'ભારતમાં સાયબર કૌભાંડનું ખૂબ મોટું નેટવર્ક', EDએ ડિજિટલ અરેસ્ટ કેસમાં દાખલ કરી ચાર્જશીટ, થયા ચોંકાવનારા ખુલાસા
Cyber Scam in India : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 'ડિજિટલ એરેસ્ટ'ના ખતરાથી બચવાનો આગ્રહ કરાયા બાદ તપાસ એજન્સીઓએ કાર્યવાહી ઝડપી કરી દીધી છે. જે હેઠળ જ ઈડીએ કર્ણાટકના એક કેસમાં આઠ લોકો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં કૌભાંડની રકમ લગભગ 159 કરોડ રૂપિયા છે.
કેસમાં ધરપકડ કરાયેલા તમામ આઠ આરોપી હાલના સમયમાં ન્યાયિક કસ્ટડીમાં છે. ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું કે, તેમણે ગત મહિને બેંગાલુરૂની પીએમએલએ કોર્ટમાં આઠ આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી. તપાસ એજન્સીએ કહ્યું કે, તપાસમાં જાણવા મળ્યું કે ભારતમાં સાયબર કૌભાંડનું એક મોટું નેટવર્ક છે, જેમાં નકલી શેરબજાર રોકાણ અને ડિજિટલ એરેસ્ટ સામેલ છે. જેનો મુખ્ય રીતે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ટેલીગ્રામ જેવા પ્લેટફૉર્મ દ્વારા અંજામ આપવામાં આવે છે.
વધુ નફાની આપવામાં આવે છે લાલચ
પિગ બૂચરિંગ કૌભાંડના નામથી પ્રચલિત શેરબજાર રોકાણ કૌભાંડમાં લોકોને વધુ નફાની લાલચ આપીને નકલી વેબસાઇટ અને ભ્રામક વોટ્સએપ ગ્રૂપનો ઉપયોગ કરીને લોભાવવામાં આવે છે. આ ભ્રામક વોટ્સએપ ગ્રૂપને જોવાથી એવું લાગે છે કે આ પ્રતિષ્ઠિત નાણાંકીય કંપનીથી જોડાયેલ છે.
ઈડીએ કહ્યું કે, આ કૌભાંડના કેટલાક પીડિતોને આરોપીઓએ ખુદને કસ્ટમ્સ અધિકારી અથવા સીબીઆઈ અધિકારી બતાવીને 'ડિજિટલ એરેસ્ટ' કર્યા, પછી તેમને શેલ કંપનીઓમાં મોટી સંખ્યામાં પૈસા ટ્રાન્સફર કરવા માટે મજબૂર કર્યા. આરોપીઓએ છેતરપિંડી કરવા માટે હજારો સિમકાર્ડ મેળવ્યા જે શેલ કંપનીઓના બૅંક ખાતાથી જોડાયેલ હતા અથવા વોટ્સએપ એકાઉન્ટ બનાવવા માટે ઉપયોગ કરાતા હતા. આ બેનામી સિમકાર્ડ્સના કારણે કૌભાંડ પીડિતોને છેતરી શકાય છે અને તાત્કાલિક પકડાઈ જવાનું જોખમ ઓછું થઈ જાય છે.
ક્રિપ્ટો કરન્સીમાં ફેરવાઈ રકમ
ઈડીએ જણાવ્યું કે, આરોપીઓએ સાયબર ફ્રોડથી મેળવેલી રકમ મેળવીને તેને કાયદેસર બનાવવા માટે તમિલનાડુ, કર્ણાટક અને કેટલાક અન્ય રાજ્યોમાં 24 શેલ કંપનીઓ બનાવી હતી. આ શેલ કંપનીઓ મુખ્ય રીતે કોવર્લિંગ સ્પેસ (જ્યાં હકિકતમાં કોઈ બિઝનેસ નથી) પર નોંધાયેલ છે. બિઝનેસ શરુ કરવાના પુરાવા તરીકે તેમણે રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ સમક્ષ નકલી બૅન્ક સ્ટેટમેન્ટ દાખલ કર્યા હતા. ઈડીની તપાસમાં મળી આવ્યું કે આરોપીઓએ મેળવેલી રકમને ક્રિપ્ટો કરન્સીમાં બદલી અને વિદેશમાં ટ્રાન્સફર કરી દીધી. ઈડીએ આ મામલે 10 ઑક્ટોબરે ચાર્જશીટ દાખલ કરી હતી અને કોર્ટે 29 ઑક્ટોબરે તેના પર સંજ્ઞાન લીધું હતું.
આઈ4સીએ જાહેર કરી નવી એડવાઈઝરી
ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે (I4C) રવિવારે એક નવી એડવાઇઝરી જાહેર કરી, જેમાં લોકો પાસેથી 'ડિજિટલ એરેસ્ટ'થી સાવધાન રહેવાની અપીલ કરાઈ છે. જેમાં કહેવાયું છે કે, વીડિયો કોલ કરનારા લોકો પોલીસ, સીબીઆઇ, કસ્ટમ્સ અધિકારી અથવા જજ નહીં પરંતુ સાયબર ગુનેગારો હોય છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલય હેઠલ કામ કરનારા સંગઠને એડવાઇઝરીમાં લોકોને આ 'જાળ'માં ન ફસાવા અને આવા ગુનેગારોની ફરિયાદ તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર અથવા સાયબર ગુનાથી જોડાયેલા સત્તાવાર પોર્ટલ પર દાખલ કરાવવા કહ્યું. વડાપ્રધાન મોદીએ 27 ઑક્ટોબરે પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં ડિજિટલ એરેસ્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો.