Get The App

ભારતનું અંધકારમય ભવિષ્ય: બેમાંથી એક વિદ્યાર્થી કોલેજ છોડ્યા બાદ રોજગાર માટે લાયક નથી, આર્થિક સર્વેમાં મોટો ખુલાસો

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
ભારતનું અંધકારમય ભવિષ્ય: બેમાંથી એક વિદ્યાર્થી કોલેજ છોડ્યા બાદ રોજગાર માટે લાયક નથી, આર્થિક સર્વેમાં મોટો ખુલાસો 1 - image

Image:Freepik 

Economic Survey 2024: મોદી 3.0ના પ્રથમ બજેટ પૂર્વે આજે દેશની સંસદમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં દેશના આર્થિક લેખાજોખા રજૂ કરતા અહેવાલને Economic Survey અર્થાત આર્થિક સર્વેક્ષણ કહેવાય છે. દેશના મુખ્ય આર્થિક સલાહકાર(CEA)ની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં આજે મોટા ખુલાસા થયા છે.

2022 સુધીના આંકડાના આધારે ભારતમાં અસમાનતાની સ્થિતિ પરના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે ભારતમાં ટોચના 1 ટકા લોકો પાસે કુલ કમાણીનો 6થી 7 ટકા હિસ્સો છે, જ્યારે ટોચના 10 ટકા ધનિકો પાસે દેશની કુલ આવકનો એક તૃતીયાંશ ભાગ છે. 

ઈકોનોમિક સર્વેમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે ભારતમાં શિક્ષણનું સ્તર સામાન્ય સુધર્યું છે પરંતુ સ્કિલ્ડ બેરોજગારીની સ્થિતિ ખરાબ થઈ રહી છે. ભણેલા-ગણેલા લોકોએ નોકરી વિના રહેવાની નોબત ઉભી થઈ રહી છે. ભારતમાં લગભગ બેમાંથી એક ભારતીય હજુ પણ કોલેજ છોડ્યા બાદ સરળતાથી રોજગાર મેળવવા સક્ષમ નથી. તાજેતરના આર્થિક આંચકાથી રોજગાર પર અસર થઈ છે. રોજગારની આ વકરતી જતી પરિસ્થિતિ સાથે મેળ ખાવા યોગ્ય સ્કિલ એટલેકે કૌશલ અને શિક્ષણ પર વધુ ફોકસની જરૂર છે, અન્યથા દેશનું ભવિષ્ય ગણાતા યુવાધનનું ભવિષ્ય અંધકારમય બનશે.

આ પણ વાંચો: આર્થિક સર્વેક્ષણ શું હોય છે? બજેટના એક દિવસ પહેલાં જ કેમ રજૂ કરાય છે? જાણો આ રસપ્રદ માહિતી

રિપોર્ટ અનુસાર દેશના અર્થતંત્રને દર વર્ષે 78.5 લાખ નોકરીઓનું સર્જન કરવાની જરૂર છે. ભારતીય અર્થતંત્રને વધતી જતી કર્મચારીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 2030 સુધીમાં બિન-કૃષિ ક્ષેત્રમાં વાર્ષિક સરેરાશ 78.5 લાખ નોકરીઓ ઊભી કરવાની આવશ્યકતા છે. 

દેશનું સર્વિસ સેક્ટર હજુ પણ એક મુખ્ય રોજગાર પેદા કરતું સેક્ટર છે, પરંતુ બાંધકામ ક્ષેત્ર તાજેતરમાં એન્જિન બનીને ઉભરી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રકચર પર કેન્દ્ર અને ખાસ કરીને PPP મોડેલે સરકારના દબાણનું આ પરિણામ છે. જોકે બાંધકામની નોકરીઓ મોટાભાગે અનૌપચારિક અને ઓછા વેતનવાળી હોવાથી, કૃષિ છોડીને જતા શ્રમબળ માટે યોગ્ય તકોની અતિઆવશ્યકતા છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં બેડ લોનના વારસાને કારણે છેલ્લા એક દાયકામાં રોજગારીનું સર્જન ધીમી રહ્યું છે અને 2021-22થી તેમાં સુધારો આવ્યો છે.


Google NewsGoogle News