જાણો, ઈડીએ કયા પુરાવા અને કોના સ્ટેટમેન્ટના નિવેદનના આધારે કેજરીવાલની ધરપકડ કરી?
ઈડીએ ગઈકાલે રાતે દિલ્હીના મુખ્યમંત્રીની કરી હતી ધરપકડ
Arvind Kejriwal Arrested | ઈડીએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીધી સંડોવણીના ઘણા પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આ કેસમાં ઈડીએ એક મુખ્ય ચાર્જશીટ સાથે પાંચ પૂરક ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ તમામ ચાર્જશીટમાં ઈડી સમગ્ર કૌભાંડમાં આમ આદમી પાર્ટી (AAP) અને તેના પ્રમુખ અરવિંદ કેજરીવાલની સીધી સંડોવણીનો દાવો કર્યો છે.
કૌભાંડમાં સીધી સંડોવણીના સંકેત
26 નવેમ્બર, 2022ના રોજ દાખલ કરાયેલી મુખ્ય ચાર્જશીટમાં ઈડીએ ઈન્ડો સ્પિરિટના માલિક અને કૌભાંડના આરોપી સમીર મહેન્દ્રુના નિવેદનને ટાંકીને સમગ્ર કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની સીધી સંડોવણીનો સંકેત આપ્યો હતો. ઈડીને આપેલા નિવેદનમાં સમીર મહેન્દ્રુએ કહ્યું હતું કે તેણે કૌભાંડના આરોપી વિજય નાયરને દિલ્હીની નવી એક્સાઈઝ નીતિ હેઠળ બિઝનેસમાં જોડાતા પહેલા કેજરીવાલને મળવા વિનંતી કરી હતી. બે વખત સમય નક્કી થયો પરંતુ મુખ્યમંત્રીના વ્યસ્ત કાર્યક્રમને કારણે મીટિંગ થઈ શકી ન હતી અને અંતે વિજય નાયરે કેજરીવાલને ફેસ ટાઇમ પર તેમની સાથે વાતચીત કરાવી હતી.
ઈડીનો નવો ખુલાસો...
ઈડીએ કહ્યું હતું કે અમે આમ આદમી પાર્ટીના ગોવાના અનેક ઉમેદવારોના નિવેદન નોંધ્યા હતા. તેમાં અમને જાણવા મળ્યું કે તેઓને પૈસા મળ્યાં હતા અને આ વાત એ ઉમેદવારોએ સ્વીકારી પણ હતી. અમે આ મામલે કોર્ટમાં પુરાવાઓ રજૂ કરવાના છીએ.
ઈડીએ ચાર્જશીટમાં શું કહ્યું?
સમીર મહેન્દ્રુના કહેવા પ્રમાણે વાતચીતમાં અરવિંદ કેજરીવાલે વિજય નાયરને પોતાનો માણસ ગણાવીને કામ કરવા માટે આશ્વાસન આપ્યું હતું. ચાર્જશીટમાં EDએ વિજય નાયરને કેજરીવાલની ખૂબ નજીકનો વ્યક્તિ ગણાવ્યો હતો. આ સિવાય દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટમાં પણ ઈડીએ આ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની સીધી સંડોવણીનો દાવો કર્યો હતો.
12 ટકા કમિશનની વાત થઈ હતી
ચાર્જશીટ અનુસાર સિસોદિયાના અંગત સચિવ સી. અરવિંદે ઈડીને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં હોલસેલરોને 12 ટકા કમિશન આપવાની કોઈ ચર્ચા થઇ ન હતી. પહેલીવાર તેમને મુખ્યમંત્રી કેજરીવાલના ઘરે બોલાવવામાં આવ્યા હતા, જ્યાં સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની સાથે કેજરીવાલ પોતે પણ હાજર હતા. ત્યાં સિસોદિયાએ એક નોટ આપી અને તેના આધારે દિલ્હીની આબકારી નીતિ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો. આ નોટ પર પહેલીવાર જથ્થાબંધ વેપારીને 12 ટકા કમિશન આપવાની વાત થઈ હતી.
કે. કવિતાની પણ ધરપકડ થઈ હતી
આ પછી શનિવારે કે. કવિતાની કસ્ટડીની માંગ કરતા ઈડીએ દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડના માસ્ટરમાઇન્ડ તરીકે મુખ્યમંત્રી કેજરીવાલ, તત્કાલીન નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને કે. કવિતાનો ઉલ્લેખ કર્યો. ઈડીએ આ સંદર્ભમાં વાયએસઆર કોંગ્રેસના સાંસદ મગુન્તા શ્રીનિવાસુલુ રેડ્ડીના નિવેદનને ટાંક્યું છે.
વાયએસઆર કોંગ્રેસના સાંસદનું પણ નિવેદન લેવાયું
ઈડી અનુસાર, IPCની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાયેલા તેમના નિવેદનમાં, રેડ્ડીએ 16 માર્ચ, 2021ના રોજ સાંજે 4.30 વાગ્યે તેમની ઓફિસમાં અરવિંદ કેજરીવાલને મળ્યાનું સ્વીકાર્યું છે. આ બેઠકમાં અરવિંદ કેજરીવાલે પોતે રેડ્ડીને કે. કવિતા સાથે દિલ્હીમાં દારૂના ધંધા અંગે વાતચીત થયાની માહિતી આપી. રેડ્ડીના કહેવા પ્રમાણે, અરવિંદ કેજરીવાલની સૂચના પછી જ તેમણે કે. કવિતાને મળ્યા પછી તેમની સાથે દારૂના ધંધાની વાત શરૂ કરી હતી.