કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ઈડીને કહી બેવકૂફ, રેલવે મંત્રીને પણ લખ્યો પત્ર
અધીર રંજને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં EDનો દુરુપયોગ કરવાનો કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ કેસમાં જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ડૉ.ફારૂક અબ્દુલ્લાને સમન્સ પાઠવી પૂરપરછ માટે બોલાવ્યા હતા. જોકે તેઓ ઈડી સમક્ષ હાજર થયા નથી. આ મામલે પશ્ચિમ બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ કટાક્ષ કરી કેન્દ્રીય એજન્સીને બેવકૂફ કહી છે.
‘ED માત્ર સરકારના આદેશ પર ચાલે છે’
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં એજન્સીનો દુરુપયોગ કરવાનો કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી અધીર રંજને કહ્યું કે, ‘કેન્દ્ર સરકારના આદેશ હેઠળ ઈડીને ચલાવાઈ રહી છે. ઈડી કોને સમન્સ પાઠવશે અને કોને નહીં, તે ઈડીનો વ્યક્તિગત મામલો છે. હું માત્ર એટલું જાણું છું કે, આપણી ઈડી બેવકૂફ છે અને તે માત્ર (કેન્દ્ર) સરકારના આદેશ પર ચાલે છે. ઈડીનું સમન્સ ફારુક અબ્દુલ્લા વિરુદ્ધ ષડયંત્ર સિવાય કશું નથી.’
અધીર રંજને ફરી ED પર સાધ્યું નિશાન
અધીર રંજને અગાઉ પણ ઈડીની ટીકા કરી એજન્સીને બેવકૂફ કહી હતી. ગત અઠવાડિયે ઈડી ટીમ પર હુમલા બાદ કેન્દ્રીય એજન્સીએ ટીએમસી નેતા શાહજહાં શેખ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કરતા કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે, ‘ઈડી શું કરશે? ઈડી પોતે મૂર્ખ છે. બંગાળમાં સત્તાધારી પાર્ટી તેમની દેખરેખ રાખશે.’
ઈડીએ ફારૂક અબ્દુલ્લાને મોકલ્યું હતું સમન્સ
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર 86 વર્ષિય ફારૂક અબ્દુલ્લાને જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA)માં અનિયમિતતાની તપાસ માટે બોલાવાયા હતા. ઈડીએ વર્ષ 2022માં તેમની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી, જે 2018માં સીબીઆઈ દ્વારા ફાઈલ કરાયેલી ચાર્જશીટ પર આધારિત છે.
અધીર રંજને રેલવે મંત્રીને લખ્યો પત્ર
પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પણ પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં વિનંતી કરી છે કે, મહામારી દરમિયાન મુસાફરી ભાડા જે વધારો કરાયો હતો, તેની સમીક્ષા કરવામાં આવે અને તેને તાત્કાલીક અસરથી પરત ખેંચવામાં આવે.