કેજરીવાલના સચિવ, આપના સાંસદ સહિતના 12 સ્થળે ઇડીના દરોડા

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
કેજરીવાલના સચિવ, આપના સાંસદ સહિતના 12 સ્થળે ઇડીના દરોડા 1 - image


- દિલ્હી જળ બોર્ડમાં રૂ. 25 કરોડથી વધુના ભ્રષ્ટાચારના આરોપો મુદ્દે કાર્યવાહી

- ઇડીએ અનેક કેસોમાં પૂછપરછ દરમિયાન રેકોર્ડ કરેલા નિવેદનોની ઓડિયો ફાઇલનો નાશ કર્યો : આપનો આરોપ

નવી દિલ્હી : દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અને કેન્દ્રીય એજન્સી ઇડી વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. ઇડીએ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા ૧૨ લોકોને ત્યાં દરોડા પાડયા હતા, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સેક્રેટરી બિભાન કુમાર અને આપના સાંસદ એન. ડી. ગુપ્તાનો પણ સમાવેશ થાય છે. ઇડીના આ દરોડાને કારણે દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. આપે આરોપ લગાવ્યો છે કે ઇડી તપાસ દરમિયાન રેકોર્ડ કરાયેલા નિવેદનોનો નાશ કરી રહી છે.    

દિલ્હી જળ બોર્ડમાં કથિત ભ્રષ્ટાચાર કરીને 'આપ'ને રૂ. ૨૧ કરોડની કટકી મળ્યાના આરોપો લગાવવામાં આવ્યા હતા, જે સંદર્ભે ઇડીએ આ દરોડા પાડયા હતા. 

મની લોન્ડરિંગ કાયદા હેઠળ એજન્સીએ વહેલી સવારે સાત વાગ્યાથી તપાસ શરૂ કરી દીધી હતી અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા ૧૨ લોકોને ત્યાં દરોડા પાડયા હતા. 

જે લોકોને ત્યાં તપાસ કરાઇ છે તેમાં કેજરીવાલના સેક્રેટરી બિભાન કુમાર, દિલ્હી જળ બોર્ડના પૂર્વ સભ્ય શલભ કુમાર, આપના રાજ્યસભાના સાંસદ એન ડી ગુપ્તાની ઓફિસ, સીએ પંકજ મંગલ અને અન્યોના સ્થળોનો સમાવેશ થાય છે. 

અગાઉ સીબીઆઇએ આ મામલે એફઆઇઆર દાખલ કરી હતી જેમાં દિલ્હી જળ બોર્ડમાં ટેંડરમાં લાંચ લેવાઇ હોવાના આરોપો થયા હતા, ઇડીએ અગાઉ દિલ્હી જળ બોર્ડના મુખ્ય એન્જિનિયર જગદીશ કુમાર અરોડા અને કોન્ટ્રાક્ટર અનિલ કુમારની ધરપકડ કરી હતી. અને આરોપ લગાવ્યો હતો કે જળ બોર્ડે એવી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો કે જે ટેક્નીકલ માન્ય ક્રાઇટેરિયાનું પાલન નહોતી કરી રહી.

 આ મામલે જ હવે અન્ય ૧૨ સ્થળે દરોડા પડાયા છે. જ્યારે દિલ્હી સરકારના મંત્રી આતિશિએ કહ્યું હતું કે ઇડી જુઠા નિવેદનો તૈયાર કરી રહી છે, જેમની પૂછપરછ કરાઇ તેમના ઓરિજિનલ નિવેદનો રેકોર્ડ કરાયા હતા જેને ડિલિટ કરી દેવામાં આવ્યા હતા. ઇડી ભાજપના ઇશારે દરોડા પાડી રહી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.


Google NewsGoogle News