SEBI બાદ EDએ વધારી જગ્ગી બંધુની મુશ્કેલી? મહાદેવ એપ કૌભાંડમાં પૂછપરછ થવાના એંધાણ
BluSmart EV Scam : ‘જેન્સોલ એન્જિનિયરિંગ’ના પ્રમોટર અનમોલ સિંહ જગ્ગી અને પુનીત સિંહ જગ્ગીએ કંપનીના ફંડનો મોટો હિસ્સો પોતાની માલિકીનો હોય એ રીતે વાપરી ખાધો હોવાનો આરોપ લાગ્યા બાદ વધુ એક મુશ્કેલીમાં મુકાયા છે. મળતાં અહેવાલો મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મહાદેવ સટ્ટા એપ કૌભાંડની તપાસ મામલે પૂછપરછ કરવા માટે જગ્ગી બંધુઓને સમન્સ મોકલી શકે છે. મીડિયા રિપોર્ટમાં એક સૂત્રોના હવાલે આ માહિતી સામે આવી છે. જોકે આ મામલે હજુ સુધી ઈડીએ જગ્ગી બંધુઓને સત્તાવાર કોઈપણ સમન્સ પાઠવ્યું નથી, પરંતુ એજન્સીએ તાજેતરમાં જ જેન્સોલ એન્જિનિયરિંગના પાંચ લાખથી વધુ શેર ફ્રીઝ કર્યા છે.
જેન્સોલનું કનેક્શન દુબઈની કંપની સાથે હોવાની આશંકા
તપાસ એજન્સીઓને કંપનીના શેર કૃત્રિમ રીતે વધાર્યા હોવાની આશંકા છે અને તેની પાછળ દુબઈની કંપની જેનિથ મલ્ટી ટ્રેડિંગ ડીએમસીસીનો હાથ હોવાની પણ સંભાવના છે. આ કંપની મહાદેવ એપ કૌભાંડના આરોપી હરિ શંકર ટિબરેવાલ સાથે સંકળાયેલી હોવાનું મનાઈ રહ્યું છે.
મહાદેવ એપનું કાળું નાણું જેનસોલમાં રોકાણ કરાયું?
રિપોર્ટમાં એક સીનિયર સરકારી અધિકારીને ટાંકીને કહેવાયું છે કે, તપાસમાં આશંકા વ્યક્ત કરાઈ છે કે, મહાદેવ બેટિંગ એપ(Mahadev Betting App)નું કાળું નાણું એફપીઆઇ દ્વારા ભારતમાં લવાયું અને બજારમાં હેરાફેરી કરવા માટે જેનસોલ એન્જિનિયરિંગ જેવા SME લિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરાયું. ઈડી તપાસ કરી રહી છે કે, શું પ્રમોટર્સને આ રોકાણના સ્રોતો અંગે જાણ હતી?
મહાદેવ સટ્ટા એપ કૌભાંડની તપાસ કરી રહેલી ઈડીએ આ અઠવાડિયાની શરુઆતમાં 573 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ટાંચમાં લીધી હતી, તેમાં જેન્સોલ એન્જિનિયરિંગ સંબંધીત સિક્યોરિટીઝ અને ડિમેટ એકાઉન્ટ્સ પણ સામેલ છે. શેર માર્કેટમાં મોકલાયેલી સૂચના મુજબ, ઈડીએ રાયપુર ઝોનલ ઑફિસ સ્થિત જેન્સોલ એન્જિનિયરિંગના 5,20,063 શેર (કંપનીમાં 1.37 ટકાની ભાગીદારી) પોતાના કબજામાં કર્યા છે, જે અગાઉ જેનિશ મલ્ટીના નામ પર નોંધાયેલા હતા.
આ પણ વાંચો : સોનામાં તેજી પાછળ આ ચાર કારણો જવાબદાર, છેલ્લા ચાર માસમાં આપ્યું 27 ટકા રિટર્ન
ઈડીએ તાજેતરમાં જ 50 સ્થળે દરોડા પાડ્યા હતા
રાયપુર સ્થિત ઝોનલ ઑફિસ દ્વારા મહાદેવ સટ્ટા એપની તપાસ કરવામાં આવી રહી છે. ઈડીએ 16 એપ્રિલે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, ઇન્દોર, જયપુર અને સંબલપુર સહિત 50થી વધુ સ્થળોએ દરોડો પાડ્યો હતો. ઈડીએ તાજેતરમાં જ એક નિવેદનમાં કહ્યું હતું કે, બેટિંગ એપથી મેળવેલા કાળાં નાણાંને દુબઈ અને મોરેશિયસ જેવા ટેક્સ હેવન દેશોના એફપીઆઇ દ્વારા ભારત લવાયા હતા. ત્યારબાદ રોકાણકારોને ગેરમાર્ગે દોરવા આ નાણાંને ભારતમાં એસએમઈ સ્ટૉક્સમાં લગાવાયા હતા. ઈડીએ આ મામલે અત્યાર સુધીમાં 170થી વધુ સ્થળે દરોડા પાડ્યા છે, જેમાં 13મી ધરપકડ અને 3002.47 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત-ટાંકમાં લીધી છે. જ્યારે 74 કંપનીઓ-સંસ્થાઓને આરોપી બનાવાયા છે.
સેબીએ તાજેતરમાં જ જગ્ગી બંધુ પર કર્યા હતા ગંભીર આક્ષેપ
‘જેન્સોલ એન્જિનિયરિંગ’(Gensol Engineering)ના પ્રમોટર અનમોલ સિંહ જગ્ગી અને પુનીત સિંહ જગ્ગી(Anmol And Puneet Singh Jaggi)એ કંપનીના ફંડનો મોટો હિસ્સો પોતાની માલિકીનો હોય એ રીતે વાપરી ખાધો હોવાનો આરોપ લાગ્યો છે. સેબીએ આક્ષેપ સાથે જાહેર કર્યું હતું કે, જગ્ગી બંધુઓએ કંપનીને અંગત માલિકીની ગણીને ફંડનો દુરુપયોગ કર્યો હતો. કંપનીના ફંડમાંથી તેમણે ગુડગાંવ ખાતેના લક્ઝરીઅર રેસિડેન્શિઅલ કોમ્પ્લેક્સ ‘ધ કેમેલીઆસ’માં એક વૈભવી એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. એ ઉપરાંત તેમણે ગોલ્ફ રમવા માટે ગોલ્ફ સેટ પણ ખરીદ્યો હતો, ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવ્યા હતા, નાણાં પ્રવાસમાં ખર્ચ્યા હતા અને પરિવારના લોકોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા. સેબીએ 15 એપ્રિલે રાઈડ-હેઈલિંગ સ્ટાર્ટઅપ બ્લુસ્માર્ટ માટે ઈલેક્ટ્રિક વાહન ખરીદી સંબંધિત દેવાની ચુકવણીમાં ડિફોલ્ટ થયા બાદ જેન્સોલ એન્જિનિયરિંગના સ્થાપકોને કંપનીમાં મુખ્ય હોદ્દા પર રહેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેન્સોલના સ્થાપકો અનમોલ સિંહ જગ્ગી અને પુનીત સિંહ જગ્ગીને સિક્યોરિટીઝ માર્કેટમાં ભાગ લેવાની પણ મનાઈ ફરમાવાઈ છે. અનમોલ સિંહ જગ્ગી દ્વારા સહ-સ્થાપિત બ્લુસ્માર્ટ દિલ્હી-એનસીઆર, બેંગ્લોર અને મુંબઈમાં ઈલેક્ટ્રિક કાર સેવાઓ પૂરી પાડે છે.
આ પણ વાંચો : સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર: મંદીની શક્યતાઓના કારણે ભાવમાં તેજી
જગ્ગી બંધુએ 262.13 કરોડના હિસાબમાં ગોટાળો કર્યો
સેબીના જણાવ્યા અનુસાર જેન્સોલ એન્જિનિયરિંગએ રૂપિયા 977.75 કરોડની લોન મેળવી હતી, જેમાંથી રૂપિયા 663.89 કરોડના 6,400 નંગ ઈલેક્ટ્રિક વાહનો (EVs) ખરીદવાના હતા. કંપની દ્વારા ઈવી ખરીદીને ‘બ્લુસ્માર્ટ’ કંપનીને લીઝ પર આપવામાં આવ્યા હતા. જોકે, નિયત 6,400 નંગને બદલે ફક્ત 4,704 ઈવીની ખરીદી કરવામાં આવી છે. ઈવી વેચનારી ગો-ઓટો પ્રાઈવેટ લિમિટેડ દ્વારા એ વાતને સમર્થન આપવામાં આવ્યું હતું કે તેમણે જેન્સોલ એન્જિનિયરિંગને રૂપિયા 567.73 કરોડના મૂલ્યના 4,704 ઈવી વેચ્યા છે. જેન્સોલને વધારાનો 20 ટકા ઈક્વિટી ફાળો આપવાનો હતો તે જોતાં ઈવીનો કુલ અપેક્ષિત ખર્ચ રૂપિયા 829.86 કરોડ હતો. એટલે કે રૂપિયા 262.13 કરોડનો હિસાબ હજુ પણ બાકી છે.
આ પણ વાંચો : ગોલ્ડ લોન હવે મોંઘી થવાના એંધાણ : RBIના નવા નિયમોથી ખર્ચમાં વધારો થશે