ગિફ્ટ સિટી બનાવનારા ભૂટાની બિલ્ડર્સની દિલ્હી-નોઈડાની ઓફિસો પર EDના દરોડા
ED Raid: દિલ્હી-NCRમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરી છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી બનાવનારા ભૂટાની બિલ્ડર્સની WTC પર દરોડા પાડ્યા છે. દિલ્હી, ફરીદાબાદ, નોઈડા અને ગુરુગ્રામમાં લગભગ 12 સ્થળોએ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બિલ્ડર સામે રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ છે.
જાણો શું છે મામલો?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ED WTC બિલ્ડર, તેના પ્રમોટર આશિષ ભલ્લાની ઓફિસ અને ભૂટાની ગ્રુપના 12 સ્થળો પર સર્ચ કરી રહી છે. આ સ્થાનો દિલ્હી, નોઈડા, ફરીદાબાદ અને ગુરુગ્રામમાં છે. WTC ગ્રૂપના ફરિદાબાદ, નોઈડા અને આસપાસના વિસ્તારોમાં ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. એવો આરોપ છે કે જૂથે રોકાણકારો પાસેથી રૂ. 1000 કરોડથી વધુ રકમ લીધી છે અને છેલ્લા 10-12 વર્ષમાં પ્રોજેક્ટ પૂરા થયા નથી. આ મામલામાં ફરીદાબાદ પોલીસ અને EOW દિલ્હી દ્વારા WTC બિલ્ડર, આશિષ ભલ્લા, ભૂટાની ગ્રુપ વિરુદ્ધ અનેક FIR નોંધવામાં આવી છે.
રોકાણકારોની ફરિયાદના આધારે ED કરી રહી છે કાર્યવાહી
EDની આ કાર્યવાહી તે રોકાણકારોની ફરિયાદના આધારે કરવામાં આવી રહી છે જેમણે આ પ્રોજેક્ટમાં પોતાની મહેનતની કમાણીનું રોકાણ કર્યું હતું, પરંતુ હજુ સુધી તેમને કોઈ મિલકત મળી નથી. તપાસ એજન્સી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ નાણાનો ક્યાં ઉપયોગ થયો અને તેમાં મની લોન્ડરિંગનો કોઈ એંગલ છે કે કેમ. EDની ટીમ વિવિધ દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડની તપાસ કરી રહી છે. આ કેસમાં ટૂંક સમયમાં કેટલીક મોટી ધરપકડ થાય તેવી શક્યતા છે.