યમુનામાં ઝેર અંગે કેજરીવાલના જવાબથી ચૂંટણીપંચ સંતુષ્ટ નહીં, 5 સવાલ કરી પુરાવા માગ્યા
Arvind Kejriwal: દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે અરવિંદ કેજરીવાલે એક એવો મુદ્દો ઉઠાવ્યો જેના પર હોબાળો વધી રહ્યો છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે ત્યાંની ભાજપ સરકાર હરિયાણાથી દિલ્હી આવતા યમુનાના પાણીમાં ઝેર ભેળવી રહી છે. હવે આ દાવાને લઈને કેજરીવાલ ભારે ફસાયા છે.
એક તરફ તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રીના જવાબથી ચૂંટણી પંચ પણ સંતુષ્ટ નથી. ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલને પુરાવા સાથે જવાબ આપવા માટે વધુ એક તક આપી છે. ચૂંટણી પંચે તેમને 5 પ્રશ્નો પૂછ્યા છે. તેમને 31 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
અરવિંદ કેજરીવાલે હરિયાણાની ભાજપ સરકાર પર લગાવ્યો આરોપ
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે દાવો કર્યો હતો કે હરિયાણાની ભાજપ સરકારે યમુનાના પાણીમાં ઝેર ભેળવ્યું છે. જો આ પાણી દિલ્હી જલ બોર્ડના એન્જિનિયરોએ બંધ ન કર્યું હોત તો દિલ્હીમાં નરસંહાર થયો હોત. ભાજપની ફરિયાદ બાદ ચૂંટણી પંચે કેજરીવાલ પાસે જવાબ માંગ્યો હતો. તેમના જવાબ બાદ ચૂંટણી પંચે ફરી એકવાર તેમને સવાલ પૂછ્યા છે.
કેજરીવાલના જવાબો પર ચૂંટણી પંચની પ્રતિક્રિયા
કેજરીવાલનો જવાબ વાંચ્યા બાદ ચૂંટણી પંચે કહ્યું છે કે, 'યમુનામાં એમોનિયાનું પ્રમાણ વધવાના મુદ્દાને નદીમાં નદીમાં ઝેર ભેળવવાના આરોપ સાથે મિક્સ ન કરો. તમે તમારા જવાબ સાથે તથ્યો અને પુરાવા રજૂ કર્યા નથી. તમે યમુનામાં એમોનિયાના વધતા પ્રમાણ દ્વારા તમારા નિવેદનને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. કમિશને કહ્યું કે પ્રથમ નજરે તેના આરોપો જૂથો વચ્ચે દુશ્મનાવટ અને અવ્યવસ્થા ફેલાવવા પર આધારિત છે.'
વધુ તક આપીને કેજરીવાલને 5 પ્રશ્નો પૂછવામાં આવ્યા
ચૂંટણી પંચે કહ્યું છે કે, 'તમારા જેવું વ્યક્તિત્ત્વ ધરાવતા વ્યક્તિ અને પૂર્વ મુખ્યમંત્રીને આવા નિવેદનોની ખરાબ અસર સમજાવવાની જરૂર નથી. આથી તમને એક વધુ તક આપીને તેમને 5 પ્રશ્નો પૂછવામાં આવ્યા, જેમાં....
1. હરિયાણા સરકાર દ્વારા યમુના નદીમાં કયા પ્રકારનું ઝેર ભેળવવામાં આવ્યું હતું?
2. ઝેરની માત્રા, પ્રકૃતિ અને શોધની પદ્ધતિ વિશે પુરાવા આપો જેથી ખ્યાલ આવે કે નરસંહાર થઇ શકતો હતો
3. ઝેર કઈ જગ્યાએ મળ્યું?
4. દિલ્હી જલ બોર્ડના એન્જિનિયરોએ આ શોધ ક્યાં અને કેવી રીતે કરી?
5. પાણીને દિલ્હીમાં પ્રવેશતું અટકાવવા એન્જિનિયરોએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો?
આ પણ વાંચો: એકનાથ શિંદેને ગઢમાં ઝટકો આપવા ભાજપ તૈયાર, મંત્રી જનતા દરબાર યોજશે, તિરાડ વધી
કેજરીવાલનો શું જવાબ હતો?
અરવિંદ કેજરીવાલે તેમના જવાબમાં જણાવ્યું હતું કે શહેરમાં પીવાના પાણીની ગુણવત્તાને લઈને ઉદ્ભવતા 'તાકીદની જાહેર આરોગ્ય કટોકટી'ના સંદર્ભમાં તેમની ટિપ્પણીઓ કરવામાં આવી હતી. 14 પાનાના જવાબમાં, તેમણે કહ્યું કે હરિયાણામાંથી મળેલા કાચા પાણીમાં એમોનિયાનું સ્તર એટલું ઊંચું છે કે દિલ્હીના જળ શુદ્ધિકરણ પ્લાન્ટ તેને માનવ વપરાશ માટે સલામત અને સ્વીકાર્ય મર્યાદા સુધી ઘટાડવામાં અસમર્થ છે.