાં આવ્યા છે. નોકર જે સચિવને ત્યાં કામ કરે છે તેનું નામ સંજીવ લાલ છે, તેઓ ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના સચિવ છે. જોકે તેઓ અગાઉની સરકારોમાં પણ મંત્રીઓ સાથે કામ કરી ચુક્યા છે. જપ્ત કરાયેલી આટલી મોટી રકમ આવી ક્યાંથી તે અંગે ઇડી તપાસ કરી રહી છે. ઇડીની ટીમે ઝારખંડના રાંચીમાં અનેક સ્થળોએ દરોડા પાડયા હતા, આ દરમિયાન ઝારખંડના મંત્રીના અંગત સચિવના નોકરના ઘર પર પણ તપાસ કરવામાં આવી હતી. હાલ આશરે ૨૫ કરોડ રૂપિયા મળી આવ્યા છે જે વધીને ૩૦ કરોડને પાર જવાની પણ શક્યતાઓ છે. જપ્ત કરાયેલી રકમ કેશમાં હોવાથી તેની ગણતરી કરવા માટે બેંકોમાંથી મશીન પણ મંગાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં આશરે છ જેટલા સ્થળોએ ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. બિનભાજપ શાસીત રાજ્ય ઝારખંડમાં કેટલીક યોજનાઓને લઇને ઇડીએ ગયા વર્ષે ફેબુ્રઆરી મહિનામાં ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગ સાથે સંકળાયેલા વીરેંદ્ર કે. રામની ધરપકડ કરી હતી. એવા પણ દાવા થઇ રહ્યા છે કે ઇડીએ આ મામલે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો અને ફરિયાદ દાખલ કરવા કહેવામાં આવ્યું હતું.
આલમગીર આલમ ઝારખંડમાં કોંગ્રેસના મંત્રી છે, આ દરોડા અંગે વાત કરતા કોંગ્રેસના પ્રવક્તા રાકેશ સિન્હાએ જણાવ્યું હતું કે આ દરોડાને કોંગ્રેસના મંત્રી સાથે કઇ જ લેવાદેવા નથી. કોઇ પણ મંત્રી પાસે બે સચિવ હોય છે, જેમાં એક ખાનગી અને એક સરકારી સચિવનો સમાવેશ થાય છે. આલમગીરના જે સચિવના નોકરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે તે સચિવ સરકારી અધિકારી છે, અને અગાઉ ભાજપની સરકાર હતી ત્યારે પણ તેઓ મંત્રીઓના સચિવ રહી ચુક્યા છે. રાહુલ ગાંધી ઝારખંડ આવવાના છે, જે પહેલા જ ઇરાદા પૂર્વક આ દરોડા પાડવામાં આવ્યા હોઇ શકે છે.
મંગળવારે રાહુલ ગાંધી ઝારખંડમાં ચૂંટણી પ્રચાર માટે આવવાના છે. ભાજપના ધારાસભ્ય સી પી સિંહે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે જ્યારે હું મંત્રી હતો ત્યારે સંજીવ લાલ મારા અંગત સચિવ રહી ચુક્યા છે. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે મારા સચિવ હતા ત્યારે મે તેમના પર નજર રાખી હતી, તેમની વિરુદ્ધમાં કોઇ જ ફરિયાદ નહોતી મળી. લોકસભાની ચૂંટણી સમયે જ ઇડીના દરોડામાં એક નોકરના ઘરેથી આટલી મોટી રકમ મળી હોવાનો એજન્સીએ દાવો કરતા રાજકારણ ગરમાયું છે. હાલ એ તપાસ કરવામાં આવી રહી છે કે આટલી મોટી રકમ આવી ક્યાંથી.