નકલી આયુષ્યમાન કાર્ડ મામલે EDના ચાર રાજ્યોમાં 19 સ્થળે દરોડા, કોંગ્રેસ બે નેતાના ઘરે પણ તપાસ
ED Action In Fake Ayushman Card Case : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નકલી આયુષ્યમાન આઈડી કાર્ડ બનાવવા મામલે મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ ચાર રાજ્યોમાં 19 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ યોજના મામલે ઈડીએ દિલ્હી, ચંડીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશના કાંગડા, ઉના, શિમલા, મંડી, કુલ્લૂમાં 19 સ્થળોએ તપાસ શરૂ કરી છે.
કોંગ્રેસના બે નેતા સામે પણ કાર્યવાહી
બાંકે બિહારી હોસ્પિટલ, ફોર્ટિસ હોસ્પિટલ સહિત ઘણી હોસ્પિટલો દ્વારા નકલી આઈડી કાર્ડ પર મેડિકલ બિલ બનાવ્યા છે, જેના કારણે સરકારી તિજોરી અને લોકોને નુકસાન થયું છે. આ છેતરપિંડી મામલે હિમાચલ પ્રદેશના બે કોંગ્રેસ નેતાઓના નામ સામે આવ્યા છે. નગરોટાના કોંગ્રેસ ધારાસભ્ય તેમજ હિમાચલ પ્રદેશ પ્રવાસન વિકાસ નિગમના અધ્યક્ષ અને હિમાચલ વિકાસ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ આર.એસ.બાલીનું પણ નામ સામે આવ્યું છે. આ ઉપરાંત છેતરપિંડીમાં કોંગ્રેસ નેતા ડૉ.રાજેશ શર્મા સામે પણ કાર્યવાહી કરાઈ છે. ઈડીએ આ બંને નેતાઓના નિવાસસ્થાને દરોડો પાડી તપાસ કરી રહી છે. ઈડીએ કોંગ્રેસ ધારાસભ્ય આર.એસ.બાલીના નિવાસ સ્થાન અને ખાનગી હોસ્પિટલમાં દરોડો પાડ્યો છે. કોંગ્રેસ નેતા ડૉ.રાજેશ શર્માને તાજેતરમાં જ દેહરાથી ટિકિટ આપવામાં આવી હતી.
ઘણાં નેતાઓ ઈડીની રડારમાં
ઈડીએ આજે (31 જુલાઈ) કાંગડા શહેરની ત્રણ ખાનગી હોસ્પિટલમાં દરોડો પાડ્યો છે. આ દરમિયાન ઈડીએ હોસ્પિટલમાં ઘણા રેકોર્ડની તપાસ કરી છે. આ છેતરપિંડી મામલે એવી પણ માહિતી સામે આવી છે કે, ઈડીના રડારમાં ઘણા નેતાઓ છે, જેના કારણે હિમાચલમાં સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ ઈડીના અધિકારીઓ અને સીઆરપીએફની ટીમ આજે સવારે જ પંજાબના નંબરના વાહનમાં કાંગડા પહોંચી હતી અને ટીમોએ એક સાથે ત્રણ હોસ્પિટલમાં દરોડો પાડી તપાસ શરૂ કરી છે.