EDએ 9 વર્ષમાં 3010 દરોડા પાડ્યા, 121માંથી 115 વિપક્ષી નેતા સામે કાર્યવાહી

ઈડીએ કોંગ્રેસ સરકારના 10 વર્ષમાં 26, જ્યારે ભાજપ સરકારના 9 વર્ષના શાસન દરમિયાન 121 નેતાઓ સામે કાર્યવાહી કરી

ઈડીએ NDAના શાસનકાળમાં સૌથી વધુ દરોડા પાડ્યા, સૌથી વધુ કોંગ્રેસ, ટીએમસી અને એનસીપીના નેતા સામે કાર્યવાહી

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
EDએ 9 વર્ષમાં 3010 દરોડા પાડ્યા, 121માંથી 115 વિપક્ષી નેતા સામે કાર્યવાહી 1 - image


ED Raid : છેલ્લા ઘણા સમયથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દરોડા પડાયા હોવાના ઘણા અહેવાલો સામે આવ્યા છે. ઈડીએ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ સહિતના નેતાઓ સામે કાર્યવાહી કરતી રહી છે. ઈડીએ એનડીએના શાસનકાળ દરમિયાન સૌથી વધુ દરોડા પાડ્યા છે, જેમાં 121માંથી વિપક્ષના 115 નેતાઓ સામે કાર્યવાહી કરી છે.

જમીનના બદલે નોકરી કૌભાંડ કેસમાં લાલુ પરિવાર સામે કાર્યવાહી

ઈડીએ સોમવારે (29 જાન્યુઆરી)એ કથિત જમીનના બદલે નોકરી કૌભાંડ (Land to Job Scam) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)ની પૂછપરછ કરી હતી. ત્યારબાદ આ જ કેસમાં મંગળવારે (30 જાન્યુઆરી)એ તેમના પુત્ર અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ (Tejashwi Yadav)ને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા.

બંગાળમાં રાશન કૌભાંડ, ઝારખંડમાં જમીન કૌભાંડ મામલે એક્શન

ઈડી પશ્ચિમ બંગાળ (West Bengal)ના કથિત રાશન કૌભાંડ કેસમાં કોલકાતામાં શાહજહાં સેખની પણ સોમવારે પૂછપરછ કરવા માંગતી હતી, પરંતુ TMC નેતા હાજર થયા ન હતા. જ્યારે કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડી ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન (ED Hemant Soren)ની બુધવાર (31 જાન્યુઆરી)એ રાંચીમાં પૂછપરછ કરશે. ઈડીએ મંગળવાર (30 જાન્યુઆરી)એ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખિચડી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ સંબંધિત એક કેસમાં શિવસેના (UBT) નેતા અને સાંસદ સંજય રાઉતના નાના ભાઈ સંદીપ રાઉતની પૂછપરછ કરી હતી.

એજન્સીનો દુરુપયોગ કરાતો હોવાનો વિપક્ષોનો આક્ષેપ

વિપક્ષી દળોનો આક્ષેપ છે કે, લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર તપાસ એજન્સિઓનો દુરુપયોગ કરી વિરોધીઓને નિશાન બનાવી રહી છે. બીજીતરફ અગાઉની UPA-1ની સરકાર અને વર્તમાન ભાજપ સરકારના શાસનમાં ઈડીની કાર્યવાહી અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે.

મોદી સરકારના શાસનમાં ઈડીએ 9 વર્ષમાં 3010 દરોડા પાડ્યા

2004થી 2014ની યુપીએ-1 સરકારમાં ઈડીએ 112 દરોડા પાડ્યા હતા. જ્યારે 2014થી 2022ની મોટી સરકાર દરમિયાન ઈડીએ 3010 દરોડા પાડ્યા છે. 2004થી 2014 સુધી મનમોહન સરકારમાં 26 નેતા વિરુદ્ધ ઈડીએ તપાસ કરી રહી હતી, જેમાં 14 નેતા વિપક્ષનાં હતાં. ત્યારબાદ મોદી સરકારના 9 વર્ષ દરમિયાન 121 નેતાઓ વિરુદ્ધ તપાસ કરાઈ, જેમાં 115 વિરોધ પક્ષના નેતાનો પણ સમાવેશ થાય છે, જેમાં સૌથી વધુ કોંગ્રેસ, ટીએમસી અને એનસીપીના નેતા સામે કાર્યવાહી કરાઈ છે. મનમોહન સરકાર દરમિયાન ઈડીએ 5346 કરોડ જપ્ત કર્યા હતા, જ્યારે મોદી સરકાર દરમિયાન તપાસ એજન્સીએ 99,356 કરોડ જપ્ત કર્યા.


Google NewsGoogle News