AAPના ધારાસભ્યએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી, બીજી બાજુ 24 કલાકમાં ઘરે ઈડી ત્રાટકી
રાઉઝ એવન્યુની પીએમએલએ કોર્ટે કેજરીવાલના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા
ઈડીની ટીમે ગુરુવારે રાતે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરી હતી
ED raids: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના લિકર પોલિસી કેસમાં છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે અને આ મામલે દેશભરમાં રાજકારણ ગરમાયું છે ત્યારે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આમ આદમી પાર્ટી (AAP)ના અન્ય ધારાસભ્યના ઘરે દરોડા પાડ્યા છે. આજે સવારે ઈડીની ટીમે દેશની રાજધાની ક્ષેત્રના મટિયાલા વિસ્તારમાંથી ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવના ઘરે દરોડા પાડ્યા હતા.
ગુલાબ સિંહ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રભારી રહી ચૂક્યા
ઈડી દ્વારા આપના ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવ વિરુદ્ધ આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે તેમણે અરવિંદ કેજરીવાલના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. ગુલાબ સિંહે સોશિયલ મીડિયા એક્સ (X) પર દિલ્હીના મુખ્યમંત્રીનો ફોટો શેર કરીને લખ્યું હતું કે 'મોદી કા એક હી કાલ, કેજરીવાલ કેજરીવાલ'. ઉલ્લેખનીય છે કે આપ નેતા ગુલાબ સિંહ યાદવ બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. હાલમાં તેઓ દિલ્હીના મટિયાલા વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રભારી રહી ચૂક્યા છે.
પીએમએલએ કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા
નોંધનીય છે કે અગાઉ ઈડીએ ગુરુવારે સાંજે દિલ્હીના એક્સાઈઝ પોલિસી કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી શુક્રવારે ધરપકડ વિરુદ્ધ કેજરીવાલની અરજી પર પણ બપોરે સુપ્રીમ કોર્ટની વિશેષ બેન્ચ સમક્ષ સુનાવણી થવાની હતી. પરંતુ કેજરીવાલે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ કેજરીવાલની રાઉઝ એવન્યુની પીએમએલએ કોર્ટે કેજરીવાલના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઈડીએ કેજરીવાલની 10 દિવસની કસ્ટડી માગી હતી.