પૈસા લઈને સવાલ પૂછવાનો મામલો, તૃણમૂલ નેતા મહુઆ મોઈત્રા સામે ઈડીએ નોંધ્યો મની લોન્ડરિંગનો કેસ
Lok Sabha Elections 2024: તૃણમૂલ નેતા અને પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. હવે તેમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ દાખલ કર્યો છે. મહુઆ મોઈત્રા પર પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાનો આરોપ છે. આ મામલો ઘણો વિવાદાસ્પદ રહ્યો છે. આ પછી મહુઆ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ઈડીએ ત્રણ સમન્સ પાઠવ્યા
સંસદની અંદર પૈસા લઈને સવાલ પૂછવાના આરોપમાં સીબીઆઈ શરૂઆતથી જ આ મામલે તપાસ કરી રહી છે. લોકપાલના આદેશ બાદ સીબીઆઈએ તપાસ કરી હતી. આ ઉપરાંત ઈડી પહેલાથી જ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ મહુઆ મોઈત્રા સામે તપાસ કરી રહી છે. અગાઉ ઈડીએ એફઈએમએ સંબંધિત કેસમાં મહુઆ મોઈત્રાને સમન્સ મોકલ્યું હતું અને તેમને 28મી માર્ચે હાજર થવા માટે કહ્યું હતું. આ અંગે મહુઆ મોઈત્રાએ કહ્યું હતું કે, 'હાલમાં હું લોકસભા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેથી હું પૂછપરછ માટેહાજર નહીં રહું.' મહુઆને ઈડી તરફથી આ ત્રીજું સમન્સ હતું. અગાઉ તેમણે ઈડીને પત્ર લખીને હાજર થવા માટે સમય માગ્યો હતો. જો કે, ત્રીજા સમન્સ પર પણ તેઓ ઈડી સમક્ષ હાજર થયા ન હતો.
આ આરોપમાં મહુઆ મોઈત્રાનું સંસદનું સભ્યપદ રદ થયું
ડિસેમ્બર 2023માં મહુઆ મોઈત્રા સામે કાર્યવાહી કરવામાં આવી અને તેમને લોકસભામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. તેમના પર ભાજપના નેતા નિશિકાંત દુબેએ ગંભીર આરોપ લગાવ્યા હતા. નિશિકાંત દુબેએ કહ્યું હતું કે, મહુઆ મોઈત્રાએ સંસદમાં સવાલ પૂછવાના બદલામાં મોટી ભેટ અને પૈસા લીધા હતા.'
મહુઆ મોઇત્રા લોકસભા ચૂંટણી લડી રહી છે
તૃણમૂલ નેતા મહુઆ મોઈત્રા ફરી એકવાર ચૂંટણી મેદાનમાં છે. તેઓ પશ્ચિમ બંગાળના કૃષ્ણનગર લોકસભા બેઠકથી તૃણમૂલની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. તેમની સામે ભાજપે રાજમાતા અમૃતા રોય મેદાને ઉતાર્યા છે. મહુઆ મોઈત્રાને 2019ની લોકસભા ચૂંટણીમાં અહીં સરળતાથી જીત મળી હતી. તેમણે ભાજપના કલ્યાણ ચૌબેને હરાવ્યા હતા. પરંતુ આ વર્ષે તેમણે રાજમાતા અમૃતા રોય સામે જીત મેળવવી અઘરી છે.