ફરી જેલ જશે હેમંત સોરેન? હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી ED
Hemant Soren Land Scam Case : ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની જામીન વિરુદ્ધ ED સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. કેન્દ્રીય એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા હાઈકોર્ટના આદેશને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યાં છે. આ સાથે EDએ કહ્યું કે, હાઈકોર્ટે જે પણ ટિપ્પણી કરી હતી તે ખોટી છે. બીજી તરફ, કેન્દ્રીય એજન્સીએ કોર્ટમાં કરેલી અરજીને લઈને વહેલીતકે સુનાવણી કરવાની માંગ કરી હતી.
PMLA એક્ટની વિરુદ્ધ જામીન આપ્યાં : કેન્દ્રીય એજન્સી
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની જામીનને લઈને ED સુપ્રીમ સુધી પહોંચી છે. તેવામાં કેન્દ્રીય એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. જેમાં SLP અરજી કરતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે, હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલા આદેશ ગેર કાનૂની છે. હાઈકોર્ટે કરેલા આદેશની પ્રક્રિયામાં ઘણી બધી ખામી અને અવગણના કરવામાં આવી હોવાથી તેના પર જલ્દીથી સુનાવણી કરવાની જરૂર છે. જેમાં કેન્દ્રીય એજન્સીએ PMLA એક્ટની વિરુદ્ધ જામીન કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
જામીન બાદ ઝારખંડના મુખ્યમંત્રી તરીકે કાર્યરત
હાઈકોર્ટના આદેશ પછી હેમંત સોરેનને જામીન મળ્યાં બાદ તેઓ ફરીથી ઝારખંડના મુખ્યમંત્રી બન્યા હતા. આ સિવાય સોમવારે તેમણે વિધાનસભામાં વિશ્વાસ મત મેળવ્યો હતો. જેમાં 45 ધારાસભ્યોએ તેમને સમર્થન આપ્યું હતું. આ સાથે કેબિનેટ વિસ્તરણ કર્યા પછી ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા.
ED એ 7 કલાકની પૂછપરછ બાદ હેમંત સોરેનની ધરપકડ કરી હતી
ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતા અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની કથિત જમીન કૌભાંડ મામલે હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસમાં ગત શુક્રવારના રોજ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યાં હતા. જસ્ટિસ આર. મુખોપાધ્યાયની કોર્ટે તેમને નિયમિત જામીન આપ્યાં હતા. 31 જાન્યુઆરીના રોજ ED દ્વારા 7 કલાકની પૂછપરછ કર્યા બાદ હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ પછી હેમંત સોરેને રાજીનામુ આપ્યા બાદ ચંપઈ સોરેનને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં હતા.