Get The App

બેરોજગારી દર ઘટ્યો પણ ભારતમાં દર વર્ષે 78.5 લાખ નોકરીઓની જરૂર: ઈકોનોમિક સર્વે

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
Budget 2025


Budget 2025: દેશમાં બેરોજગારીની સ્થિતિ છેલ્લા સાત વર્ષમાં સુધરી હોવાનું આર્થિક સર્વેમાં જણાવવામાં આવ્યું છે. શ્રમ બજારના સૂચકાંકોમાં સુધારો નોંધાતા જુલાઈ-જૂન, 2017-18માં બેરોજગારીનો દર 6 ટકા હતો. જે સુધરી નાણાકીય વર્ષ 2023-24માં સુધરીને 3.2 ટકા થયો છે. ભારતના વધતા જતા વર્કફોર્સને રોજગારી પૂરી પાડવા માટે 2030 સુધીમાં દર વર્ષે 78.5 લાખ નવી નોકરીઓનું સર્જન કરવું પડશે

રોજગાર મોરચે સુધારો

આર્થિક સર્વે અનુસાર, તાજેતરના વર્ષોમાં ભારતમાં રોજગાર મોરચે સારી પ્રગતિ જોવા મળી છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન (NSO) દ્વારા બહાર પાડવામાં આવેલ 2023-24 પીરિયડિક લેબર ફોર્સ સર્વે (PLFS) એ કોવિડ મહામારી બાદ મજબૂત રિકવરી દર્શાવે છે. 15 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે દેશનો એકંદરે બેરોજગારી દર 2017-18માં 6ટકાથી ઘટીને 2023-24માં 3.2ટકા થઈ ગયો છે. ભારતના વધતા જતા વર્કફોર્સને રોજગારી પૂરી પાડવા માટે 2030 સુધીમાં દર વર્ષે 78.5 લાખ નવી નોકરીઓનું સર્જન કરવું પડશે

શહેરી વિસ્તારોમાં ત્રિમાસિક ધોરણે બેરોજગારી દરમાં સુધારો થયો છે, તે Q2FY24માં 6.6 ટકાથી ઘટીને Q2FY25માં 6.4 ટકા થયો છે. શહેરી વિસ્તારોમાં લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (LFPR) 49.3 ટકા સામે વધી 50.4 ટકા થયો છે, આ જ સમયગાળા દરમિયાન વર્કર-ટુ-પોપ્યુલેશન રેશિયો (WPR) 46 ટકાથી વધી 47.2 ટકા થયો છે.

2047 સુધી ભારત વિકસિત દેશ બનશે

ભારતે વર્ષ 2047 સુધીમાં વિકસિત અર્થતંત્ર તરીકે ઉભરી આવવાનો લક્ષ્યાંક રાખ્યો છે, આ માટે તેણે ઓછામાં ઓછા એક દાયકા સુધી દર વર્ષે લગભગ  આઠ ટકાના દરે જીડીપી ગ્રોથ હાંસલ કરવો પડશે. જેના માટે રોકાણ 31 ટકાથી વધારી જીડીપીના 35 ટકા કરવુ પડશે.

આ પણ વાંચોઃ Budget 2025: બજેટને સરળતાથી સમજવા માટે આ શબ્દોને સમજવા જરૂરી, વારંવાર થાય છે ઉપયોગ

મેન્યુફેક્ચરિંગનો ગ્રોથ મહત્ત્વનો

વિકસિત ભારત માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ અતિ આવશ્યક છે. જે ચાલુ નાણાકીય વર્ષમાં મંદ પડ્યો છે. આ સિવાય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રોબોટિક્સ અને બાયોટેકનોલોજી જેવી ઉભરતી ટેક્નોલોજીમાં રોકાણ કરવું પણ જરૂરી છે. આપણી શિક્ષણ સંસ્થાઓની ગુણવત્તા વિકસાવવી પડશે અને ઉચ્ચ ગુણવત્તાની ભાવિ તૈયાર માળખાકીય સુવિધાઓ ઊભી કરવી પડશે.

સરકારે અનેક પગલાં લીધા

આર્થિક સર્વેક્ષણ જણાવે છે કે સરકારે રોજગાર, સ્વ-રોજગાર અને શ્રમ કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે સંખ્યાબંધ પગલાં અમલમાં મૂક્યા છે. તાજેતરમાં શરૂ કરાયેલી પીએમ-ઇન્ટર્નશિપ સ્કીમ રોજગારી સર્જન માટે પરિવર્તનકારી પગલા તરીકે ઉભરી રહી છે. વર્કફોર્સમાં યુવાનો અને મહિલાઓની વધતી જતી ભાગીદારી પણ મહત્ત્વનો ભાગ ભજવી રહી છે.

સરકાર ઓટોમેશન, જનરેટિવ AI, ડિજિટલાઇઝેશન અને ક્લાઇમેટ ચેન્જ જેવા ઉભરતા વૈશ્વિક વલણો સાથે તાલમેલ રાખવા માટે એક લવચીક અને કાર્યક્ષમ ઇકોસિસ્ટમ બનાવી રહી છે.

એમએસએમઈને પ્રોત્સાહન આવશ્યક

ભારતની પ્રગતિ માટે MSME ક્ષેત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે. સર્વેમાં જણાવાયું છે કે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપીને અને ઓછા મૂડી ખર્ચે મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન કરતાં આ ક્ષેત્ર કૃષિ પછી બીજા ક્રમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 26 નવેમ્બર 2024 સુધી MSMEએ 23.24 કરોડ લોકોને રોજગારી પૂરી પાડી છે.


બેરોજગારી દર ઘટ્યો પણ ભારતમાં દર વર્ષે 78.5 લાખ નોકરીઓની જરૂર: ઈકોનોમિક સર્વે 2 - image


Google NewsGoogle News