દેશમાં આર્થિક અસમાનતા 100 વર્ષના શિખરે પહોંચી, ફક્ત 1% સૌથી ધનિકો પાસે 40% સંપત્તિ : રિપોર્ટ

10 ટકા ધનિકોનો દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં હિસ્સો 22.6 ટકા

સૌથી ધનિકની સરેરાશ આવક સરેરાશ કરતા 2069 ગણી કે રૂ.48 કરોડ

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
દેશમાં આર્થિક અસમાનતા 100 વર્ષના શિખરે પહોંચી, ફક્ત 1% સૌથી ધનિકો પાસે 40% સંપત્તિ : રિપોર્ટ 1 - image


અમદાવાદ : ભારતમાં આવક અને સંપત્તિની અસમાનતાનું પ્રમાણ ઐતિહાસિક ઊંચા સ્તરે -બ્રિટીશ રાજ કરતા પણ વધારે - પહોચી ગયું છે. નવા અંદાજ અનુસાર વર્ષ ૨૦૨૨-૨૩માં રાષ્ટ્રીય આવકમાં ૨૨.૬ ટકા હિસ્સો દેશની સૌથી ધનિક એક ટકા વસતિને ફાળે ગયો હતો અને કુલ સંપત્તિમાં તેમનો હિસ્સો હવે વધીને ૪૦.૧ ટકા થઇ ગયો છે. આ પ્રમાણ ૧૯૬૧માં વર્લ્ડ ઇન્કવાલિટી લેબની શરૂઆત થઇ ત્યારથી સૌથી વધારે છે. એટલું જ નહી, ભારતમાં ૧૯૯૧માં આર્થિક ઉદારીકરણ, વૈશ્વીકરણની નીતિ અમલમાં આવી ત્યારથી સૌથી ધનિક પાસે આવક અને સંપત્તિ સતત વધી રહી છે. વિખ્યાત અર્થશાસ્ત્રી થોમસ પીકેટી, લુકાસ ચાન્સેલ, નીતિન કુમાર અને અનમોલ સોમાંચીએ લેબના આધારે ૧૯૨૨ થી ૨૦૨૩ વચ્ચે ભારતમાં આવક અને સંપત્તિની અસમાનતા ઉપર એક રિસર્ચ પેપર મંગળવારે રજૂ કરવામાં આવ્યું હતું.

આ રિસર્ચ પેપરમાં અનુસાર બ્રિટીશ રાજ કે વિશ્વયુદ્ધના સમયે ભારતમાં જેટલી આવક અને સંપત્તિની અસમાનતા હતી તેના કરતા પણ વધારે અસમાનતા હવે જોવા મળે છે. 

વધુમાં, ભારતમાં આઝાદીથી ૧૯૮૦ના દાયકા સુધી અસમાનતા સતત ઘટી રહી હતી પરંતુ પછી તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં ૧૯૬૦થી ૨૦૨૨ વચ્ચે વાસ્તવિક આવકમાં (એટલે કે ફુગાવાની અસરને બાદ કરતા) દર વર્ષે સરેરાશ ૨.૬ ટકા વધી છે. પરંતુ, ૧૯૯૦ થી ૨૦૨૨ના ટૂંકાગાળામાં આ વૃદ્ધિ સરેરાશ ૩.૬ ટકા જોવા મળી રહી છે. 

આઝાદી પછી ધનિકોની આવકમાં હિસ્સો ઘટયો, પછી વધ્યો

આ પેપર અનુસાર, દેશના સૌથી ધનિક ૧૦ ટકા વ્યક્તિઓનો આવકમાં હિસ્સો ૧૯૫૧માં લગભગ ૩૭ ટકા હતો જે ૧૯૮૨માં ઘટી ૩૦ ટકા થઇ ગયો પણ ઉદારીકરણ પછી તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નેવુંના દાયકામાં ટોચના ૧૦ ટકા ધનિકોનો હિસ્સો વધી હવે કુલ આવકના ૬૦ ટકા જેટલો પહોચી ગયો છે તેની સામે સૌથી નીચેના ૫૦ ટકા વસતિનો આવકમાં હિસ્સો હવે માત્ર ૧૫ ટકા જ રહ્યો છે. 

સૌથી ધનિક 10,000ની આવક સરેરાશ કરતા 2069 ગણી

સૌથી વધુ ધનિક એક ટકામાં આવતા લોકોની આવક રૂ.૫૩ લાખ છે જે રાષ્ટ્રની સરેરાશ ૨.૩ લાખની આવક કરતા ૨૩ ની છે. સૌથી નીચેના ૫૦ ટકા વ્યક્તિઓ બની આવક રૂ.૭૧,૦૦૦ છે અને ૪૦ ટકા જેટલા મધ્ય વર્ગની આવક રૂ.૧૬.૬૫ લાખ છે. દેશના સૌથી ધનિક ૧૦,૦૦૦ વ્યક્તિઓની સરેરાશ આવક રૂ.૪૮ કરોડ છે જે રાષ્ટીય સરેરાશ કરતા ૨૦૬૯ ગણી છે. 

સંપત્તિમાં પણ ધનિકોનો હિસ્સો સૌથી વધુ

રિસર્ચમાં ડેટાની ઉપલબ્ધીના કારણે સંપત્તિની અસમાનતા ૧૯૬૧થી ૨૦૨૩ વચ્ચેની વિગતો આપે છે. સંપત્તિમાં ટોચની ૧૦ ટકા વસતિનો હિસ્સો ૧૯૬૧માં ૪૫ ટકા હતો જે ૨૦૨૩માં વધી ૬૫ ટકા થઇ ગયો છે. તેની સામે મધ્યમ વર્ગના ૪૦ ટકા અને નીચેના ૫૦ ટકા લોકોની સંપત્તિમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. 

ટોચની એક ટકા વસતિની સંપત્તિ સરેરાશ કરતા 40 ગણી

ભારતમાં ટોચની એક ટકા વસતિની સરેરાશ સંપત્તિ રૂ.૫.૪૦ કરોડ છે જે સરેરાશ કરતા ૪૦ ગણી વધારે છે. સૌથી નીચેના ૫૦ ટકાની સંપત્તિ ૧.૭ લાખ છે જયારે મધ્યમ વર્ગની સંપત્તિ રૂ.૯.૬૦ લાખ છે. સૌથી વધુ ધનિક ૧૦,૦૦૦ વ્યક્તિની સરેરાશ સંપત્તિ રૂ.૨૨.૬ અબજ રૂપિયા છે જે સરેરાશ કરતા ૧૬,૭૬૩ ગણી વધારે છે.

સૌથી અસમાન આવકની દ્રષ્ટિ ભારત વિશ્વમાં બીજા ક્રમે 

વિશ્વના અન્ય દેશો સાથે ભારતની આવક અને સંપત્તિની અસમાનતાના વર્તમાન સ્તરની સરખામણી કરવામાં આવે તો ટોચના ૧૦ ટકા વસતિની દ્રષ્ટિએ અસમાનતામાં ભારત દક્ષિણ આફ્રિકા પછી બીજા ક્રમે આવે છે જ્યારે ટોચના ૧ ટકા વસતિની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં સૌથી અસામાન હોવાનું દર્શાવે છે.

ભારતમાં ટોચના એક ટકાની આવક વિશ્વના સૌથી આધુનિક દેશો સાથે સરખાવી શકાય એમ આ રિસર્ચ પેપર નોંધે છે. 

સંપત્તિની દ્રષ્ટિએ ટોચની ૧૦ ટકા વસતિમાં ભારત મધ્યમાં આવે છે ભારત કરતા બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં સંપત્તિની અસમાનતા ઘણી વધારે જોવા મળે છે. સંપત્તિની સૌથી સમાન વહેંચણીમાં યુકે અને ફ્રાંસ વિશ્વમાં સૌથી અગ્રીમ જોવા મળે છે.


Google NewsGoogle News