ખેડૂતોની આવક વધારવા માટે મહત્ત્વની યોજના, સમજો સરકારનું ડિજિટલ એગ્રિકલ્ચર મિશન શું છે?
Image: IANS |
Digital Agriculture Mission: કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવાના ઉદ્દેશ સાથે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન યોજના શરૂ કરી છે. આ યોજના યુપીઆઈની જેમ જ કામ કરે છે. જે રીતે યુપીઆઈએ ડિજિટલ પેમેન્ટ સરળ અને સુલભ બનાવ્યું છે, તે રીતે ખેડૂતો માટે રજૂ આ નવી યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને ડિજિટલ સેવાઓનો લાભ આપવો અને ખેતીના કામને અસરકારક અને મોર્ડન બનાવવાનો છે. જો કે, તેમાં યુપીઆઈની જેમ સીધો નાણાકીય લાભ મળશે નહીં.
શું લાભ મળશે?
ખેડૂતો માટે લાગુ આ નવી યોજના હેઠળ એગ્રીસ્ટેક, કૃષિ નિર્ણય સહાયતા પ્રણાલી, અને સોઈલ પ્રોફાઈલ મેપ્સ જેવી યોજના સામેલ છે. આ તમામની માહિતી અને સેવાઓ આ મિશન હેઠળ સરળતાથી મેળવી શકાશે. જેમાં સીધો નાણાકીય લાભ નહીં પરંતુ ખેડૂતો તેના માધ્યમથી નાણાકીય બાબતો સાથે જોડાયેલી સેવાઓ અને પાક લોન વગેરે સુધી ખેડૂતોની પહોંચને સરળ બનાવશે. ખેડૂતો માટે લેવડ-દેવડની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે.
શું છે મિશન અને તેની શું અસર?
DPI મિશનઃ કૃષિ ક્ષેત્રે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવુ સરકારની અન્ય ઈ-ગવર્નન્સ પહેલની જેમ જ છે. ડિજિટલ એગ્રિકલ્ચર મિશન હેઠળ ત્રણ પરિબળો એગ્રીસ્ટેક, કૃષિ નિર્ણય સહાયતા પ્રણાલી (Krishi DSS) અને સોઈલ પ્રોફાઈલ મેપ્સ કામ કરશે. જેમાં પ્રત્યેક પરિબળ ખેડૂતોને વિભિન્ન સેવાઓ સરળતાથી પહોંચાડવામાં મદદ કરશે. આ મિશનનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો ડિજિટલ જનરલ ક્રોપ એસ્ટિમેશન સર્વે છે, જે કૃષિ ઉત્પાદનના સચોટ અંદાજ આપશે.
મિશન હેઠળ 2817 કરોડની ફાળવણી
આ મિશન હેઠળ સરકારે રૂ. 2817 કરોડનું બજેટ ફાળવ્યું છે. જેમાંથી રૂ. 1940 કરોડ કેન્દ્ર સરકાર ફાળવશે, જ્યારે બાકીની રકમ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જારી કરવામાં આવશે. 2021-22માં આ મિશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોવિડ-19ના લીધે તેમાં વિલંબ થયો હતો. ત્યારબાદ 2023-24 અને 2024-25ના કેન્દ્રીય બજેટમાં કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જાહેરાત થઈ હતી. અત્યારસુધી 19 રાજ્યો આ મિશનમાં સામેલ થયા છે.
આ પણ વાંચોઃ કેન્દ્રની ખેડૂતોને લ્હાણી : રુ. 14,000 કરોડની સાત કૃષિ યોજનાને મંજૂરી
એગ્રીસ્ટેકની સુવિધાઓ
ખેડૂત કેન્દ્રિત આ સુવિધામાં ખેડૂત રજિસ્ટ્રી, ભૂ-સંદર્ભિત ગામ નકશા અને પાક વાવણીની રજિસ્ટ્રીનો ડેટાબેઝ તૈયાર થાય છે. જેને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા જ બનાવવા અને જાળવવામાં આવશે. ખેડૂત રજિસ્ટ્રીમાં ખેડૂતોનું આઈડી બનશે, જે તેમની જમીન, પશુધન, પાક, પારિવારિક માહિતી અને સરકારી યોજનાઓ રજૂ કરાશે. પાક વાવણી રજિસ્ટ્રીમાં ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવેલા પાકની માહિતી રેકોર્ડ થશે. 2023-24માં 11 રાજ્યોમાં આ અંગે પાયલોટ પ્રોજેક્ટ રજૂ કરાયો હતો. આગામી બે વર્ષમાં દેશભરમાં ડિજિટલ ક્રોપ સર્વે શરૂ કરવામાં આવશે.
કૃષિ નિર્ણય સહાયતા પ્રણાલી
આ યોજનામાં જિઓ-સ્પેશિયલ સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. જે પાક, માટી, હવામાન અને જળ સંસાધનોની માહિતી આપશે. જે પાક વીમાનો દાવો કરવા અને અન્ય નિર્ણયોમાં સહાયતા પ્રદાન કરશે. આ માહિતી પાક વાવણીની પેટર્નની ઓળખ કરશે, દુષ્કાળ પર નજર તથા ખેડૂતો દ્વારા પાક ઈન્સ્યોરન્સ ક્લેમને ટેક્નોલોજી અને મોડલ આધારિત પાકની આકરણી કરવામાં સહાયક બનશે.
સોઈલ પ્રોફાઈલ મેપ
આ અંતર્ગત લગભગ 142 મિલિયન હેક્ટર કૃષિ જમીનની માટીનો પ્રોફાઈલ મેપ કરવામાં આવશે, અત્યારસુધી લગભગ 29 મિલિયન હેક્ટરની માહિતી પૂર્ણ થઈ ચૂકી છે. ડિજિટલ જનરલ ક્રોપ એસ્ટિમેશન સર્વે વર્તમાન પાકની ઉપજનો અંદાજ લગાવવાની પ્રણાલીને વધુ સારી બનાવશે. આંકડાઓ સચોટ નિર્ણયો લેવામાં સુધારો કરશે. ડેટા સરકારને પાક વીમો, લઘુત્તમ ટેકાના ભાવ આધારિત ખરીદી, અને પાક લોન જેવી સવાઓને પારદર્શક અને અસરકારક બનાવવામાં મદદ કરશે.