તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી KCRને અપશબ્દો બોલવા ભારે પડ્યા, ચૂંટણી પંચે કરી કાર્યવાહી
Telangana Lok Sabha Elections 2024 : તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના પ્રમુખ ચંદ્રશેખર રાવે (KCR) કોંગ્રેસ વિરુદ્ધ અપશબ્દો બોલવા ભારે પડ્યા છે. કોંગ્રેસે તેમની સામે ફરિયાદ નોંધાવ્યા બાદ ચૂંટણી પંચે (Election Commission) તેમના પર 48 કલાક ચૂંટણી પ્રચારનો પ્રતિબંધ લગાવી દેવાયો છે. ચૂંટણી પંચે કેસીઆરને નોટીસ પાઠવી હતી, જેમાં આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા મામલે આ કાર્યવાહી કરી છે.
કોંગ્રેસે KCR વિરુદ્ધ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ
કોંગ્રેસ (Congress) દ્વારા છ એપ્રિલે ફરિયાદ કરવામાં આવી હતી કે, એક ચૂંટણી સભામાં કેસીઆરે કોંગ્રેસ અંગે કથિત રીતે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસના આક્ષેપોની તપાસ કરવા માટે મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચને એક રિપોર્ટ સોંપ્યો હતો. ત્યારબાદ પંચે 16 એપ્રિલે કેસીઆરને કારદર્શક નોટિસ પાઠવી હતી.
કેસીઆરએ કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા
બીજીતરફ કેસીઆરએ કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે મારા તેલુગુ ભાષાના અંગ્રેજી ભાષાંતરને ખોટી રીતે રજુ કર્યા છે. તેમણે નોટિસના જવાબમાં ચંટણી પંચને કહ્યું કે, ‘તેલંગણા અને સિરસિલામાં ચૂંટણીના પ્રભારી અધિકારી તુલુગુ નથી અને તેઓ સ્થાનિક તેલુગુ ભાષાને મુશ્કેલીથી સમજે છે. મેં પ્રેસ કોન્ફરન્સમાં આપેલા નિવેદનનો કોંગ્રેસે ખોટો અર્થ કાઢી ફરિયાદ કરી છે. કોંગ્રેસે મારા તેલુગુ ભાષામાં આપેલા નિવેદનનું અંગ્રેજી ભાષામાં કરાયેલા રૂપાંતરને ખોટી રીતે રજુ કર્યું છે, જે યોગ્ય નથી અને તેને ખોટી રીતે ચૂંટણી પંચમાં રજુ કરાયું છે.’