કેજરીવાલની ધરપકડ બાદ AAPના આકરા પ્રહાર, કૌભાંડના મની-ટ્રેલમાં ભાજપ પણ સામેલ હોવાનો દાવો
ઉલ્લેખનીય છે કે કેજરીવાલની ધરપકડ બાદ તેમને 6 દિવસ ઈડીના રિમાંડ પણ મોકલાયા છે
Arvind Kejriwal Arrested : દિલ્હી લિકર પોલિસી કૌભાંડ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થયા બાદ તેમને છ દિવસ માટે ઈડીને રિમાન્ડ પર લેવા સોંપી દેવાયા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓએ આજે એક પત્રકાર પરિષદ કરીને અનેક પુરાવા રજૂ કરીને ભાજપ પર મની ટ્રેલમાં સામેલ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
આમ આદમી પાર્ટીએ મૂક્યો ગંભીર આરોપ...
આપ નેતા આતિશીએ પત્રકારોની સામે મની ટ્રેલનો પુરાવો રજૂ કરતાં કહ્યું કે દિલ્હીના કથિત લિકર કૌભાંડ કેસમાં સત્તાવાર મની ટ્રેલ પકડાઈ ગયો છે. તેના બધા જ પૈસા ભાજપના ખાતામાં ગયા છે. એટલા માટે અમે માગ કરીએ છીએ કે ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડાની ધરપકડ કરવામાં આવે. ઈડી આ કાર્યવાહી કરે. આ સાથે તેમણે ઈડીને ભાજપનો જમણો હાથ ગણાવ્યો હતો
આતિશીએ પત્રકાર પરિષદમાં મની ટ્રેલ વિશે આપી માહિતી...
આતિશીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે છેલ્લા બે વર્ષથી દિલ્હીમાં તથાકથિત લિકર પોલિસી કૌભાંડની ઈડી અને સીબીઆઈ દ્વારા તપાસ ચાલી રહી છે. જે દરમિયાન સૌથી મોટો સવાલ મની ટ્રેલને લઈને પૂછવામાં આવી રહ્યો છે એટલે કે કૌભાંડના પૈસા ક્યાં ગયા? તેમાં લિકર વેપારીઓને નફો પહોંચાડવાના આરોપો મૂકાયા. હવે સવાલ એ છે કે જો વેપારીઓને નફો થયો તો તેમણે લાંચ કોને આપી? બે વર્ષની કાર્યવાહીમાં ઈડી-સીબીઆઈ દ્વારા આપના કાર્યકરો, નેતાઓને ત્યાં દરોડા પાડ્યા છતાં તેમને કૌભાંડના રૂપિયાની કોઈ વિગતો જ ના મળી. તેમણે આ દરમિયાન સુપ્રીમકોર્ટના આદેશનો પણ ઉલ્લેખ કર્યો અને તેનો હવાલો આપ્યો. મની ટ્રેલની કોઈ ભાળ મળી નથી. તેમણે શરદ ચંદ્ર રેડ્ડીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે એક મોટી ફાર્મા કંપનીના માલિક છે. શરદ રેડ્ડીએ જ્યારે ન સ્વીકાર્યું કે કેજરીવાલ સાથે તેમની મુલાકાત થઈ છે કે નહીં તો તેમને જેલમાં ધકેલી દેવાયા. મહિનાઓ જેલમાં વીતાવ્યા બાદ તેમણે પોતાનું નિવેદન બદલી નાખ્યું.
સૌરભ ભારદ્વાજે કર્યા આક્ષેપ...
આપના મંત્રી સૌરભ ભારદ્વાજ પણ આ પત્રકાર પરિષદમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે શરદ રેડ્ડીને ફક્ત પીઠમાં દુઃખાવો થતો હોવાથી જામીન મળી ગયા અને આવી વ્યક્તિના એક નિવેદન પર મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવી. અરવિંદ ફાર્મા અને તેની બે સબ્સિડિયરી કંપનીઓએ ભાજપને 50 કરોડ રૂપિયા દાન કર્યા એ પણ ઈલેક્ટોરલ બોન્ડના માધ્યમથી. મની ટ્રેલ તો સીધો જ ભાજપ તરફ જઈ રહ્યો છે.