હરિયાણામાં ઈડીના દરોડા, નેતાજીના ઘરમાંથી પાંચ કિલો સોનું, 5 કરોડ રોકડા અને હથિયારો મળ્યા
INLD નેતા દિલબાગ સિંહના ઘરે EDના દરોડામાં અલીબાબાનો ખજાનો મળ્યો!
Haryana ED Raid: હરિયાણાના INLD નેતા દિલબાગ સિંહના ઘરે ઈડીના દરોડામાં 5 કિલો સોનું, 100 બોટલ દારૂ, 5 કરોડ રોકડ, મેડ ઈન જર્મનીના હથિયાર અને કારતૂસ કબ્જે કરવામાં આવ્યા છે. દિલબાગ સિંહ સામે કોર્ટના આદેશ પર ગેરકાયદે ખનન મામલે કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીના અધિકારીઓ દિલબાગ સિંહ, તેના પરિવાર, નજીકના લોકોની પૂછપરછ કરી રહ્યા છે.
300 જીવતા કારતૂસ, બંદૂક અને રાઈફલ મળી આવી
મળતી માહિતી અનુસાર, ચંડીગઢથી ઈડીની ટીમ ગઈકાલે ગેરકાયદે ખનન મામલે હરિયાણા પહોંચી હતી. સૌથી પહેલા યમુનાનગરમાં INLD નેતા અને પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન મળી રોકડ અને હથિયારો જોઈને અધિકારીઓ ચોંકી ગયા હતા.આજે અધિકારીઓએ મીડિયાને કાર્યવાહી વિશે વિગતવાર માહિતી આપી હતી.અહેવાલ અનુસાર,ખનન સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. 300 જીવતા કારતૂસ, બંદૂક અને રાઈફલ મળી આવી હતી, જેને કબ્જે કરવામાં આવી છે. દેશ અને વિદેશમાં INLD નેતાની મિલકતો સંબંધિત રેકોર્ડ અને દસ્તાવેજો પણ કબ્જે કરવામાં આવ્યા છે.
ચંડીગઢ,મહોલી સહિત ચાર શહેરમાં ઈડીના દરોડા
અહેવાલ અનુસાર, હરિયાણાના યમુનાનગર, ફરીદાબાદ, સોનીપત અને કરનાલમાં ગેરકાયદે ખનન કેસમાં ઈડીના દરોડા ચાલુ છે. પંજાબ અને ચંડીગઢના મોહાલી જિલ્લામાં પણ ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઈડીની ટીમે સોનીપતમાં કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર અને તેમના સહયોગી સુરેશ ત્યાગીના ઘરે દરોડા પાડ્યા હતા. કરનાલના સેક્ટર-13માં ભાજપ નેતા મનોજ વાધવા યમુનાનગરમાં ખાણનો વ્યવસાય ધરાવે છે, જ્યારે ઈડીની ટીમ તેમની ઓફિસમાં જઈને દસ્તાવેજોની તપાસ કરી હતી.