પ.બંગાળના ત્રણ ભરતી કૌભાંડમાં ઇડીએ રૂ. 600 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી
- મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે કરાયેલી કાર્યવાહી
- ત્રણ કૌભાંડોમાં એસએસસી દ્વારા ગ્રુપ સી અને ડીની કરાયેલી ભરતી ઉપરાંત ધો. 9 થી 12ના શિક્ષકો અને પ્રાથમિક શિક્ષકોની ભરતી સામેલ
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં ત્રણ અલગ અલગ શિક્ષક અને સ્ટાફ ભરતી કૌભાંડમાં મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે ૬૦૯ કરોડ રૂપિયાથી વધુની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે.
ઇડીએ જણાવ્યું છે કે સ્કૂલ સર્વિસ કમિશન (એસએસસી)એ ગ્રુપ સી અને ડી સ્ટાફની કરેલી ભરતીના કેસમાં ૫૬.૫૦ કરોડ રૂપિયાના જમીનના પ્લોટ, કોમર્શિયલ જગ્યા, ફલેટ અને વિલા ટાંચમાં લેવા માટે નવો આદેશ જારી કરવામાં આવ્યો છે.
ફેડરલ તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ મિલકતો મુખ્ય વચેટિયા પ્રસન્ના કુમાર રોય અને તેમના સાથીઓની કંપનીઓ અને એલએલપી (લિમિટેડ લાએબિલિટી)ના નામે છે. આ મિલકતોનું મૂલ્ય ૫૬.૫૦ કરોડ રૂપિયા છે.
૨૦૧૬ની ભરતી પ્રક્રિયામાં મોટા પાયે ગરરીતિ બહાર આવતા સુપ્રીમ કોર્ટે ૩ એપ્રિલના રોજ સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરતા સરકારી અને ગ્રાન્ટ મેળવતી શાળાઓના ૨૫,૭૫૩ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફે તેમની નોકરી ગુમાવી છે.
જો કે ૧૭ એપ્રિલે સુપ્રીમ કોર્ટે સીબીઆઇ દ્વારા ક્લીનચીટ આપવામાં આવેલા ટર્મિનેટેડ શિક્ષકોની નોકરી ૩૧ ડિસેમ્બર સુધી વધારી છે.
ઉલ્લેખનીય છે કે ઇડીએ આ અગાઉ આ કેસમાં રોય અને તેમના મુખ્ય એજન્ટ ચંદન મોંડલની ૧૬૩.૬૬ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી. એજન્સીએ તેમની ધરપકડ કરતા હાલ બંને જયુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં બંધ છે.
પશ્ચિમ બંગાળનું બીજું કૌભાંડ ધો. ૯ થી ૧૨ના આસિસ્ટન્ટ શિક્ષક ભરતી સાથે સંકળાયેલુ છે. આ કેસમાં ઇડીએ ૨૩૮.૭૮ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
ત્રીજું ભરતી કૌભાંડ પ્રાથમિક શિક્ષકોની ભરતી સાથે સંકળાયેલુ છે. આ કેસમાં ઇડીએ ૧૫૧ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આમ ઇડીની કોલકાતા ઓફિસે ત્રણ ભરતી કૌભાંડમાં કુલ ૬૦૯.૯૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.