Get The App

કોણે કઈ પાર્ટીને કેટલું ફંડ આપ્યું? ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડનો તમામ ડેટા કર્યો જાહેર

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
કોણે કઈ પાર્ટીને કેટલું ફંડ આપ્યું? ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડનો તમામ ડેટા કર્યો જાહેર 1 - image


Electoral Bonds: ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડના સિરિયલ નંબર સાથેનો ડેટા આજે(ગુરુવાર) પોતાની વેબસાઇટ પર અપલોડ કર્યા છે. હવેથી બોન્ડને લગતી તમામ માહિતી પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ આજે જ સુપ્રીમ કોર્ટમાં માહિતી આપી હતી કે તમામ ડેટા ચૂંટણી પંચને સોંપી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે SBIને વારંવાર આ કેસમાં ઠપકો આપ્યો હતો. 

સુપ્રીમ કોર્ટમાં છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે SBIના ચેરમેનની ઝાટકણી કાઢી હતી. 18મી માર્ચે જ સર્વોચ્ચ અદાલતે SBIને આદેશ આપ્યો હતો કે 21મી માર્ચે સાંજના પાંચ વાગ્યા પહેલા બોન્ડનો તમામ ડેટા સિરિયલ નંબર સાથે ચૂંટણી પંચને સોંપી દેવામાં આવે.


એસબીઆઈએ સોગંદનામું દાખલ કર્યું હતું

એસબીઆઈના ચેરમેન દિનેશ કુમાર ખારાએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે, 'કોર્ટના આદેશ મુજબ અમે નિર્ધારિત સમય પહેલા ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ સાથે સંબંધિત તમામ વિગતો આપી દીધી છે. આ વખતે આપવામાં આવેલી માહિતીમાં બોન્ડનો આલ્ફા ન્યુમેરિક નંબર એટલે કે યુનિક નંબર, બોન્ડની કિંમત, ખરીદનારનું નામ, પેમેન્ટ મેળવનાર પાર્ટીનું નામ, પાર્ટીના બેંક એકાઉન્ટ નંબરના છેલ્લા ચાર અંક, કિંમત અને રિડીમ કરેલ નંબરનો સમાવેશ થાય છે. સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને, રાજકીય પક્ષનો સંપૂર્ણ બેંક એકાઉન્ટ નંબર, પક્ષની કેવાયસી માહિતી અને ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારને શેર કરવામાં આવ્યા નથી.'

સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી 

18મી માર્ચે એસબીઆઈને ઈલેક્ટોરલ બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટની ટકોરનો સામનો કરવો પડ્યો હતો. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે સવાલ કર્યો હતો કે, એસબીઆઈએ કોર્ટના આદેશ છતાં તમામ માહિતી કેમ જાહેર નથી કરી. જ્યારે અમે કહીએ છીએ કે અમને બધી માહિતી જોઈએ છે. એસબીઆઈ દ્વારા આપવામાં આવેલી તમામ માહિતી ગુરુવારે સાંજે 5 વાગ્યા સુધીમાં સોગંદનામાં દ્વારા કોર્ટને આપવામાં આવે.'

ઉલ્લેખનીય છે કે, 15માં ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. આ સાથે ચીફ જસ્ટિસની બેન્ચે સ્ટેટ બેંકને આદેશ આપ્યો કે એપ્રિલ 2019થી 15મી ફેબ્રુઆરી 2024 સુધી કેટલા ઈલેક્ટોરલ બોન્ડ આપવામાં આવ્યા, કયા રાજકીય પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડમાંથી પૈસા મળ્યા તે તમામ માહિતી ચૂંટણી પંચને આપે. કોર્ટના આદેશ પછી 12મી માર્ચે SBIએ ઈલેક્ટોરલ બોન્ડના ડેટા ચૂંટણી પંચને આપ્યા હતા. પંચે ગયા ગુરુવારે આ માહિતી જાહેર કરી હતી.



Google NewsGoogle News