ટોળાએ હુમલા કર્યાના 19 દિવસ પછી તૃણમુલ નેતા પર ઇડીના ફરીથી દરોડા
- સીઆરપીએફના 120 જવાનો સાથે ઇડીની તપાસ
- ઇડીએ તૃણમુલ નેતા શાહજહાં શેખના મકાનને સીલ કરી 29 જાન્યુઆરીએ હાજર થવા સમન્સ પાઠવ્યા
- 6 કલાક સુધી ચાલેલી તપાસમાં કંઇ પણ મહત્ત્વપૂર્ણ વસ્તુઓ ન મળી
- તૃણમુલ નેતાએ મકાનમાંથી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ ખસેડી લીધી હોવાની શંકા
કોલકાતા : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં આવેલા ભાગેડુ તૃણમુલ નેતા શાહજહાં શેખના મકાનની તપાસ કરી હતી. ઉલ્લેખનીય છે કે ૧૯ દિવસ અગાઉ જ્યારે કેન્દ્રીય એજન્સી તેમના આ જ ઘરમાં તપાસ કરવા ગઇ હતી ત્યારે ટોળાએ ઇડીના અધિકારીઓ પર હુમલો કર્યો હતો.
અધિકારીના જણાવ્યા અનુસાર અનાજ વિતરણ કૌભાંડની તપાસના સંદર્ભમાં ઇડીએ શેખના મકાનને સીલ કરી દીધું છે અને તેમના મકાન પર ૨૯ જાન્યુઆરી સુધીમાં પૂછપરછ માટે હાજર થવાની નોટીસ ચોંટાડી દીધી છે.
નોર્થ ૨૪ પરગણા જિલ્લામાં આવેલા મકાનમાં છ કલાક સુધી તપાસ કરવામાં આવી હતી. જો કે આ તપાસ દરમિયાન તિજોરી, કબાટ કે સૂટકેસમાંથી કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ મળી આવી ન હતી.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે મકાનમાંથી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ ખસેડી લેવામાં આવી હોવાની શક્યતા છે. તપાસ કર્યા પછી આ મકાનને સીલ કરી દેવામાં આવ્યું છે.
ઇડીને તપાસ દરમિયાન કેટલાક વિઝા સંબધી જૂના કાગળો, કરારને લગતા કેટલાક દસ્તાવેજો, કેટલાક કપડા મળી આવ્યા હતાં. આ સમગ્ર તપાસની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી.
ઇડીના અધિકારીઓ આ વખતે સીઆરપીએફના ૧૨૦ જવાનો સાથે દરોડા પાડવા ગયા હતાં. આ અગાઉ પશ્ચિમ બંગાળ પોલીસે ઇડીના અધિકારીઓને તૃણમુલ નેતાના ઘરમાં પ્રવેશતા રોક્યા હતાં. ત્યારબાદ ઇડીના અધિકારીઓએ તપાસ માટેનો ઓર્ડર બતાવતા પોલીસે તેમને જવા દીધા હતાં.
ઉલ્લેખનીય છે કે પાંચ જાન્યુઆરીએ ઇડીના અધિકારીઓની ટીમ શેખના મકાનની તપાસ કરવા ગઇ હતી ત્યારે ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. જેમાં ઇડીના ત્રણ અધિકારીઓને ઇજા થઇ હતી. શેખ હાલમાં ભાગેડું છે અને તેની વિરુદ્ધ લૂક આઉટ નોટસી જારી કરવામાં આવી છે.